પોર્ન એપનો સૂત્રધાર ઝડપાયો : શોષણનો ભોગ બનેલી વધુ પાંચ યુવતી સામે આવી
પોર્ન એપ જોવા સબસ્ક્રિપ્શનના 400થી 500 રુ. લેવાતા હતા
ફિલ્મોમાં કામ કરવાનાં સપના જોતી યુવતીને અર્નાળાના રિસોર્ટમાં બોલાવી અશ્લીલ દૃશ્યો શૂટ કરી લીધાં હતાં
મુંબઇ : ફિલ્મોમાં કામ આપવાના બહાને ઓડિશનના નામે પોર્ન વીડિયો બનાવવાના મામલામાં મુખ્ય સૂત્રધારને પોલીસે ઝડપી લીધો છે. આ વીડિયો એક પોનોગ્રાફિક એપ પર પ્રસારિત કરવામાં આવતો હતો આ કેસમાં વધુ પાંચ યુવતીઓ ફરિયાદ નોંધાવવા આગળ આવી છે.
ેશના વિવિધ ભાગોમાંથી યુવતીઓ ફિલ્મોમાં કામ કરવા મુંબઇ આવે છે. હાલમાં ઘણી યુવતીઓ વિવિધ એપમાં પ્રસારિત થતી શોર્ટ ફિલ્મો અને વેબ સિરિઝમાં કામ મેળવવામાં પ્રયાસ કરે છે.
વસઇમાં રહેતી ૧૮ વર્ષીય યુવતીને આરોપીએ વેબસિરિઝમાં કામ આપવાનું વચન આપ્યું હતું. ત્યાર બાદ તેને ઓડિશન આપવા અર્નાળાની એક રિસોર્ટમાં બોલાવવામાં આવી હતી જ્યાં કેટલાક દ્રશ્યોના શૂટીંગના બહાને તેની પાસે અશ્લીલ કૃત્યો કરાવવામાં આવ્યા હતા.
આ દ્રશ્યો માત્ર ઓડિશનનો ભાગ છે અને તેનો ક્યાંય ઉપયોગ કરવામાં આવતો નથી. આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આમ કરવું પડે છે, એમ પીડિતાને આરોપીએ જણાવ્યું હતું.
પરંતુ તેનો વીડિયો એક પોર્નગ્રાફિક એપ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. આની જાણ થતા યુવતીએ અર્નાળા સાગરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, છેતરપિંડી તેમજ અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.
આ કેસ વધુ તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચને સોપવામાં આવ્યો હતો પોલીસે આ મામલામાં ટેકનિકલ તપાસ બાદ અનુજકુમાર જૈસ્વાલ (ઉ.વ.૩૦) સરજુકુમાર વિશ્વકર્મા (ઉ.વ.૨૫) અને ૩૩ વર્ષીય મહિલાની ધરપકડ કરી હતી.
પોલીસને તપાસ દરમિયાન વધુ પાંચ યુવતીને ફસાવવામાં આવી હોવાની જાણ થઇ હતી. પોલીસે તેમના નિવેદન નોંધ્યા છે. આ યુવતીઓએ ફરિયાદ નોંધાવી છે. ક્રાઇમ બ્રાન્ચે ગુનામાં મુખ્ય આરોપી નિયાઝ અલીની ધરપકડ કરી છે.
આરોપીઓએ એક ઍપ બનાવી હતી. તેને ગુગલ પ્લેસ્ટોર પરથી ડાઉનલોડ કરવામાં આવતી હતી. તેના સબસ્ક્રિપ્શન માટે રૃા.૩૦૦ થી ૪૦૦ લેવામાં આવતા હતા. આ એપ પોર્ન વીડિયોની માંગને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હતી. એપ ઓગસ્ટ મહિનામાં લોન્ચ કર્યા બાદ ફરિયાદ નોંધાતાની સાથે જ બંધ કરવામાં આવી હતી.