Get The App

મુંબઈના એરપોર્ટ કર્મચારી દ્વારા જ દાણચોરીના સોનાની હેરાફેરી

Updated: Feb 21st, 2024


Google NewsGoogle News
મુંબઈના એરપોર્ટ કર્મચારી દ્વારા જ દાણચોરીના સોનાની હેરાફેરી 1 - image


મોજા તથા જેકેટમાં સોનું લઈ જઈ બહાર ડિલિવરી આપતો હતો

એરપોર્ટનો પાસ હોવાથી ગેરલાભ લીધો, દરેક ખેપ પર ઊંચું કમિશન મળતું હતું, 2 કરોડનું સોનું જપ્ત

મુંબઇ :  મુંબઇ એરપોર્ટ પરથી તસ્કરીનું સોનું બહાર કાઢવામાં  મદદ કરતા એક એરપોર્ટ કર્મચારીની કસ્ટમ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે ધરપકડ કરી હતી. આ કર્મચારીનું નામ અભિષેક છે અને કસ્ટમ્સે તેના પાસેથી રૃા.૧.૯૭ કરોડની કિંમતનું તસ્કરીનું સોનું જપ્ત કર્યું હતું. આરોપીને કોર્ટમાં હાજર કરવામાં આવતા તેને ૧૪ દિવસની અદાલતી કસ્ટડી ફટકારવામાં આવી હતી.

આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર દરેક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અલગ-અલગ મોબાઇલ કંપનીઓના કાઉન્ટર હોય છે જ્યાં વિદેશી નાગરિકો પાસપોર્ટ દેખાડી જે-તે દેશનું સીમકાર્ડ ખરીદી શકે છે. મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર  પણ આવા કાઉન્ટરો આવેલા છે. જ્યાં તસ્કરો આ કાઉન્ટરની થોડે દૂર તસ્કરીથી આવેલ સોનું અમૂક વિશિષ્ટ જગ્યાએ મૂકી દેતા જ્યાંથી આરોપી આ સોનાના જથ્થાને ઉપાડી લેતો અને મોજામાં બેગમાં અથવા તેના જેકેટમાં મૂકી દેતો. આરોપી પાસે એરપોર્ટનો એન્ટ્રી પાસ હોવાથી તેને આ પાસ દેખાડી એરપોર્ટના અંદર-બહાર અવરજવર કરવાની છૂટ હતી. આ છૂટનો ગેરલાભ ઉપાડી તે તસ્કરોને મદદ કરતો હતો. 

સોમવારે આવી જ રીતે તે જ્યારે તસ્કરીના સોના સાથે બહાર આવી રહ્યો હતો ત્યારે કસ્ટમની એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓને તેના પર શંકા જતા તેને રોક્યો હતો. અધિકારીઓએ તેની બેગ અને જેકેટની ઝડતી લેતા તેમાથી ત્રણ પેકેટ રૃા.૧.૯૭ કરોડ રૃપિયાની કિંમતનું સોનું મળી આવ્યું હતું. કસ્ટમ અધિકારીઓએ તેને તાબામાં લઇ વધુ પૂછપરછ કરતા તેણે કથિત રીતે કબૂલ્યું હતું કે છેલ્લા એક મહિનામાં આ રીતની મોડ્સ ઓપરેન્ડી  દ્વારા તેણે દસવાર તસ્કરીના સોનાને એરપોર્ટ બહાર કાઢ્યું છે તેણે વધુમાં કસ્ટમ અધિકારીઓને જણાવ્યું હતું કે એરપોર્ટ બસ સ્ટોપ પાસે સિગ્નલ નજીક એક વ્યક્તિ તેને મળતો જેને તે સોનાનો જથ્થો સોંપી દેતો હતો. આ કામ માટે તેને સારું એવું કમિશન પણ આપવામાં આવતું હતું.

સોનાની આ તસ્કરીમાં એરપોર્ટના અન્ય કોઇ કર્મચારી  સામેલ છે કે નહીં તેની વધુ તપાસ અધિકારીઓએ આદરી છે.



Google NewsGoogle News