Get The App

2024ની 13,મે એ મુંબઇ પરથી મોટી ઘાત ટળી ગઇ : સીબી ક્લાઉડના સ્વરૃપ સહિત કુદરતી પરિબળો જુદાં હતાં

Updated: May 15th, 2024


Google NewsGoogle News
2024ની 13,મે એ  મુંબઇ પરથી મોટી  ઘાત ટળી ગઇ :  સીબી ક્લાઉડના સ્વરૃપ સહિત કુદરતી પરિબળો જુદાં હતાં 1 - image


2005ની 26, જુલાઇએ મહાનગરના ગગનમાં  વિનાશક  સીબી ક્લાઉડનું તોફાન સર્જાયું હતું

26,જુલાઇના મેઘતાંડવથી 24 કલાકમાં 39 ઇંચ જેટલો અતિ શ્રીકાર  વરસાદ વરસ્યો હતો :  1000 વ્યક્તિ મૃત્યુ પામી હતી

મુંબઇ :   મુંબઇ ૨૦૨૪ની ૧૩, મે, સોમવારે ભારે મોટી કુદરતી થપાટમાંથી ઉગરી ગયું હતું. મુંબઇગરાંને ૨૦૦૫નું વિનાશક મેઘતાંડવ યાદ આવી ગયું હતું. મુંબઇગરાંના તન-મનમાં ભયનું લખલખું ફરી વળ્યું  હતું.  આમ છતાં અમુક કુદરતી પરિબળો  જુદાં હોવાથી  મુંબઇ પરથી બહુ મોટી ઘાત ટળી ગઇ હતી.

ભૂતકાળમાં એટલે કે ૨૦૦૫ની ૨૬,જુલાઇએ  મુંબઇને  મેઘતાંડવની જીવલેણ થપાટ વાગી હતી. ફક્ત ૨૪ કલાકમાં ૯૪૪ મિલિમીટર(૩૯ ઇંચ) જેટલા  અતિ ગાંડોતૂર  વરસાદ સાથે  આકાશ આખું ફાટયું હતું. સમગ્ર વિશ્વમાં ૨૪ કલાકમાં ૩૯ ઇંચ જેટલો અતિ શ્રીકાર વરસાદ વરસ્યો નહીં હોવાથી મુંબઇના તે મેઘતાંડવની ઘટના  હવામાનશાસ્ત્રના ઇતિહાસમાં વિશ્વ વિક્રમ ગણાય છે. મુંબઇ આખું  જાણે કે ધસમસતા દરિયામાં  ડૂબી ગયું હોય તેવાં કરૃણ દ્રશ્યો સર્જાયાં હતાં.૧,૦૦૦ વ્યક્તિ કાં તો ધસમસતા પૂરમાં તણાઇને મૃત્યુ પામી હતી.અથવા લાપતા થઇ ગઇ હતી.

 ૨૦૨૪ની ૧૩,મેએ  પણ મુંબઇના આકાશમાંથી  ભારે મોટી આફત ઉતરી આવી હતી. મુંબઇનું આકાશ ધૂળની ડમરીથી ભરાઇ ગયું. તોફાની પવનના સૂસવાટા બોલવા લાગ્યા. વરસાદી માહોલ સર્જાયો હતો.લગભગ એકાદ કલાકમાં તો મુંબઇ જાણે કે વેરવિખેર થઇ ગયું હતું. 

 આ બંને  કુદરતી આફતમાં  મુંબઇને ક્યુમ્યુલોનિમ્બસ(જેને હવામાનશાસ્ત્રની ભાષામાં સીબી ક્લાઉડ કહેવાય છે) નામના અને પ્રકારના મહાવાદળનો પ્રકોપ દેખાયો હતો.

હવામાન વિભાગ(મુંબઇ કેન્દ્ર)ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સુનીલ કાંબળેએ ગુજરાત સમાચારને એવી વિશિષ્ટ માહિતી  આપી હતી કે ખરેખર તો ૨૬,જુલાઇના મેઘતાંડવની સરખામણી ક્યારેય પણ અન્ય કોઇ કુદરતી આફત સાથે ન કરી શકાય. મુંબઇ પર ત્રાટકેલી ૨૬,જુલાઇની તે પ્રાકૃતિક આપદા હવામાનશાસ્ત્રના ઇતિહાસમાં ભાગ્યે જ બનતી ઘટના કહી શકાય. 

હા,  ૨૬,જુલાઇની  મેઘતાંડવની ઘટના ચોમાસામાં બની હતી.  તે  કમનસીબ દિવસે મુંબઇના સાંતાક્રૂઝના ગગનમાં વિશાળ કદનું સીબી ક્લાઉડ ઝળુંબ્યું હતું. તે સીબી ક્લાઉડ ભારે તોફાની અને વિશાળ કદનું હતું. આકાશમાં  વાતાવણના પહેલા ટ્રોપોસ્ફિયરના  પટ્ટામાં  ૮ થી ૧૨ કિલોમીટરના અંતરે ઝળુંબેલા તે સીબી કલાઉડની જાડાઇ પણ ૧૫ --૧૬ કિલોમીટર જેટલી હોય.સીબી ક્લાઉડ્ઝમાં જળનો વિપુલ જથ્થો પણ હોય. વળી,સીબી ક્લાઉડ્ઝનો જમઘટ  સક્રિય થાય ત્યારે ભારે તોફાની બને.લગભગ અડધા કે એક કલાકમાં તો આખા શહેરને તબાહ કરી નાખે. 

૨૬,જુલાઇએ સીબી ક્લાઉડ સાથોસાથ અરબી સમુદ્રમાંથી ભેજનો અતિ વિપુલ જથ્થો પણ મુંબઇના વાતાવરણમાં ઠલવાયો હતો.આટલું જ નહીં, તે ઘડીએ મુંબઇના આકાશમાં વોર્ટેક્સ(જેને હવામાનશાસ્ત્રની ભાષામાં જળનો  તીવ્ર ગતિએ ગોળ ગોળ ઘુમતો પ્રવાહ કહેવાય છે)નું પરિબળ પણ ઝળુંબ્યું  હતું. આમ ૨૬,જુલાઇના તે મેઘતાંડવમાં એક કરતાં વધુ અને તબાહી બચાવતાં કુદરતી પરિબળો સર્જાયાં  હતાં. જોકે આવાં કુદરતી પરિબળો એક સાથે ભાગ્યે જ સર્જાય.

હા, ૨૦૨૪ની ૧૩,મે એ પણ  મુંબઇ નજીકના થાણેના આકાશમાં સીબી ક્લાઉડનો વિશાળ જમઘટ જામ્યો હતો. તે સીબી ક્લાઉડની થપાટ પણ મુંબઇને વાગી ખરી પણ તેની અસર અને સ્વરૃપ બંને  ૨૬,જુલાઇ કરતાં ઘણાં જુદાં હતાં.૧૩,મે એ એટલે ઉનાળો. ઉનાળો હોવાથી  મુંબઇના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ચોમાસામાં ભરપૂર હોય તેટલું  નહોતું. વળી, મુંબઇના ગગનમાં વોર્ટેક્સની અસર પણ નહોતી. 

હા, ૧૩મી મે દરમિયાન વર્ષા ઋતુ હોત તો  અને મુંબઇના આકાશમાં સીબી  ક્લાઉડ પણ  સર્જાયું હોત તો  ઘટનાની તીવ્રતા અને સ્વરૃપ બંને જુદાં હોવાની સંભાવના હતી. જોકે સદનસીબે ૧૩,મે ના દિવસે મુંબઇગરાંને  પ્રકૃતિએ  પોતાના રૌદ્ર સ્વરૃપનો નાનો અંશ દેખાડયો હતો.૨૬,જુલાઇનું મહાવિરાટ અને મહાવિનાશક સ્વરૃપ નહોતું. કહેવાનો અર્થ એ છે કે ૨૦૨૪ની ૧૩,મે ના દિવસે મુંબઇ ૨૬,જુલાઇના મેઘતાંડવ જેવી પ્રચંડ  થપાટમાંથી ખરેખર ઉગરી ગયું હતું.



Google NewsGoogle News