Get The App

મેઘા એન્જિનિયરિંગે થાણે બોરીવલી ટનલ માટે બોગસ બેન્ક ગેરન્ટીઓ આપીઃ પીઆઈએલ

Updated: Feb 13th, 2025


Google NewsGoogle News
મેઘા એન્જિનિયરિંગે થાણે બોરીવલી ટનલ માટે બોગસ બેન્ક ગેરન્ટીઓ આપીઃ પીઆઈએલ 1 - image


અબજોના ઈલેક્ટોરલ બોન્ડના બદલામાં કોન્ટ્રાક્ટ અપાયો છે

બોગસ બેન્ક ગેરન્ટીઓ અંગે સીબીઆઈ અથવા તો એસઆઈટી રચી તપાસનો ઓર્ડર આપવા હાઈકોર્ટ સમક્ષ માગણી

૧૬૬૦૦  કરોડના પ્રોજેક્ટમાં રિઝર્વ બેન્ક દ્વારા  માન્ય ન હોય તેવી વિદેશી બેન્કની ગેરન્ટી અપાઈ

મુંબઈ - થાણે અને બોરીવલી વચ્ચે રૃ. ૧૬૬૦૦.૪૦ કરોડના ખર્ચે ટ્વીન ટયુબ રોડ ટનલના બાંધકામ માટે મેઘા એન્જિનીયરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ. (એમઈઆઈએલ) નામની ખાનગી કંપની પાસેથી મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા સ્વીકારાયેલી બેન્ક ગેરેન્ટીઓ બોગસ છે તેવો આક્ષેપ કરી તેની  સીબીઆઈ અથવા એસઆઈટી તપાસ ઈચ્છતી જનહિત અરજી બોમ્બે હાઈકોર્ટમાં કરવામાં આવી છે.

એમએમઆરડીએની તરફેણમાં એમઈઆઈએલ વતી વિદેશી કંપની દ્વારા બોગસ બેન્ક ગેરેન્ટીઓ (બીઆર)જારી કરાયાનો આરોપ અરજીમાં કરાયો છે. જનહિત અરજી વરિષ્ઠ પત્રકાર વી. રવી પ્રકાશે કરી છે. કોર્ટે અરજી પર આવતા સપ્તાહે સુનાવણી કરાશે એમ જણાવ્યું હતું.

અરજીમાં જણાવાયું હતું કે  સેન્ટ લુસિયા સ્થિત અને ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સના કાયદ હેઠળ આવતી યુરો એક્ઝીમ બેન્ક આરબીઆઈ દ્વારા માન્યતા પ્રાપ્ત વિદેશી બેન્ક નથી. આ બેન્કે બેન્ક ગેરેન્ટીઓ આપી છે. એસબીઆઈએ બેન્કની બેન્ક  ગેરેન્ટીઓના સ્વિફ્ટ સંદેશાઓને કોઈ જોખમ અને જવાબદારીને ધ્યાનમાં લીધા વિના અને કોઈ સામાન્ય ચકાસણી હાથ ધર્યા વિના ઓથેન્ટિકેટ કર્યા હોવાનું અરજીમાં જણાવાયું છે.

રાજ્ય સરકારના જાહેર બાંધકામ ખાતાએ ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૭ના પરિપત્રકમાં જણાવાયું છે કે રાષ્ટ્રીયકૃત અથવા શેડયુલ્ડ બેન્કો દ્વારા જારી કરાયેલી બેન્ક ગેરેન્ટીના સ્વરૃપમાં જ પરફોર્મન્સ સિક્યોરિટી સ્વીકારી શકાય છે. આ સર્ક્યુલરને અરજીમાં ટાંકવામાં આવ્યું હતું. માત્ર રાષ્ટ્રીયકૃત બેન્કો પાસેથી બેન્ક ગેરેન્ટી સ્વકારવી જોઈએ એવા એમએમઆરડીએના ફાયનાન્સ એકાઉન્ટ ડિવિઝનના પરિપત્રકનો પણ ઉલ્લેખ કરાયો છે. અરજીમાં આરોપ કરાયો છે કે એમઈઆઈએલે આપેલી છ બોગસ ગેરેન્ટીઓ કોઈ સિક્યોર્ડ ગેરેન્ટી વિના ખોટી રીતે જનતા પાસેથી ભંડોળ મેળવવા માટે ઊભો કરાયેલો કારસો છે જે ગેરેન્ટીઓને વટાવી શકાય તેમ નથી.વધુમાં એમઈઆઈએલ અને રાજકીય પક્ષો વચ્ચે અરસપરસની સમજૂતી હોવાનું પણ જણાતું હોવાનો આરોપ કરાયો છે.

ભારતના ચૂંટણી પંચના ઈલેક્ટોરલ બોન્ડના ડેટામાં એમઈઆઈએલ દ્વિતીય નંબરની સૌથી મોટી દાતા કંપની છે.  ૧૨ એપ્રિલ ૨૦૧૯ અને ૧૨ ઓક્ટોબર ૨૦૨૩ દરમ્યાન રૃ. ૯૮૦ કરોડના ઈલેક્ટોરલ બોન્ડ પણ ખરીદ્યા હતા અને રૃ. ૫૮૪ કરોડ એનજેપી, ૧૯૫ કરોડ ભારત રાષ્ટ્ર સમિતિ અને રૃ. ૮૫ કરોડ ડીએમકેને આપ્યા હતા.આથી રાજકીય પક્ષો સાથેના આદાનપ્રદાનને કારણે થાણે-બોરીવલી ટનલ  પ્રોજેક્ટ સહિતના મહત્ત્વના પ્રોજેક્ટ તેને ફાળે ગયા છે તેવો આરોપ થઈ રહ્યો છે. 

અરજદારે જણાવ્યુ ંહતું કે  આ બાબતે નાણા મંત્રાલય, આરબીઆઈ, સીબીઆઈ અને કેગને અનેક ફરિયાદો કરી હોવા છતાં પગલાં લેવાયા નથી. આથી આ મુદ્દે સીબીઆઈ કે એસઆઈટી દ્વારા તપાસ કરવાની વિનંતી કરાઈ છે. એમઈઆઈએલને અપાયેલો કોન્ટ્રેક્ટ રદ કરવાનો એમએમઆરડીએને નિર્દેશ આપવાની પણ દાદ મગાઈ છે.

અરજીની સુનાવણી દરમ્યાન એમઈઆઈએલના ખાતા અને મિલકતોને ફ્રીઝ કરીને બોગસ વ્યવહાર મારફત ભંડોળ કે મેળવવા કે કોઈ મિલકતને ટ્રાન્સફર ક રવાથી અટકાવવાની વિનંતી કરાઈ છે. એમઈઆઈએલ દ્વારા હાથ ધરાતા તમામ અન્ય કોન્ટ્રેક્ટ અને પ્રોજેક્ટનું સ્વાયત્ત ફોરેન્સિક ઓડિય કરવાની પણ વિનંતી કરાઈ છે.



Google NewsGoogle News