મહારાષ્ટ્રના મરાઠા આંદોલનમાં ધારાસભ્યોનાં ઘર, ઓફિસ- વાહનો સળગાવાયાં, મ્યુનિ. ઓફિસને આગચંપી

Updated: Oct 30th, 2023


Google NewsGoogle News
મહારાષ્ટ્રના મરાઠા આંદોલનમાં ધારાસભ્યોનાં ઘર, ઓફિસ- વાહનો  સળગાવાયાં, મ્યુનિ. ઓફિસને આગચંપી 1 - image


મરાઠા આંદોલનમાં હિંસા વકરીઃ સંખ્યાબંધ બસોની તોડફોડ, નેતાઓ, પાર્ટી ઓફિસો નિશાને

અજિત જૂથના ધારાસભ્ય પ્રકાશ સાળંક ેભાજપ ધારાસભ્ય પ્રશાંત બામ્બ, એનસીપીના સંદીપ ક્ષીરસાગરનાં ઘરો-ઓફિસો નિશાન, એક નેતાની હોટલ પણ બાળીઃ  મજલગાંવની મ્યુનિ ઓફિસ સળગાવી દીધી

મરાઠા આંદોલનની સૌથી વધુ અસર બીડમાં : તોફાનોને પગલે વીજપુરવઠો પણ ઠપઃ એસટીના અનેક રુટ બંધઃ તોફાનો રોકવામાં નિષ્ફળ ગૃહ પ્રધાન ફડણવીસના રાજીનામાંની વિપક્ષો દ્વારા માંગ

મુંબઈ :  મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ આંદોલનમાં દિવસેને દિવસે હિંસા વકરી રહી છે. હજુ આગલા દિવસે બસને આગચંપી તથા કેટલાંય વાહનોની તોડફોડ અને ઠેર ઠેર રસ્તા રોકો બાદ બીજા દિવસ ધારાસભ્યો તથા અન્ય નેતાઓને નિશાન બનાવાયા હતા.  એક ધારાસભ્યનું ઘર સળગાવાયું હતું જ્યારે અન્ય ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ થઈ હતી.  અન્ય એક ધારાસભ્યની ઓફિસ તથા રહેઠાણ ઉપરાંત વાહનોને  પણ આગ ચંપી કરવામાં આવી હતી. આ ઉપરાંત આંદોલનકારીઓએ મ્યુનિસિપલ કચેરીમાં પણ આગ ચાંપી દીધી હતી. રાજ્યમાં જુદાં જુદાં ગામોમાં પણ મનોજ જરાંગેના બેમુદ્દતી ઉપવાસના ટેકામાં સાંકળી ઉપવાસ યોજવાની ઘોષણા થયા બાદ આ હિંસા વકરી છે. ૪૮ કલાકગમાં ૧૩થી વધુ બસોની તોડફોડ કરવામાં આવ્યા બાદ ૩૦ ડેપો દ્વારા બસ સંચાલન બંધ કરી દેવાયું છે. તોફાનોની અસર સૌથી વધુ બીડ જિલ્લામાં છે. બીડમાં તોફાનોેને પગલે વીજ પુરવઠો બંધ થતાં સમગ્ર શહેર અંધારામાં ગરકાવ થઈ ગયું હતું. રાજ્યમાં ઠેર ઠેર મોરચા નીકળી રહ્યા છે અને હાઈવે પર રસ્તા રોકો આંદોલન ચાલી રહ્યાં છે. મરાઠા આંદોલનમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સરિયામ નિષ્ફળતા બદલ વિપક્ષે ગૃહ ખાતાંનો પણ હવાલો ધરાવતા નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાંની માગણી કરી છે. 

મરાઠા આંદોલનકારીઓએ એનસીપીના અજિત જૂથના ધારાસભ્ય પ્રકાશ સોળંકેના બીડ જિલ્લામાં મજલગાંવ ખાતેના આવેલા ઘરે આગ ચાંપી હતી. આંદોલનકારીઓએ ઘરની બહાર પાર્ક થયેલી કાર સહિત અન્ય વાહનો પણ સળગાવ્યાં હતાં. પ્રકાશ સોળંકેના જણાવ્યા અનુસાર આંદોલનકારીઓએ જ્યારે તેમના ઘરને આગ ચાંપી ત્યારે તેઓ તથા તેમના પરિવારજનો ઘરમાં જ હતા પરંતું સદભાગ્યે તેમને કોઈને કશી ઈજા થઈ નથી.  ધારાસભ્ય પ્રકાશ સોળંકે તેમનું ઘર સળગાવ્યા બાદ આંદોલનકારીઓ નજીકમાં આવેલી મ્યુનિસિપલ ઓફિસે પહોંચ્યા હતા અને તને પણ સળગાવી દીધી હતી. મુંબઈથી ૪૦૦ કિમી દૂર આવેલાં મજલગાંવ ખાતે આજે બપોરે દોઢ વાગ્યાના અરસામાં આ હિંસક ઘટનાઓ બની હતી. 

પ્રકાશ સોળંકે મરાઠા આંદોલનના નેતા મનોજ જરાંગે વિરુદ્ધ ઉચ્ચારણો બદલ મરાઠા  આંદોલનકારીઓના નિશાને આવ્યા હતા. પ્રકાશ સોળંકએ ે   મનોજ જરાંગેએ સરકારને દસ દિવસ વધારે એટલે કે દસ દિવસનું બોનસ આપ્યું હતું. પરંતુ બોનસ આપનાર મહા હોશિયાર વ્યક્તિ છે. તેણે ક્યારેય ગ્રામ પંચાયતની ચૂંટણી લડી નથી હવે તે બધા કરતાં હોશિયાર  વ્યક્તિ બની ગયો છે, એવી ટિપ્પણી કરી હતી.  આ અંગેની ક્લિપ વાઇરલ થતા મરાઠા આરક્ષણ કરનારાએ વધુ ઉગ્ર બનાવ્યું છે. સોળંકે જણાવ્યું હતું કે હું પોતે મરાઠા છું. મારું મરાઠા આરક્ષણને ટેકો છે, પરંતુ કેટલાકે મારી અડધી વિડિયો ક્લીપ વાઇરલ કરીને ગેરસમજણ ઉભી કરવાનો પ્રયાસ કર્યો છે. રાજકીય દ્વેષરાગના વાતાવરણ વચ્ચે ગેરકાયદે કેટલાક લઇ રહ્યા છે. મરાઠા સમાજમાં મારા વિશે ગેરસમજ ફેલાવવાનો પ્રયત્ન હોવાનો દાવો પ્રકાશ સોળંકેએ કર્યો હતો. 

 પ્રકાશ સોળંકેના ઘરને આગ ચાંપ્યા બાદ આંદોલનકારીઓ હથિયારો સાથે મજલગાંવ  મ્યુનિસિપલ  કાઉન્સિલની ઓફિસ પહોંચ્યા હતા અને પહેલા માળેથી ફર્નિચર, દસ્તાવેજો વગેરે બહાર કાઢી સળગાવી દીધાં હતાં. તેમણે મોટાપાયે તોડફોડ પણ કરી હતી. 

પોલીસે સમગ્ર ઘટનાનાં સીસીટીવી  ફૂટેજ મેળવી તેના આધારે આંદોલનકારીઓની ઓળખ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી છે. ફાયર બ્રિગેડના જવાનોએ ધસી જઈને આગ બુઝાવી હતી. આગમાં મ્યુનિસિપલ કાઉન્સિલને મોટું નુકસાન થયું હતું. જોકે, આ બનાવમાં કોઈને ઈજા થઈ ન હતી. 

અન્ય બનાવમાં છત્રપતિ સંભાજી નગરના ગંગાપુર ખાતે ભાજપના ધારાસભ્ય પ્રશાંત બાંબની ઓફિસમાં તોડફોડ થઈ હતી. અહીં પણ આંદોલનકારીઓ હથિયારો સાથે પહોંચ્યા હતા અને તેમણે ઓફિસનાં ફર્નિચર તથા બારીબારણાંનો ખુડદો બોલાવી દીધો હતો. 

બીડમાં સાંજે એનસીપીનાં રાષ્ટ્રવાદી ભવન તરીકે ઓળખાતાં કાર્યાલય તથા એનસીપીના ધારાસભ્ય સંદીપ ક્ષીરસાગરનાં મકાન અને ઓફિસને પણ આગ ચાંપવામાં આવી હતી. સંદીપ ક્ષીરસાગરના કાકા તથા સિનિયર ઓબીસી નેતા જયદત્ત ક્ષીરસાગરના બંગલાને પણ આગ ચાંપવામાં આવી હતી. ધૂળે સોલાપુર હાઈવે પર રોષે ભરાયેલાં ટોળાએ સમતા પરિષદના બીડ જિલ્લાના પ્રમુખ સુભાષ રાઉતની હોટલ સનરાઈઝ સળગાવી દીધી હતી. 

તોફાનોની સૌથી વધુ અસર બીડમાં થઈ છે. બીડ જિલ્લા તથા શહેરમાં ભારેલા અગ્નિ જેવું વાતાવરણ છે. બીડમાં તોફાનીઓના ઉપદ્રવના કારણે વીજ પુરવઠો પણ ઠપ થઈ જતાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો હતો. બીડમાં તોફાની ટોળાંએ આગચંપી બાદ અગ્નિશમન માટે આવેલાં ફાયરબ્રિગેડના વાહનને પણ આગ ચાંપી દીધી હતી. 

રાજ્યની એકનાથ શિંદેના વડપણ હેઠળની સરકારમાં એનસીપીનું અજિત જૂથ તથા ભાજપ બંને ભાગીદાર છે. આમ, મરાઠા આંદોલનકારીઓએ શાસક યુતિના ધારાસભ્યોને ટાર્ગેટ બનાવવાનું શરી કર્યું છે. 

મરાઠા આંદોલનકારી નેતા મનોજ જરાંગે ગઈ તા. પચ્ચીસમી ઓક્ટોબરથી ફરી બેમુદ્દતી ઉપવાસ પર ઉતરી ગયા છે. તેમણે સરકાર પર મરાઠા આરક્ષણના અમલમાં વિલંબનો આરોપ લગાવ્યો છે. તેમના ટેકામાં રાજ્યના ગામેગામમાં પ્રતીક ઉપવાસ આંદોલન યોજાઈ  રહ્યું છે. જોકે, રવિવારથી રાજ્યભરમાં આ આંદોલને હિંસક વળાંક લેતાં વિપક્ષો મહારાષ્ટ્ર સરકાર પર તૂટી પડયા છે. એનસીપીનાં સાંસદ સુપ્રિયા સૂળએ જણાવ્યું હતું કે રાજ્યના ગૃહ પ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવીસે કાયદો અને વ્યવસથાની જાળવણીમાં નિષ્ફળતા સ્વીકારી રાજીનામું આપી દેવું જોઈએ. બીજી તરફ, રાજ્યના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ આંદોલન ખોટી દિશામાં ફંટાઈ ગયું હોવાનો ખેદ વ્યક્ત કર્યો હતો. ફડણવીસ પોતે હાલ ભાજપના ચૂંટણી પ્રચાર માટે છત્તીસગઢ પહોંચ્યા છે. 



Google NewsGoogle News