Get The App

પર્યટકો સાથે બેફામ છેતરપિંડીના વિરોધમાં માથેરાન સજ્જડ બંધ

Updated: Mar 19th, 2025

GS TEAM


Google News
Google News
પર્યટકો સાથે બેફામ છેતરપિંડીના વિરોધમાં માથેરાન સજ્જડ બંધ 1 - image


ઘોડાવાળા, કુલી તેમજ એજન્ટોના ત્રાસ સામે બેમુદત બંધની હાકલ

માર્કેટ, હોટેલો, ઈ-રિક્ષા સંપૂર્ણપણે બંધ રહેતાં પર્યટકોથી ધમધમતું માથેરાન નિર્જન બન્યું; આજે ઉકેલ માટે બેઠકનું આયોજન

મુંબઈ -  માથેરાનમાં આવતાં પર્યટકોની થતી છેતરપિંડીના વધતાં કિસ્સા રોકવાની માગણી સાથે મંગળવારથી માથેરાન બેમુદ્દત બંધની હાકલ કરાઈ હતી. માથેરાન પર્યટન બચાવ સંઘર્ષ સમિતિએ કરેલ આ આવાહનને માથેરાનવાસીઓએ જબરો પ્રતિસાદ આપતાં મંગળવારે માથેરાન સજ્જડ બંધ રહ્યું હતું.

માથેરાન આવતાં પર્યટકોને દસ્તુરી નાકા પાસે ઊભા રહેતા ઘોડાવાળાઓ, કુલી, એજન્ટો દ્વારા વિવિધ બાબતે ખોટી માહિતી આપી તેમની પાસેથી વધુ પૈસાં પડાવી ખાનગી વાહન તેમજ ઘોડામાં ફરજિયાત માથેરાન સુધી જવા ફરજ પડાતી હોવાનું સામે આવ્યું હતું. આથી આવનારા પર્યટકોની ફસામણી રોકવાની માગણી ઉક્ત સમિતિએ માથેરાન પ્રશાસનને લેખિત નિવેદન થકી કરી હતી. પરંતુ પ્રશાસને આ માગણીની દખલ લીધી નહોતી. આથી મંગળવારથી માથેરાન બેમુદ્દત બંધ કરાયું હતું. જેને માથેરાનવાસીઓએ જબરો પ્રતિસાદ આપ્યો છે.

માથેરાન વ્યાપારી સંગઠન હોટેલ એસોસિએશન, રાજકીય પક્ષ, ઈ-રિક્ષા સંગઠન, વિવિધ સામાજિક સંગઠનોએ આ બંધને પીઠબળ આપ્યું હતું. આથી મંગળવારે માથેરાનની બજારો, હોટેલો, હાથરિક્ષા, ઈ-રિક્ષા સંપૂર્ણપણે બંધ રહ્યાં હતાં. આથી સતત પર્યટકોથી ધમધમતું માથેરાન સાવ સૂમસામ બન્યું હતું. પર્યટકો પણ અહીં ખાસ દેખાઈ રહ્યા નહોતાં. દરમ્યાન બંધને પગલે માથેરાનમાં પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરાયો હતો. 

બંધ પર ઉકેલ લાવવા માટે બુધવારે સવારે વિધાનસભ્ય મહેન્દ્ર થોરવેની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરાયું છે. જેમાં કર્જતના વિવિધ અધિકારીઓ, રાજકીય પક્ષના પદાધિકારીઓ તેમજ સામાજિક સંગઠનના પદાધિકારીઓ તથા હોટેલ એસોસિએશનના અધિકારીઓને પણ નિમંત્રણ અપાયું છે.

માથેરાનનું અર્થતંત્ર અહીંના પર્યટકો પર આધારિત છે, આથી તેમની ફસામણી, દિશાભૂલ થતી હોય તો પ્રશાસને તેમાં હસ્તક્ષેપ કરવો જોઈએ. આ સંદર્ભે નિવેદન આપવા છતાં પ્રશાસને કોઈ પગલું ન ભરતાં અમારે ઉગ્ર પગલું ભરવું પડયું, એવું માથેરાન પર્યટન બચાવ સંઘર્ષ સમિતિના કોઓર્ડિનેટર મનોજ ખેડકરે જણાવ્યું હતું.


Tags :