મહારાષ્ટ્ર વિધાનસભામાં મરાઠા અનામત બિલ સર્વસમ્મતિથી પાસ, શિક્ષણ-નોકરીમાં મળશે 10 ટકા અનામત
- અમે કોઈના પણ અનામત સાથે છેડછાડ કર્યા વિના મરાઠા સમુદાય માટે શૈક્ષણિક અને નોકરી અનામત આપવાનો નિર્ણય લીધો: CM શિંદે
મુંબઈ, તા. 20 ફેબ્રુઆરી 2024, મંગળવાર
મહારાષ્ટ્રએ મરાઠા અનામતને લઈને મોટો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર કેબિનેટે શિક્ષણ અને સરકારી નોકરીઓમાં 10% મરાઠા અનામત માટેના બિલને મંજૂરી આપી દીધી છે. છેલ્લા ચાર દાયકાથી ચાલી રહેલા સંઘર્ષને ખતમ કરવા માટે શિંદે સરકારે મોટો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર વિધાનસભામાંથી મરાઠા આરક્ષણ બિલને મંજૂરી મળી ગઈ છે. આ બિલમાં મરાઠા સમુદાયને શિક્ષણ અને નોકરીઓમાં 10% અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી છે. બિલ પર ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે ભલે OBC ભાઈ હોય કે, પછી અન્ય કોઈ સમુદાય હોય ... અમે કોઈના પણ અનામત સાથે છેડછાડ કર્યા વિના મરાઠા સમુદાય માટે શૈક્ષણિક અને નોકરી અનામત આપવાનો નિર્ણય લીધો છે.
શું બોલ્યા CM શિંદે
સીએમ શિંદેએ કહ્યું કે, આ કામમાં એવા કાનૂની નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવી રહી છે જેમણે હાઈકોર્ટમાં મરાઠા આરક્ષણની જોરદાર વકાલત કરી છે. ટાસ્ક ફોર્સનું પણ ગઠન કરવામાં આવ્યું છે. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને અન્ય ન્યાયિક સ્તરે મરાઠા સમુદાય માટે અનામત કેવી રીતે જળવાઈ રહેશે તે અંગે સરકાર અને આયોગ વચ્ચે સંકલન જાળવવા માટે સેવા નિવૃત્ત દિલીપ ભોસલે- મુખ્યમંત્રી એકનાથ શિંદેની અધ્યક્ષતામાં એક સમિતિની નિમણૂક કરવામાં આવી છે.
મુખ્યમંત્રી શિંદેએ આગળ કહ્યું કે, અમે મરાઠા આરક્ષણની તરફેણમાં દલીલ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વરિષ્ઠ કાઉન્સિલરોની ફોજ ઊભી કરી દીધી છે. ચાર દિવસ સુધી અમે મરાઠા સમુદાયની સ્થિતિ પર ખૂબ ગંભીરતા અને ધીરજ સાથે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. અમે મરાઠા અનામતને રદ કરતી વખતે સુપ્રીમ કોર્ટ દ્વારા નોંધાયેલા નિષ્કર્ષો પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. સુપ્રીમ કોર્ટમાં હવે ક્યુરેટિવ પિટિશન પર સુનાવણી શરૂ થઈ ગઈ છે. તેમાં પણ રાજ્ય સરકારની તરફેણમાં એક મજબૂત કેસ બનતો જણાઈ રહ્યો છે. મને વિશ્વાસ છે કે સફળતા મળશે.
આ અગાઉ મરાઠા અનામત માટે આંદોલન કરી રહેલા મનોજ જરાંગે પાટીલે સોમવારે તમામ મરાઠા ધારાસભ્યોને સર્વસંમતિથી અનામત બિલને સમર્થન આપવાની અપીલ કરી હતી. જો ધારાસભ્યોઓએ અનામતને લઈને અવાજ ન ઉઠાવ્યો તો સમજી જઈશું કે તેઓ મરાઠા વિરોધી છે.