ગુજરાતથી 12 ખાનગી બસોમાં લવાતો 45 લાખનો માવો જપ્ત
દિવાળી ટાણે ફૂડ એન્ડ ડ્રગની ટીમ હાઈવે પર ગોઠવાઈ ગઈ
તહેવારો સમયે ગુજરાત તથા રાજસ્થાનથી મોટાપાયે ભેળસેળિયો માવો ઠલવાઈ રહ્યો હોવાની શંકા
મુંબઇ : દિવાળી નજીક આવતાની સાથે જ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની સ્પેશ્યલ ટીમો મિલાવટી માવા-મીઠાઇના જથ્થાને પકડી પાડવા સક્રિય બની છે. ગુજરાતથી ખાનગી લકઝરી બસો મારફત ગેરકાયદેસર લાવવા આવતો ૪૫ લાખથી વધુ કિંમતનો ૨૨ હજાર કિલો ભેળસેળની શંકા ધરાવતો માવાનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.
એફડીએના થાણે વિભાગે મુંબઇ-અમદાવાદ હાઇવે પર પાલઘર જિલ્લાના ચારોટી નાકા નાકા પાસે ૧૨ લકઝરી બસોને આંતરીને માવાનો જથ્થો પકડી પાડયો હતો. આ કાર્યવાહીમાં માવાના ૪૨ સેમ્પલ લઇને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આ કાર્યવાહી વખતે એક હજાર કિલો બગડેલો માવો તત્કાળ નષ્ટ કરવામાં આવ્યો હતો.
એફડીએના અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાત અને રાજસ્થાનથી ખાનગી લકઝરી બસોમાં ગેરકાયદેસર અને એકદમ અસ્વચ્છ રીતે માવાને મુંબઇ લાવવામાં આવે છે એવી બાતમીને આધારે હવે મુંબઇ-અમદાવાદ હાઇવે પર જાપ્તો વધારી દેવામાં આવ્યો છે. દિવાળીના દિવસોમાં મિલાવટી માવા-મીઠાઇ ખાઇને લોકો ખોરાકી ઝેરનો ભોગ ન બને એટલા માટે ખાસ તકેદારી લેવામાં આવી રહી છે.
એફડીએના બે આસિસ્ટન્ટ કમિશનર અને ૧૭ ઇન્સ્પેકટર તેમ જ ચાર સુરક્ષા રક્ષકોની ટીમે શુક્ર-શનિવાર દરમ્યાન ૧૨ બસોને આંતરીને માવો જપ્ત કર્યો હતો.