Get The App

રહસ્યમય બીમારી : 3 જ દિવસમાં મહારાષ્ટ્રના 3 ગામના અનેક લોકો ટકલા થઇ જતા હાહાકાર

બાળકોથી માંડી મહિલાઓના વાળ પણ ખરી રહ્યા છે

પ્રદૂષિત પાણીને કારણે વાળ ઉતરી રહ્યા હોવાની આશંકા

Updated: Jan 9th, 2025


Google News
Google News
રહસ્યમય બીમારી : 3 જ દિવસમાં મહારાષ્ટ્રના 3 ગામના અનેક લોકો ટકલા થઇ જતા હાહાકાર 1 - image


Maharastra Buldhana News | મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના ત્રણ ગામડાને વિચિત્ર બીમારીએ ભરડામાં લીધા છે.  ગામના સંખ્યાબંધ પુરુષો ત્રણથી સાત દિવસમાં માથાના વાળ ગુમાવવા માંડયા છે. ટકાની 'ટકાવારી' વધતા  ગામડાના લોકોમાં ચિંતા વ્યાપી ગઇ છે.

બુલઢાણા જિલ્લાના બોંડગાંવ, કાલવડ અને હિંગણા ગામના લોકોના માથાના વાળ ઉતરવા માંડયા છે . આ વિચિત્ર બીમારી અંગે ફરિયાદો થતાં તથા આસપાસના ગામોમાં હાહાકાર મચી જતાં આરોગ્ય ખાતાંની ત્રણ ટીમ ગામોમાં પહોંચી હતી અને પાણીના સેમ્પલ તેમ જ ગ્રામજનોના ઉતરેલા વાળ અને ચામડીના સેમ્પલ ભેગા કર્યા હતા અને લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા છે. પ્રાથમિક માન્યતા અનુસાર રાસાયણિક ખાતરને કારણે ગામનું પાણી પ્રદૂષિત થઈ ગયું છે. પાણીમાં ભારે ધાતુઓનું પ્રમાણ વધી ગયું છે અને તેના કારણે વાળ ખરી રહ્યા છે. 

ગામલોકોએ ચિંતીત સ્વરે ફરિયાદ કરતા કહ્યું હતું કે મહિલાઓ અને પુરૂષો બધાના વાળ ઉતરવા  માંડયા છે. વાળ ઉતરવાનું શરૂ થયા પછી ત્રણથી સાત દિવસમાં માથે ટકો થઇ જાય છે. ઇલેકટ્રોનિક મિડિયાના કેમેરા સામે લોકોએ રીતસર દેખાડયું હતું કે માથા પર હળવેથી દાંતિયો ફેરવતાની સાથે જ વાળનું ગુચ્છો હાથમાં આવી જાય છે. રાતે ઊંઘ્યા બાદ સવારે ઉઠે ત્યારે તકિયા પાસે વાળના ગુચ્છા હોય છે. સ્ત્રીઓ વાળમાં દાંતિયો ફેરવે તો જાણે કાતર ફેરવી હોય તે રીતે વાળના ગૂચ્છા નીચે પડે છે. 

હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમે આ ત્રણ ગામડાની મુલાકાત લઇ તપાસ કરી હતી અને જણાવ્યું હતું કે 50થી વધુ ગ્રામજનોને આ બીમારીની અસર થઈ છે.  જોકે ડોકટરોનું માનવું છે કે આ સંખ્યામાં વધારો થવાની પૂરી શક્યતા છે. હેલ્થ ડિપાર્ટમેન્ટે એકઠા કરેલા પાણી, વાળ અને ત્વચાના  સેમ્પલની લેબોરેટરીમાં તપાસ બાદ રિપોર્ટ આવશે તેને આધારે ઇલાજ થઇ શકશે એવું અધિકારીએ ઝણાવ્યું હતું.

શેગાંવના હેલ્થ ઓફિસર ડૉ. દીપાલી બાહેકરનો આ ટીમમાં સમાવેશ થાય છે. તેમણે કહ્યું હતું કે પ્રદૂષિત પાણીને કારણે વાળ ઉતરતા હોવાની શંકા છે. આરોગ્ય વિભાગની ટીમના અધિકારીઓના જણાવ્યા અનુસાર ખેતીમાં રાસાયણિક ખાતરના વધારે પડતા ઉપયોગથી ગામનું પાણી  પ્રદૂષિત બન્યું હોવાની સંભાવના છે. પાણીમાં કેલ્શિયમ તથા મેગ્નેશિયમ વધારે પ્રમાણમાં ભળી ગયું હોય તો આવું બની શકે છે. આમ છતાં પણ ચોક્કસ કારણ જાણવા માટે સંપૂર્ણ તપાસ થઈ રહી છે. 

ગામના સરપંચ રામા પાટીલ થારકરે કહ્યુ ંહતું કે આ ભેદી બીમારીથી લોકોમાં ડરનો માહોલ છે. લોકોને ફફડાટ પેઠો છે કે ખરી પડેલા વાળ પાછા આવશે કે કેમ કે પછી તેમણે આજીવન આ ટકા સાથે જ રહેવું પડશે. લોકો હવે અમસ્તા માથે હાથ ફેરવતાં પણ ડરે છે. તેમને બીક લાગે છે કે ફક્ત હાથથી વાળ સહેલાવશે તો પણ તે ખરી પડશે. વિસ્તારના આગેવાનોએ  આરોગ્ય તંત્રને ગામમાં આરોગ્ય ચકાસણી શિબિર ગોઠવવા જણાવ્યું છે. રાજ્યના આરોગ્ય મંત્રીને પણ આ બનાવ અંગે જાણ કરાઈ છે. 

Tags :
Buldhana-districtEnigmatic-illness

Google News
Google News