પ્રોજેક્ટ અસરગ્રસ્તોને ઘરના વિરોધમાં મુલુન્ડમાં જન આંદોલન
- મુલુન્ડને મિની બાંગ્લાદેશ નહીં બનવા દઈએ
- મુલુન્ડ પૂર્વમાં કેલકર કૉલેજ પાસે ૭,૩૪૯ ફ્લેટ બનાવવાની પાલિકાની યોજના સામે મુલુન્ડવાસીઓ રસ્તે ઊતર્યાં
મુંબઇ : મુલુન્ડવાસીઓએ રવિવારે સવારે પોતાના વિસ્તારમાં પ્રોજેક્ટ અફેક્ટેડ પર્સન્સ (પીએપી) એટલે કે પ્રકલ્પથી અસરગ્રસ્તોને સ્થાનાંતરિત કરવાના પાલિકાના નિર્ણયના વિરોધમાં રસ્તા પર ઊતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. પીએપીના પુનર્વસન માટે મુલુન્ડ પૂર્વમાં કેલકર કૉલેજ પાસે ૭૩૪૯ ફ્લેટ્સ બનાવાઈ રહ્યાં છે.
તાજેતરમાં જ, ઓપન માર્કેટમાં રહેણાંક મકાન ખરીદવાની પાલિકાની યોજના અને શહેરમાં પીએપી માટે ૧૩,૯૭૧ મકાનના નિર્માણના કૉન્ટ્રાક્ટને બોમ્બે હાઈકોર્ટમાં એક જનહિત યાચિકા દ્વારા પડકારાયા હતા.
મહાવિકાસ આઘાડી (એમવીએ) સરકારના સમયમાં પાલિકાએ ૨૦૧૯માં પ્રોજેક્ટ અસરગ્રસ્તો માટે મકાન બનાવવાની યોજના બનાવી હતી. તે મુજબ એક સૂચિ તૈયાર કરાઈ હતી. જેમાં સંકેત અપાયો હતો કે લગભગ ૩૫૦૦૦ ઘરની આવશ્યકતા પડશે.
યાચિકામાં કહેવાયું છે કે, પાલિકા પાસે અસરગ્રસ્તોના પુનર્વસન માટે શહેરભરમાં કેટલાંક પ્લોટ છે. જોકે ૨,૧૦,૦૦૦ થી વધુ પીએપી ટેનમેન્ટ બનાવાઈ રહ્યા હતાં. ગયા વર્ષે માર્ચમાં પાલિકાએ મુલુન્ડ પૂર્વ, ચાંદીવલી, પ્રભાદેવી અને ભાંડુપમાં ચાર પીએપી શિબિરો માટે સ્વીકૃતિ પત્ર જાહેર કર્યા હતાં. જેમાં પ્રત્યેકે અનુક્રમે ૭૪૩૯, ૪૦૦૦, ૫૨૯ અને ૧૯૦૩ ફ્લેટ સમાવિષ્ટ હતાં. તે ઉપરાંત પાલિકાએ બિલ્ડર્સ પાસેથી બજાર ભાવે આ ફ્લેટ ખરીદવાના ટેન્ડર પણ જારી કર્યા છે. જોકે તેમાંય એફએસઆઈના પ્રકરણે પણ ગોટાળો થતો હોવાનું યાચિકામાં ધ્યાન દોરાયું છે.
પરંતુ મુલુન્ડમાં કેલકર કૉલેજ પાસે પ્રોજેક્ટના અસરગ્રસ્તોને પુનર્વાસિત કરવાના કિસ્સામાં સ્થાનિક નાગરિકોને એવી દહેશત છે કે મૂળ બાંગ્લાદેશના હોય તેવા કેટલાય લોકોને પણ અહીં ઘર મળી જશે. જેથી મુલુન્ડમાં મિની બાંગ્લાદેશ ઊભું થવાનો ભય પણ સ્થાનિકોને સતાવી રહ્યો છે.