નવ દિવસના ઉપવાસથી મનોજ જરાંગેના કિડની, લીવરને નુકસાન
પારણા બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ
કિડની અને લીવર પર સોજો આવી ગયો, પાણી ઘટી જતાં ડિહાઈડ્રેશનઃ સ્વસ્થ થતાં સમય લાગશે
મુંબઈ : મરાઠા આરક્ષણ માટે નવ દિવસના ઉપવાસના કારણે આંદોલનકારી નેતા મનોજ જરાંગેને કિડની તથા લિવર પર સોજો આવી ગયો છે અને ડિહાઈડ્રેશન થઈ ગયું છે. તેમને સ્વસ્થ થતાં સમય લાગશે તેમ તબીબોનું કહેવું છે.
આરક્ષણની માગણી સાથે પહેલી વાર ૧૭ દિવસના અને બીજી વાર ૯ દિવસના ઉપવાસ મનોજ જરાંગે પાટીલે કર્યા હતા. ગઇ કાલે સાંજે તેણે પારણા કર્યા બાદ છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ)ની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક સ્પેશ્યલ રૃમમાં તાત્કાલિક આઇસીયુ જેવી સુવિધા ઉભી કરવામાં આવી છે અને ડોક્ટરોની ટીમ ૪૦ વર્ષના પાટીલનો ઇલાજ કરે છે.
એક સિનિયર ડોક્ટરે કહ્યું હતું કે જરાંગેની કિડની અને લીવર ઉપર બહુ સોજો ચડી ગયો છે. તેના શરીરમાં યુરિયા અને ક્રેટીનાઇનનું પ્રમાણ વધી ગયું છે. ઉપરાંત પાણી ઘટી જવાથી ડિહાઇડ્રેશન થઇ ગયું છે. સંપૂર્ણ રીતે સ્વસ્થ થતા સમય લાગશે.
મનોજ જરાંગેએ જાલના જિલ્લાના આંતરવલી- સરાની ગામે ગઇ પચ્ચીસમી ઓક્ટોબરે આમરણ ઉપવાસ શરૃ કર્યા હતા . આરક્ષણ મુદ્દે નિર્ણયની બે મહિનામાં સરકારની ખાતરી બાદ તેમણે ગઈકાલે સાંજે ઉપવાસ પાછા ખેંચ્યા હતા.
જોકે, જરાંગેએ કરેલી જાહેરાત મુજબ ગામેગામ મરાઠા અનામત માટે રિલે ફાસ્ટ ચાલુ જ રહેશે.