કાંદિવલીમાં એમબીબીએસના વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી
પરીક્ષામાં ઓછા માર્કસ આવતા ડિપ્રેશનમાં
માતા બીજા રૂમમાં હતી ત્યારે હૉલમાં ગળાફાસો ખાધો
મુંબઇ: કાંદિવલીમાં એમબીબીએસના ૨૨ વર્ષીય વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી હતી. યુવકે ઘરમાં હૉલમાં ગળાફાસો ખાધો હતો. પરીક્ષામાં ઓછા માર્ક્સ આવતા હતાશામાં તેણે અંતિમ પગલું ભર્યું હોવાનું કહેવાય છે, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
ચારકોમમાં રહેતો ૨૨ વર્ષીય અજય ઝાંગિડે લાતુરની એક મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો. ગઇકાલે ઘરમાં તેની માતા અન્ય રૂમમાં હતી. પિતા બહાર ગયા હતા ત્યારે અજયે હૉલમાં ફાંસી લગાવી લીધી હતી. માતાએ પુત્ર અજયને ગળાફાસો ખાધેલી હાલતમાં જોયો હતો. મહિલાએ તેના પતિ અને પાડોશીને બનાવની જાણ કરી હતી.
પછી અજયને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ડૉકટરે તેને મૃત જાહેર કર્યો હતો.
વિદ્યાર્થીના મૃત્યુ માટે કોઇની સામે ફરિયાદ ન હોવાનું તેને પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું.
પરીક્ષામાં ઓછા માર્ક્સને કારણે તે માનસિક રીતે ભાંગી ગયો હોવાનું કહેવાય છે. પોલીસે આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ આદરી હતી.