Get The App

મુંબઈમાં માસ બર્ડ હિટઃ પ્લેન સાથે ટકરાતાં 40 ફલેમિંગોનાં મોત

Updated: May 22nd, 2024


Google NewsGoogle News
મુંબઈમાં માસ બર્ડ હિટઃ  પ્લેન સાથે ટકરાતાં 40 ફલેમિંગોનાં મોત 1 - image


ઘાટકોપરમા ફલેમિંગોના સંખ્યાબંધ મૃતદેહો જોઈ રહીશોએ જાણ કરી

વન વિભાગ દ્વારા ઓટોપ્સી કરાઈઃ પાયલોટનું નિવેદન લેવાશેઃ લાઈટ પોલ્યુશન કે કન્સ્ટ્રક્શનના કારણે ફલેમિંગો માર્ગ ભૂલ્યાની શંકા

પ્લેનને ડેમેજ થયાની આશંકાએ ગ્રાઉન્ડેડ કરી દેવાતાં રઝળી પડેલા પ્રવાસીઓએ રાત મુંબઈમાં વિતાવવી પડી

મુંબઇ :  મુંબઈમાં  સોમવારે રાતે માસ બર્ડ હિટની ઘટનામાં દુબઈથી આવતી એમિરેટસ એરલાઈન્સની ઈકે ૫૦૮ ફલાઈટ સાથે ફલેમિંગોનું એક વિશાળ ઝૂંડ અથડાયું હતું. આ ઘટનામાં ૪૦ જેટલાં ફલેમિંગોનાં મોત થયાં હતાં. મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં રસ્તાઓ પરથી ક્ષતવિક્ષત હાલતમાં પક્ષીઓના મૃતદેહ મળી આવતાં બીએમસી, વન વિભાગ, પર્યાવરણવાદીઓ તથા અન્ય એજન્સીઓ દોડતી થઈ હતી. બીજી તરફ આ ઘટનામાં પ્લેનને પણ થોડું નુકસાન થયાનું કહેવાય છે. જોકે,  બર્ડ હિટ પછી પણ ફલાઈટે સહીસલામત રીતે મુંબઈ એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું. અલબત આ વિમાનને  વધુ તપાસ માટે ગ્રાઉન્ડેડ કરી દેવાયું હતું અને દુબઈની રિટર્ન ફલાઈટ કેન્સલ કરી દેવામાં આવી હતી. તેના કારણે દુબઈ જનારા પ્રવાસીઓ અટવાઈ ગયા હતા અને તેમણે રાત મુંબઈમાં જ વિતાવવી પડી હતી.   વન વિભાગે આ સમગ્ર ઘટના અંગે તપાસના આદેશો આપ્યા છે. 

ોમવારે મુંબઈમાં લોકસભા  ચૂંટણીના મતદાનના માહોલ વચ્ચે રાતે રસ્તાઓ પર ફલેમિંગોના મૃતદેહ જોવામાં આવ્યા હતા. ઘાટકોપર પંતન નગરના લક્ષ્મી નગર વિસ્તારમાં  લોહી નિંગળતા મૃતદેહ મળ્યા હતા. ઘાટકોપર નજીક જ એક તરફ વિક્રોલી અને ભાંડુપ તો બીજી તરફ નવી મુંબઈના વેટ લેન્ડ તથા થાણેની ખાડીમાં ફલેમિંગો પક્ષીઓનો મુકામ હોય છે. અહીં ફલેમિંગો પક્ષી વારંવાર દુર્ઘટનાનો ભોગ બનતાં હોય છે. પરંતુ, આટલી મોટી સંખ્યામાં અને તે પણ ક્ષતવિક્ષત હાલતમાં મૃતદેહો  મળતાં લોકો સ્તબ્ધ બની ગયાં હતાં.  સંખ્યાબંધ  લોકોએ પ્રાણી સુરક્ષા માટે કામ કરતા સ્વંયસેવકો, બીએમસી તથા ફાયર બ્રિગેડ સહિતની વિવિધ એજન્સીઓને કોલ કરી ઘાટકોપર વિસ્તારમાં આ રીતે મોટી સંખ્યામાં મૃત ફલેમિંગો મળી રહ્યાની જાણ કરી હતી. તેને પગલે આ તમામ એજન્સીઓમાં દોડધામ મચી હતી. 

રાતે સ્વંયસેવી સંસ્થાના સ્વયંસેવકો અને વનવિભાગના મેન્ગ્રોવસેલે શોધઅભિયાન શરૃ કર્યું હતું જેમાં ૨૯ ફ્લેમિન્ગો મૃત હાલતમાં મળી આવ્યા હતા. મંગળવારે  સવાર સુધીમાં વધુ ત્રણ શબ મળી આવ્યા હતા તેવું તેમણે કહ્યું હતું.  ફ્લેમિન્ગોને ઓટોપ્સી માટે મોકલાયા હતા. 

બાદમાં જાણ થઈ હતી કે દુબઈથી આવેલી એમિરેટ્સની ફલાઈટ સાથે બર્ડ હિટની દુર્ઘટના થઈ છે.   વન્યજીવો તથા પશુ પંખીઓ માટે કામ કરતી સંસ્થાઓના સ્વંયસેવકોએ વ્યક્ત કરેલ ધારણા અનુસાર શક્ય છે કે આ પંખીઓ લાઈટ પોલ્યુશન અથવા તો કન્સ્ટક્શન એક્ટિવિટીના કારણે તેમનો માર્ગ ભૂલ્યાં હોય અને તેના કારણે એરપોર્ટ પર લેન્ડિંગ કરવા આવી રહેલી ફલાઈટ સાથે અથડાઈ ગયાં હોય. ઘાટકોપર વિસ્તાર એરપોર્ટથી નજીક હોવાથી અહીં લેન્ડિંગ અને ટેક ઓફ વખતે ફલાઈટ્સ પ્રમાણમાં નીચી સપાટીએ ઉડતી હોય છે. 

મેન્ગ્રોવ પ્રોટેક્શન સેલના ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ દીપક ખાડેએ જણાવ્યુ ંહતું કે આ ઘટના બર્ડ હિટના કારણે બની હોવાનું એરપોર્ટ સત્તાવાળાઓએ કન્ફર્મ કર્યું છે. ઘાટકોપર ઈસ્ટના ઉત્તર તરફ આવેલા પંત નગર લક્ષ્મી નગર ખાતે આ ઘટના બની હતી. 

મેન્ગ્રોવ પ્રોટેક્શન સેલના એડિશનલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટસ એસવાય રામા રાવે કહ્યુ ંહતું કે અમને ૩૬ ફલેમિંગોના મૃતદેહ મળી ચૂક્યાં છે. પરંતુ અમે હજુ વધુ મૃતદેહો મળવાની આશંકાએ શોધખોળ ચાલુ રાખી છે. ફલાઈટ સાથે અથડાવાના કારણે ફલેમિંગોના મોત થયાની તેમણે પુષ્ટિ કરી હતી. 

આ સેલના રેન્જ ફોરેસ્ટ ઓફિસર પ્રશાંત બહાદુરેના જણાવ્યા અનુસાર તેઓ તપાસ માટે એરપોર્ટ પહોંચ્યા હતા પરંતુ  તેમને ત્યાં એન્ટ્રી અપાઈ ન હતી. એરપોર્ટ ઓથોરિટીએ એમ સ્વીકાર્યુ ંહતું કે એમિરેટસની ફલાઈટ સાથે આ ફલેમિંગો અથડાયાં હતાં. આ ઘટના રાતના ૮.૪૦થી ૮.૫૦ વાગ્યે બની હોવાનો અંદાજ છે કારણ કે તે સમય પછી અમને રાહદારીઓ તથા અન્ય ોલોકોના કોલ્સ મળવા શરુ થયા હતા. 

 'થાણે બે' ફ્લેમિન્ગો સેન્ક્ચુખરીના ફોરેસ્ટ રેન્જ ઓફિસર અને તેમની ટીમ ઘાટકોપરના લક્ષ્મીનગર- પંતનગર વિસ્તારમાં પહોંચી હતી. વનવિભાગના ઉચ્ચસ્તરીય અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.  વનવિભાગે ૨૯ મૃત ફ્લેમિન્ગોને પોતાના કબ્જામાં લીધા હતા.  આજે સવારે  વન વિભાગનો સ્ટાફ ફરી ઘટનાસ્થળે ગયો હતો જ્યાં વધુ ૧૦ ફ્લેમિન્ગો મૃત હાલતમાં મળી આવ્યા હતા. શબોનું પોસ્ટમોર્ટમ ઐરોલીસ્થિત કોસ્ટલ એન્ડ મરીન બાયોડાયવર્સિટી સેન્ટરમાં કરવામાં આવી રહ્યું છે તેવું વનવિભાગે કહ્યું હતું.

વનવિભાગના એડિશનલ ચીફ કન્ઝેર્વેટર ઓફ ફોરેસ્ટએ કહ્યું હતું કે અમારી ટીમ ઘટનાસ્થળે છે અને ફ્લેમિન્ગોના મોતના કારણ શોધવા તપાસ શરૃ કરવામાં આવી છે. બર્ડ હિટ અંગે માહિતી આપનારા પાઇલોટનું નિવેદન પણ નોંધવામાં આવશે.



Google NewsGoogle News