લાતુરમાં મરાઠા આરક્ષણ માટે મેડિકલ વિદ્યાર્થીએ ગળાફાંસો ખાદ્યો
આત્મહત્યા પહેલા પરિવારજનોને ફોન કરીને તેમની સાથે વાત કરી હતી
આત્મહત્યા પહેલા મોબાઈલ પર મરાઠા આરક્ષણનું સ્ટેટસ રાખ્યુ અને ચિઠ્ઠી લખી હતી
મુંબઈ: મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ માટે મરાઠાવાડમાં દિવસેને દિવસે આત્મહત્યા વધી રહી છે. જેમાં મનોજ જરાંગે સતત લોકોને આત્મહત્યા ન કરવા વિનંતી કરી રહ્યા છે. જો કે, તેમ છતાં આત્મહત્યાઓ ચાલુ જ છે. ત્યારે મરાઠા આરક્ષણ માટે લાતુરની માંજરા આયુર્વેદિક કોલેજની હોસ્ટેલમાં એક વિદ્યાર્થીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ વિદ્યાર્થીનું નામ પ્રદિપ નિવૃત્તિ માતે પાટીલ છે અને તે બીએએમએસના પ્રથમ વર્ગમાં અભ્યાસ કરતો હતો. તે બીડ જિલ્લાના લોણીનો રહેવાસી હતો.
પ્રદિપે આજે સવારે સાત વાગ્યે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યાની આગલી રાત્રે તેણે તેના મિત્રો સાથે મરાઠા આરક્ષણની રાજનીતિ અંગે ચર્ચા પણ કરી હતી. તેમ જ તેણે પરિવારજનોને ફોન પણ કર્યો હતો. આ ઉપરાંત તેણે મરાઠા સમુદાયને આરક્ષણ મેળવવા માટે પોતાના મોબાઈલ પર સ્ટેટસ પણ મૂક્યું હતું અને ચિઠ્ઠીમાં મરાઠા આરક્ષણ લખ્યુ હતું. તેમ જ સવારમાં હોસ્ટલ રુમમાં જે મિત્ર સાથે રહેતો હતો, તે મિત્રને કહ્યું હતું કે, તું બહાર બેસી જા, તને લાઈટથી તકલીફ થશે, હું ભણવા જાઉં છું. મિત્ર બહાર ગયો કે તરત જ તેણે અંદરથી દરવાજો બંધ કરી દીધો અને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
હાલ આ મામલામાં પ્રદીપના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિલાસરાવ દેશમુખ સરકારી મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યો હતો. આ અંગે ગાંધીચોક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
દરમિયાન, પ્રદીપના પરિવારજનોએ મરાઠા આરક્ષણ માટે આંદોલન કરી રહેલા મનોજ જરાંગે પાટીલને ફોન કરી સંપર્ક કર્યો હતો.જેમાં તેમને પ્રદીપની આત્મહત્યા અંગે માહિતી આપવામાં આવી હતી. મનોજ જરાંગ પાટીલે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો.તેમ જ એવી પણ અપીલ કરી હતી કે કોઈએ પણ આવું આત્યંતિક પગલું નભરવું જોઈએ.