મેટર્નિટી લિવ કાયદો લાભ આપવા માટે છે, વસતિ નિયંત્રિત કરવા નહીં : હાઈકોર્ટ
માતૃત્વ કુદરતી બાબત છે, માલિકો સહાનુભૂતિ તથા ધૈર્ય દાખવે
2 બાળકો હોવાથી 3જા માટે મેટર્નિટી લીવ નકારતો આદેશ રદઃ મહિલાના કામના સ્થળે સન્માન અને ગરિમા જળવાય તે જરુરી
મુંબઈ : માતૃત્વ પ્રાપ્તિ એ કુદરતી ઘટના છે અને માલિકે મહિલા કર્મચારીઓ પ્રત્યે સહાનુભૂતિ અને ધૈર્યતાથી વર્તવું જોઈએ, એમ બોમ્બે હાઈ કોર્ટે શુક્રવારે નોંધ કરીને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એએઆઈ)એ મહિલા કર્મચારીની મેચર્નિટી લિવ નકારતો આદેશ રદ કર્યો હતો. મહિલા પહેલેથી બે બાળકો ધરાવતી હોવાને આધારે રજા નકારી હતી.
આજીવિકા રળવા કામ કરતી મહિલાને તેમના કામના સ્થળે સન્માન અને ગરીમાપૂર્ણ વ્યવહાર થાય એ જરૃરી હોવાનું કોર્ટે નોંધ્યું હતું. કોઈ પણ ફરજ હોય મહિલાને તેના હકની સુવિધા આપવી જોઈએ. ૨૦૧૪માં એએઆઈ, વેસ્ટર્ન રિજન હેડક્વાર્ટરે આપેલા આદેશને કોર્ટે રદ કર્યો હતો.
અરજદાર મહિલા પહેલાં એએઆઈના કર્મચારીને પરણી હતી અને તેના મૃત્યુ બાદ મહિલાને અનુકંપાને ધોરણે નોકરી અપાઈ હતી. મહિલાએ અરજીમાં જણાવ્યું હતુંં કે પહેલાં લગ્ન થકી તેને એક બાળક હતું પણ પતિના અવસાન બાદ ફરી લગ્ન કરતાં તેને બે બાળક અવતર્યા હતા.
મહિલાને પહેલા લગ્નથી થયેલા બાળકના જન્મ વખતે મેટર્નિટી લિવ લીધી નહોતી અને ત્રીજા બાળકના જન્મ વખતે લાભ માગ્યો હતો જે ફગાવી દેવાયો હતો.બીજું બાળક તેની નિયુક્તિ થવા પહેલાં વચગાળામાં જન્મ્યું હતું.
કાયદાનો હેતુ મેટર્નિટી લિવના લાભ આપવાનો છે વસતિ નિયંત્રણ કરવાનો નથી. બે બાળકો જીવિત હોવાની શરત એ માટે મૂકાઈ છે કે મહિલા કર્મચારી બે જ વાર લાભ લઈ શકે છે. સંસ્થા બેથી વધુ વખત કર્મચારી વિના સંસ્થા રહે નહીં એની તકેદારી લેવા માટે છે, એમ કોર્ટે જણાવ્યું હતું. કોર્ટે નિયમોનું ઉદારતાપૂર્વક અર્થઘટન કરવામાં આવે એ જરૃરી હોવાનું જણાવ્યું હતું.