માલદીવમાં આઠ મહિનાથી અટવાયેલા મન પારેખની સુખરૃપ ભાયંદર વાપસી
રિસોર્ટમાં શેફ તરીકે નોકરી કરતા યુવકને પાછો લાવવામાં ભરોસા સેલને સફળતા
18 થી 20 કલાક કામ કરાવતા હતા, પગાર અને જમવાના પણ ફાંફા હતા, પરિવારે પૈસાની ઓફર કરી તો પણ મુક્ત ન કર્યો
મુંબઈ : માલદીવના એક રિસોર્ટમાં શેફ (રસોઇયા) તરીકે કામ કરતા અને છેલ્લા આઠ મહિનાથી ત્યાં અટવાઇ ગયેલા ભાયંદરના મન પારેખ નામના યુવકને હેમખેમ પાછો લાવવામાં પોલીસની ભરોસા સેલને સફળતા મળી હતી.
૨૪ વર્ષનો મન પારેખ એજન્ટ મારફત ડિસેમ્બર ૨૦૨૩માં શેફ તરીકે નોકરી માટે માલદીવ ગયો હતો. ત્યાના રિસોર્ટમાં કામ શરૃ કર્યા પછી રિસોર્ટના માલિક અને મેનેજર તેને ૧૮ થી ૨૦ કલાક ઢોરની જેમ કામ કરાવતા હતા, અને પગાર પણ ચૂકવતા નહોતા. આટલું ઓછું હોય એમ તેને પોષણયુક્ત ખોરાક આપવામાં ન આવતો હોવાથી યુવક બીમાર પડી ગયોહતો. આથી તેના માતા-પિતાએ રિસોર્ટના માલિકને વિનંતી કરી હતી કે મન તેમનો એકનો એક પુત્ર છે, કોન્ટ્રેકટરની શરત પ્રમાણે અમે પૈસા ચૂકવવા તૈયાર છીએ પણ મનને પાછો ભારત મોકલી આપો. પરંતુ માલિકે કોઇ જવાબ નહોતો આપ્યો.
પુત્ર પાછો આવે એ માટે સતત પ્રયાસ કરતા માતા-પિતાએ પોલીસની ભરોસા સેલનો કોન્ટેક્ટ કર્યો હતો. ભરોસા સેલના સિનિયર ઓફિસર તેજશ્રી શિંદેએ રિસોર્ટના માલિક વિરૃદ્ધ ફરિયાદ નોંધી હતી. ત્યાર બાદ ભારતીય દૂતાવાસનો સંપર્ક સાધી વિગત જણાવી હતી. આખરે આઠ મહિનાથી હેરાનગતી વેઠતા મન પારેખની ૧૮મી નવેમ્બરે સુખરૃપ ઘરવાપસી થઇ હતી.