ફરી મરાઠા અનામત આંદોલન, તા. ત્રીજી માર્ચથી રસ્તા રોકોનું એલાન
ઓબીસી અનામત નહીં મળે તો ચૂંટણી બહિષ્કારની પણ મનોજ જરાંગેની ચિમકી
રાજ્ય સરકારે મંજૂર કરેલું વિધેયક માન્ય નથી , કુણબી જાતિ પ્રમાણપત્રના આધારે સગાસંબંધીને લાભ ની માગણી
મુંબઇ : મરાઠા અનામત માટે રાજ્ય સરકારે ગઈકાલે વિધાનસભામાં પસાર કરેલું વિધેયક ફગાવી દેનારા મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરાંગે પાટિલે તા. ત્રીજ માર્ચથી રાજ્યભરમાં રસ્તા રોકોનું એલાન આપ્યું છે.
મરાઠા સમાજને સરકારી નોકરી તથા શિક્ષણમાં દસ ટકા અનામત આપતું ે વિધેયક મહારાષ્ટ્ર સરકારે સ્પેશિયલ અધિવેશન યોજીને વિધાનસભા અને વિધાનપરિષદમાં એકમતે મંજૂર કરાવ્યું છે.
જોકે, મનોજ જરાંગેએ ગઈકાલે જ આ વિધેયકને મરાઠાઓ સાથે વિશ્વાસઘાત ગણાવતાં કહ્યું હતું કે અમારી મૂળ માગણી છે કે મરાઠાઓને કુણબી ગણી જેમનાં પણ પ્રમાણપત્ર મળે તે તમામને અને તેમની સાથે લોહીનો સંબધ હોય તો તેમને પણ કુણબી ગણી ઓબીસી કેટેગરીમાં અનામત મળવી જોઈએ.
તેમણે આજે કહ્યું હતું કે મરાઠાઓ રાજ્યમાં ૨૪મી ફેબુ્રઆરીથી આંદોલન શરુ કરશે. જોેકે, ધો. ૧૨ની પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓને ખલેલ ન પહોંચે તે રીતે કાર્યક્રમો અપાશે. તા. ત્રીજી માર્ચથી રાજ્યભરમાં રસ્તા રોકો આંદોલન યોજાશે. સરકાર ઓબીસી કેટેગરીમાં અનામત નહીં આપે તો મરાઠાઓ ચૂંટણી બહિષ્કાર કરશે. તેમણે જોકે પોતાના ટેકેદારોને શાંતિપૂર્ણ આંદોલનની અપીલ કરી હતી.
મનોજ જરાંગે પાટીલે કહ્યું હતું કે ગઈકાલે જે વિધેયક પસાર થયું તેવા પ્રયાસો અગાઉ પણ થઈ ચૂક્યા છે. આ વિધેયક કાયદાની સરાણ પર ટકવાનું નથી તે નક્કી છે. આ રીતે મરાઠાઓ સાથે વિશ્વાસઘાત કરાયો છે.