ધૂળેમાં પતિ- પત્ની તથા 2 સંતાનોનો સામૂહિક આપઘાત
પડોશીને કહ્યું, મુંબઈ જઈ રહ્યા છે
પતિએ ગળાફાંસો ખાધો અન્ય ત્રણે ઝેર ગટગટાવ્યુંછ ચારેયના મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળ્યા
મુંબઇ - મહારાષ્ટ્રમાં વધુ એક પરિવારની સામૂહિક આત્મહત્યાની ઘટના બની છે. ધૂળેમાં એક બંગલોમાં વેપારી પતિ, શિક્ષિકા પત્ની, બે પુત્રના કોહવાઇ ગયેલા મૃતદેહ મળી આવતા શોકની લાગણી પ્રસરી ગઇ હતી. પોલીસને સ્યુસાઇડ નોટ મળી છે એમાં મૃતકે તેમના મોત માટે અન્ય કોઇ જવાબદાર નથી એમ જણાવ્યું હોવાનું કહેવાય છે.
બંગલોમાં પતિનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં હતો. જ્યારે અન્ય ત્રણ જમીન પર પડેલા હતા. પોલીસે મામલાની નોંધ લઇ ઝીણવટભરી તપાસ હાથધરી છે. ધૂળેના સમર્થ પ્રમોદ નગર વિસ્તારમાં સમર્થ કોલોનીમાં પ્રવિણસિંહ ગિરાસે (ઉં.વ. ૫૩) તેની પત્ની દીપાંજલી (ઉં.વ. ૪૭), બે પુત્ર મિતેશ (ઉં.વ. ૧૮), સોહમ (ઉં.વ. ૧૫) સાથે રહેતા હતા.
લામકણી ખાતે પ્રવિણસિંહ જંતુનાશક દવા વેચવાની દુકાન ધરાવતો હતો. જ્યારે તેની પત્ની શિક્ષિકા હતા. બંને પુત્ર અભ્યાસ કરતા હતા. મુંબઇ પુત્રના એડમિશન માટે જઇ રહ્યા હોવાનું તેમણે પાડોશીને કહ્યું હોવાનું કહેવાય છે. પરંતુ આજે સવારે બંગલોમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી હોવાથી પાડોશીઓએ પોલીસને આ બાબતની જાણ કરી હતી.
પોલીસે બંગલોમા તપાસ કરતા પ્રવિણસિંહનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતો મળી આવ્યો હતો. જ્યારે પત્ની અને બે પુત્ર મૃત હાલતમાં જમીન પર પડેલા હતા. તેમણે ઝેરી પદાર્થ ખાધો હોવાનું પ્રાથમિક તપાસમાં માલૂમ પડયું હતું.દેવપુર (પશ્ચિમ) પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર દેવરેએ 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું કે પોલીસે ચાર જણના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે પોકલી દીધા હતા. મૃતક પાસેથી સ્યુસાઇડ નોટ મળી છે. એમાં તેમના મોત માટે અન્ય કોઇ જવાબદાર ન હોવાનો ઉલ્લેખ કર્યો છે. પોલીસે દરેક શક્યતાને ધ્યાનમાં રાખીને વધુ તપાસ આદરી છે.