મરીન ડ્રાઈવ, વરલીના રસ્તાઓ બંધ કરાયા, ચુસ્ત બંદોબસ્ત
વીવીઆઈપીઓની અવરજવરથી મુંબઈ પોલીસ ખડેપગે
કોલાબા સહિતના વિસ્તારોમાં બંદોબસ્તઃ પોલીસ, બોમ્બ ડિટેક્શન સ્કવૉડ, ક્વિક રિસ્પોન્સ ટીમ તૈનાત
મુંબઇ : પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાના અવસાનથી દેશભરમાં ઔદ્યોગિક, રાજકીય, સામાજિક વિવિધ ક્ષેત્રમાંથી શોકની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી ત્યારે રતન ટાટાના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર વખતે મુંબઇમાં ટ્રાફિકમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત કોલાબામાં રતન ટાટાના નિવાસસ્થાન તેમજ એનસીપીએ અને વરલીમાં સ્મશાનભૂમિ વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અંતિમ વિધિ માટે ભીડને જોતા એનસીપીએથી વરલી સુધી મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવ્યા હતા.
વરલી સ્મશાન ભૂમિમાં અંતિમ સંસ્કાર વખતે ડો.ઇ. મોઝેલ રોડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વરલી નાકાથી રખાંગી ચૌક સુધી ડૉ.ઇ. મોઝેસ માર્ગ બપોરે ૧થી ૯ વાગ્યા સુધી બંધ રાખવાની જાહેરાત ટ્રાફિક પોલીસે કરી હતી. આ સમયગાળા દરમિયાન ડો.ઇ. મોઝેસ રોડ પર અંતિમવિધી માટે આવતા વાહનો સિવાય અન્ય વાહનોને પ્રવેશ આપવામાં આવ્યો નહોતો.
ટ્રાફિક પોલીસે અન્ય વાહનોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. વાહન ચાલકો રખાંગી જંક્શન, મહાલક્ષ્મી જંક્શન, લાલા લજપતરાય કોલેજ, એનીબેસન્ટ રોડથી વરલી નાકા જઇ શકતા હતા. આ સિવાય રખાંગી જંક્શન, સેનાપતિ બાપટ માર્ગથી લેફ્ટ ટર્ન લઇને પાંડુરંગ બુધકર માર્ગ, જી.એમ. ભોસલે માર્ગથી વાહન ચાલકો વરલી નાકા પહોંચવા જણાવાયું હતું.
તેમજ વરલી નાકાથી જી.એમ. ભોસલે માર્ગ, દીપક થિયેટર, સેનાપતિ બાપટ માર્ગ, રખાંગી જંક્શનથી ઇચ્છિત સ્થળે જઇ શકતા હતા. રતન ટાટાના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે નરીમાન પોઇન્ટ ખાતેના એનસીપીએ પરિસરમાં રાખવામાં આવ્યો હતો. આ સ્થળે ઉદ્યોગપતિઓ, ટાટા ઉદ્યોગ જૂથની વિવિધ કંપનીઓના કર્મચારીઓ, સામાન્ય નાગરિકો, રાજકારણ, સામાજિક તેમજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવા પહોંચી ગયા હતા. જેના લીધે એનસીપીએ વિસ્તારમાં ભારે ભીડ હતી. અંતિમ દર્શન માટે લાંબી કતારો જોવા મળી હતી.
આ વિસ્તારમાં એક હજારથી વધુ પોલીસકર્મીઓ, ટ્રાફિક પોલીસ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવૉડ, ક્વિક રિસ્પોન્સ ટીમ તૈનાત કરવામાં આવ્યા હતા. આ સિવાય એનસીપીએથી વરલી સુધીના રસ્તા પર મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.