હવે માર્સ લેન્ડર અને માર્સ રોવર : ચંદ્રયાન-3 સૂર્યમાળા બહાર બીજી પૃથ્વી શોધશે, વિનસ મિશનની પણ તૈયારી

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
હવે માર્સ લેન્ડર અને માર્સ રોવર : ચંદ્રયાન-3 સૂર્યમાળા બહાર બીજી પૃથ્વી શોધશે, વિનસ મિશનની પણ તૈયારી 1 - image


- ઇસરોના ચેરમેન એસ.સોમનાથની મહત્વની જાહેરાત

- ચંદ્રના દક્ષિણ ધુ્રવની  જેમ હવે  સૂર્ય મંડળના લાલ ગ્રહ મંગળની ધરતી પર પણ  લેન્ડર અને રોવર ઉતારવાની યોજના તૈયાર થઇ રહી છે ઃ ૪૬૫ ડિગ્રી સેલ્સિયસ જેટલું હોટ હોટ તાપમાન ધરાવતા શુક્રના અભ્યાસ માટે વિનસ ઓર્બિટર તૈયાર થશે

બેંગલુરુ/મુંબઇ: ઇન્ડિયન  સ્પેસ રિસર્ચ  ઓર્ગેનાઇઝેશને (ઇસરો) ચંદ્ર વિજય કર્યા  બાદ હવે   મંગળ વિજય અને શુક્ર વિજય  કરવા તૈયારી કરી રહ્યું  છે. સાથોસાથ ચંદ્રયાન-૩ અવકાશયાન દ્વારા જ સૌર મંડળ બહાર બીજી પૃથ્વી શોધવા પણ પ્રયાસ  શરૂ થયા છે.

ઇસરોનાં ચંદ્રયાન-૩ અવકાશ યાનનાં વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાાન રોવર ચંદ્રના દક્ષિણ ધુ્રવ પર સફળ -સલામતીપૂર્વક ઉતર્યાં છે. વિક્રમ અને પ્રજ્ઞાાન બંનેએ તેમની યાદગાર સંશોધન કામગીરી પણ કરી છે.

 ઇસરાનાં સૂત્રોએ એવા સંકેત  આપ્યા છે કે  વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાાન રોવરની સફળતાની જેમ અમે હવે   સૂર્યમાળાના લાલ રંગી ગ્રહ  મંગળની ધરતી પર પણ માર્સ  લેન્ડર અને માર્સ  રોવર ઉતારવાની શક્યતા તપાસી રહ્યા છીએ. 

ઉપરાંત, અમે હાલ વિનસ મિશન (શુક્રયાન)ની પણ તૈયારી કરી રહ્યા છીએ. સૌર માળાનો શુક્ર ગ્રહ સૌથી ઝળહળતો અને રૂપકડો હોવાથી ખગોળશાસ્ત્રીઓ તેને ઇવનિંગ સ્ટાર પણ કહે છે.

  ઇસરોનાં  સૂત્રોએ  એવી માહિતી પણ  આપી  છે કે અમે  ચંદ્રયાન-૩ પ્રોજેક્ટની મદદથી જ  આપણા સૌર મંડળ બહાર બીજીપૃથ્વી શોધવા પ્રયાસ કરી રહ્યા છીએ. હાલ  ચંદ્રયાન-૩ અવકાશયાનનું   સ્પેક્ટ્રો -પોલારીમેટ્રી ઓફ હેબીટેબલ પ્લેનેટ અર્થ (એસ.એચ.એ.પી.ઇ.-શેપ)  છેલ્લા ૫૨(બાવન) કરતાં વધુ દિવસથી સફળતાપૂર્વક ચંદ્રની પ્રદક્ષિણા કરી રહ્યું છે. એટલે કે  ચંદ્રયાન-૩ અવકાશ યાનના હેતુ એક કરતાં વધુ  છે.

ઇસરોના ચેરમેન શ્રીધર પેન્નીકર સોમનાથે હમણાં ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમી (દિલ્હી)માં યોજાયેલા એક કાર્યક્રમમાં આવો મહત્વનો સંકેત  આપતાં કહ્યું હતું કે ચંદ્રયાન-૩ ની ઉજળી સફળતા બાદ હવે અમે મંગળની લાલ ધરતી પર પણ માર્સ લેન્ડર અને માર્સ  રોવર ઉતારવાની શક્યતા તપાસી રહ્યા છીએ. આમ પણ આપણે ૨૦૧૪માં મંગળયાન-૧નો સફળ  પ્રયોગ કર્યોજ છે. એટલે કે ઇસરોના માર્સ ઓર્બિટર મિશને(જેને મંગળયાન કહેવાય છે)  મંગળ ગ્રહની ભ્રમણકક્ષામાં  પહેલા જ પ્રયાસે સફળતાપૂર્વક પ્રવેશ કર્યો  હતો.

જોકે માર્સ લેન્ડર મિશન હજી પૂર્વ પ્રાથમિક સ્તરે છે. આમ છતાં માર્સ લેન્ડર મિશન ઇસરો માટે અંતરીક્ષ સંશોધન ક્ષેત્રમાં બહુ મોટી છલાંગ બની રહેશે.આજે સમગ્ર વિશ્વ ઇસરોના વિજ્ઞાાનીઓ અને એન્જિનિયરોની ટેકનિકલ પ્રતિભાનો  સ્વીકાર કરી રહ્યું છે.  

એસ.સોમનાથે એવી માહિતી પણ આપી હતી કે ચંદ્રયાન - ૩ ના શેપ વૈજ્ઞાાનિક ઉપકરણનો એક હેતુ સૂર્ય મંડળ  બહારના કોઇ એક્ઝોપ્લેનેટ્સ (સૂર્ય મંડળ બહારના ગ્રહને એક્ઝોપ્લેનેટ કહેવાય છે) તેના પિતૃ તારાથી હેબિટેબલ ઝોન( પિતૃ તારાથી જે તે ગ્રહ પર જીવન પાંગરવાની શક્યતા ધરાવતો વિસ્તાર- અંતર)માં છે  કે કેમ તેની માહિતીમેળવવાનો છે. 

અમેરિકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)નાં  સૂત્રોના કહેવો મુજબ અત્યારસુધીમાં  આવા ૫,૦૦૦ એક્ઝોપ્લેનેટ્સ શોધાયા છે.

હાલ શેપ ઉપકરણે તેની બાવન દિવસની કામગીરી દરમિયાન ઘણી ઉપયોગી માહિતી મેળવી છે.હવે અમે આ માહિતીનો ગહન અભ્યાસ કરીને એક ખાસ રિપોર્ટ તૈયાર કરીશું.

આ શેપ એટલે ચંદ્રયાન - ૩ ના પ્રપલ્ઝન મોડયુલમાંનું વૈજ્ઞાાનિક ઉપકરણ. આ જ પ્રપલ્ઝન મોડયુલમાંથી વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાાન રોવર છૂટાં પડીને ચંદ્રના દક્ષિણ ધુ્રવ તરફ  ગયાં હતાં.હાલ પ્રપ્રલ્ઝન મોડયુલમાં ૧૫૦ કિલો જેટલું ફ્યુઅલ (બળતણ) હોવાથી તે હજી થોડાં વધુ વર્ષ સુધી ચંદ્રની પ્રદક્ષિણા કરી શકશે.

એસ.સોમનાથે આ કાર્યક્રમ દરમિયાન વિનસ મિશનની માહિતી આપતાં કહ્યું હતું કે શુક્ર ગ્રહનું તાપમાન સૌર મંડળના તમામ ગ્રહોના તાપમાન કરતાં ઘણું વધુ(૪૬૫ ડિગ્રી સેલ્સિયસ) છે. શુક્ર ગ્રહ ફરતે સલ્ફ્યુરીક એસિડનાં અતિ ઘટ્ટ વાદળો ઘુમરાતાં હોવાથી સૂર્યનાં તેજસ્વી કિરણો પણ તેની ધરતી સુધી પહોંચી શકતાં નથી. સૂર્યનાં કિરણો સલ્ફયુરીક એસિડનાં ઘટ્ટ વાદળો સાથે ટકરાઇને અંતરીક્ષમાં ફેંકાતાં હોવાથી શુક્ર ઝળહળે છે.રૂપકડો દેખાય છે.અમે શુક્ર ગ્રહનાં આ અસિડિક વાદળોનો અને તેના વાયુમંડળના દબાણ વિશે ગહન સંશોધનાત્મક અભ્યાસ કરવા ઇચ્છીએ છીએ. પૃથ્વીના વાયુમંડળના દબાણની સરખામણીએ શુક્રના વાયુમંડળનું દબાણ ૧૦૦ ગણું વધુ છે. આ જ કુદરતી પરિબળોને કારણે શુક્ર પર જીવન પાંગરવાની કોઇ જ શક્યતા નથી.

આ બધાં પાસાં ધ્યાનમાં રાખીને અમે વિનસ ઓર્બિટર મોકલીશું જે તેની ફરતે ગોળ ગોળ ફરીને બધી માહિતી અને ઇમેજીસ લેશે.વિનસ ઓર્બિટર માટે હાઇ રીઝોલ્યુશન સિન્થેટિક એપાર્ચર અને ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રાડાર એમ બે મહત્વનાં  વૈજ્ઞાાનિક ઉપકરણો પણ તૈયાર કરવામાં આવશે.જીઓસિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વેહિકલ માર્ક !! (જી.એસ.એલ.વી.-માર્ક!!) રોકેટ દ્વારા શુક્ર ભણી ઉડનારું વિનસ મિશન ચાર વર્ષ સુધી શુક્ર ગ્રહનો સંશોધનાત્મક અભ્યાસ કરશે.



Google NewsGoogle News