Get The App

વિરારની હૉસ્પિટલમાં આગ માટે સંચાલકો ઉપરાંત પાલિકા અધિકારીઓ દોષિત

Updated: Apr 3rd, 2024


Google NewsGoogle News
વિરારની હૉસ્પિટલમાં આગ માટે સંચાલકો ઉપરાંત પાલિકા અધિકારીઓ દોષિત 1 - image


16 દર્દીનો ભોગ લેનારી  દુર્ઘટનાનો ગુપ્ત તપાસ અહેવાલ 3 વર્ષે જાહેર

ફાયર તથા હેલ્થ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે મોડા પહોંચ્યા કે નોટ રિચેબલ થઈ ગયા હતા ઃ ત્રણ વર્ષ પછી પણ કોઈ પગલાં નહીં

મુંબઈ :  વિરારની વિજયવલ્લભ હૉસ્પિટલમાં લાગેલી આગનો ગુપ્ત અહેવાલ ત્રણ વર્ષે જાહેર થયો છે. જિલ્લાધિકારીઓએ તૈયાર કરેલાં આ અહેવાલમાં હૉસ્પિટલ મેનેજમેન્ટ સાથે જ પાલિકાના અનેક વરિષ્ઠ અધિકારીઓને દોષિત ઠેરવાયા છે. આ અધિકારીઓ પર કાર્યવાહીનો આદેશ આપવા છતાં કોઈના પર કોઈ કાર્યવાહી થઈ નહોતી. આ બાબતે એક પક્ષે આ અધિકારીઓને તત્કાળ સસ્પેન્ડ કરી સંપૂર્ણ પ્રકરણની એસઆઈટી મારફત તપાસની માગ કરી છે. 

૨૩ એપ્રિલ ૨૦૨૧ના રોજ પરોઢે સવા ત્રણ વાગ્યાની આસપાસ વિરારની વિજયવલ્લભ હૉસ્પિટલના બીજા માળે આઈસીયુમાં આગ લાગી હતી. આ આગમાં ૧૬ દર્દી સળગીને મૃત્યુ પામ્યા હતાં. આ આગ સંદર્ભે તપાસ કરવા માટે પાલઘર જિલ્લાધિકારીઓની અધ્યક્ષતા હેઠળ સમિતિ સ્થાપિત કરાઈ હતી. સમિતિએ એક મહિનામાં પોતાનો અહેવાલ રાજ્ય સરકારને મોકલ્યો હતો. પરંતુ એ અહેવાલ ગોપનીય રાખવામાં આવ્યો હતો. એક રાજકીય પક્ષે સતત ત્રણ વર્ષથી પાછળ પડી એ અહેવાલ રાજ્ય સરકાર પાસેથી મેળવ્યો છે. તેમાં આગ માટે હૉસ્પિટલનું મેનેજમેન્ટ જેટલું જવાબદાર છે તેટલાં જ જવાબદાર વસઈ વિરાર શહેર મહાનગરપાલિકાના એડિ.કમિશ્નર (અગ્નિશમન અને આપત્તિ વ્યવસ્થાપન), એડિ.કમિશ્નર (વૈદકીય આરોગ્ય તેમજ વિદ્યુત), રીજનલ ડે.કમિશ્નર (હેલ્થ) સાથે અન્ય અધિકારી તેમજ મુખ્ય અગ્નિશમન અધિકારી સહિત તમામ વરિષ્ઠ અધિકારીઓ જવાબદાર હોવાનું તારણ અહેવાલમાં છે.

આ તમામ અધિકારીઓ આગની ઘટના બાબતે જરાય સંવેદનશીલ ન હોય તેમને આ ઘટના માટે દોષિત ગણી તેમની સામે વિભાગીય તપાસ શરુ કરવી, તેમની બદલી કરવી તેમજ તેમની કેટેગરી મુજબ નગરપાલિકામાં તેમને નિયુક્તિ આપી તમામ પ્રશાસકીય બાબતોમાં તેમને પ્રશિક્ષિત કરવા, એવું સ્પષ્ટપણે અહેવાલમાં ઉલ્લેખાયું હતું. પરંતુ ત્રણ વર્ષ વિતી જવા છતાં તેના પર કોઈ કાર્યવાહી થઈ નથી. આગની ઘટના દરમ્યાન એકેય અધિકારીએ પોતાની જવાબદારી પૂરતી નિભાવી નહોતી. તેમજ તમામ ઘટના સ્થળે મોડાં પહોંચ્યા અને તેમાંના ઘણા ઘટના બાદ 'નૉટ રીચેબલ' થઈ ગયા હતાં. આથી હવે તે તમામ સામે એસઆઈટી રચી કાર્યવાહી કરવાની પણ માગ થઈ છે.  



Google NewsGoogle News