આફ્રિકાના મલાવી દેશની કેરી મુંબઈની બજારમાં આવી પહોંચી
ઠંડીની મોસમમાં મોંઘી મેંગોની મજા
1 બોક્સની કિંમત 3થી 5 હજારઃ મલાવીના ખેડૂતો કોંકણથી જ આફુસના રોપા લઈ ગયા હતા
મુંબઈ - પૂર્વ આફ્રિકી દેશ મલાવીની કેરીઓ નવી મુંબઈની એપીએમસી (એગ્રીકલ્ચર પ્રોડયુસ માર્કેટ કમિટી)ની ફળ બજારમાં આવી પહોંચી છે. એટલે કેરીના ખરા શોખીનો શિયાળાની ઠંડીમાં વધુ પૈસા ખર્ચીને કેરીનો સ્વાદ માણી શકાશે.
એપીએમસીમાં આવેલી મલાવી મેન્ગોનાં એક બોક્સની કિંમત ત્રણથી પાંચ હજારની વચ્ચે છે. નવેમ્બરના પહેલાં અઠવાડિયામાં મલાવીની કેરી આવતી હોય છે. જોેકે, આ વખતે થોડો વિલંબ થતા બુધવારે કેરી આવી પહોંચી હતી.
મલાવી આફૂસના ૯૪૫ બોક્સ અને ટોપી એટકિન્સ કેરીના ૨૭૦ બોક્સ આવ્યા છે. એક બોક્સમાં સામાન્ય રીતે દળ મુજબ ૧૦થી ૧૨ નંગ કેરી સમાય છે. ત્રણ કિલોના બોક્સની કિંમત ત્રણથી પાંચ હજાર છે. એપીએમસી માર્કેટમાંથી મલાવીની કેરી ક્રાફર્ડ માર્કેટ, બ્રીચ કેન્ડી, ઘાટકોપર, જુહુ, દિલ્હી, રાજકોટ અને અમદાવાદ મોકલવામાં આવે છે.
મલાવીના ખેડૂતો ૧૩ વર્ષ પહેલાં કોંકણની આફૂસ કેરીના રોપા મલાવી લઈ ગયા હતા અને ત્યાં કેરી ઉગાડવાની શરૃઆત કરી હતી. ત્યાંની જમીન અને હવા-પાણી માફક આવી જતા આંબા પર કેરીઓ આવવા માંડી હતી. હવે દર નવેમ્બર મહિનામાં મલાવીની આફૂસ કેરી મુંબઈ આવવા માંડી છે.