માજી ધારાસભ્યના પુત્ર દ્વારા મરાઠી એકટ્રેસ પર બળાત્કાર
ફેસબુક પર થયેલી મિત્રતાનો ગેરલાભ ઉઠાવ્યો
વિરાજ પરણેલો હોવા છતાં અભિનેત્રીને લગ્નની લાલચ આપી ફસાવ્યાનો આરોપ
મુંબઇ : મહારાષ્ટ્ર પોલીસે રાજ્યના ભૂતપૂર્વ ધારાસભ્ય રવિકાંત પાટિલના પુત્ર સામે એક મરાઠી અભિનેત્રી પર બળાત્કાર ગુજારવાના આરોપસર ગુનો દાખલ કર્યો છે. મરાઠી અભિનેત્રીએ આરોપ કર્યો હતો કે ધારાસભ્યના પરિણીત પુત્રએ લગ્નની લાલચ આપી તેના પર સતત બળાત્કાર ગુજાર્યો હતો.
આ સમગ્ર પ્રકરણે અભિનેત્રી અનુસાર ૨૦૨૩માં ફેસબુકના માધ્યમથી તે ભૂતપૂર્વ ધારાસભ્ય રવિકાંત પાટિલના સોલાપુરના સોરેગાવમાં રહેતા પુત્ર વિરાજના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ બન્ને વચ્ચે મિત્રતા થઇ હતી. વિરાજ પહેલેથી પરિણીત હોવા છતાં તેણે અભિનેત્રીને જણાવ્યું હતું કે તે તેને પત્નીને છૂટાછેડા આપી તેની સાથે ટૂંક સમયમાં પરણી જશે. ત્યાર બાદ ઓગસ્ટ, ૨૦૨૩થી જાન્યુઆરી, ૨૦૨૪ સુધી લગ્નની લાલચે તેની સાથે સંબંધો બાંધ્યા હતા. પોલીસ સૂત્રોનુસાર આરોપીએ ઉક્ત સમય-ગાળા દરમિયાન લગ્નની લાલચે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. અભિનેત્રીએ જ્યારે લગ્ન માટે આગ્રહ કર્યો ત્યારે આરોપીએ તેના કોલ રિસીવ કરવાના બંધ કરી દીધા હતા. અભિનેત્રીએ જ્યારે તેને મળી લગ્ન માટે દબાણ કર્યું ત્યારે તેણે અભિનેત્રીને બંદૂક દેખાડી તે તેના સાથે લગ્ન નહીં કરી શકે તેવું કહી ધમકી આપી હતી.
આ ઘટના બાદ અભિનેત્રીએ સોલાપુરના વિમાનતળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ ૩૭૬(૨) અને, ૩૭૭, ૩૨૩, ૫૦૪, અને ૫૦૬ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણે વિમાનતળ પોલીસ મથકના અધિકારીઓ વધુ તપાસ ચલાવી રહ્યા છે.