20 મહિલા સાથે કર્યા લગ્ન, પૈસા-દાગીના લઈ રફૂચક્કર, લગ્ને-લગ્ને કુંવારા 'વરરાજા'ને પોલીસે પકડ્યો
Man Marries Over 20 Women: પાલઘર જિલ્લાના નાલાસોપારા પોલીસે 43 વર્ષના એક એવા 'વરરાજા'ને પકડી પાડ્યો છે જેણે છેલ્લા થોડા વર્ષોમાં 20 મહિલાઓ સાથે લગ્ન કરી તેમના પાસેથી પૈસા અને કિંમતી વસ્તુ પડાવી તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. એમબીવીવી પોલીસે જણાવ્યું હતું કે નાલાસોપારામાં રહેતી એક મહિલાની ફરિયાદના આધારે ફિરોઝ નિયાઝ શેખની કલ્યાણથી ધરપકડ કરવામાં આવી હતી.
ફિરોઝ મેટ્રિમોનિઅલ સાઈટ્સ પરથી ત્યક્તા કે વિધવાઓને શિકાર બનાવતો
આ સંદર્ભે વઘુ વિગત આપતા સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર વિજયસિંહ ભાગલે જણાવ્યું હતું કે ફરિયાદી મહિલાના જણાવ્યાનુસાર તેની આરોપી સાથે એક મેટ્રિમોનિઅલ સાઈટ પરથી ઓળખાણ અને મિત્રતા થઈ હતી ત્યારબાદ બન્નેએ લગ્ન કરી લીધા હતા.
મહિલાની ફરિયાદ અનુસાર શેખે મહિલા પાસેથી લાખોની રોકડ અને લેપટોપ પડાવી લીઘું હતું. આરોપી શેખે ઓક્ટોબર અને નવેમ્બર, 2023માં મહિલા પાસેથી રૂ.6.5 લાખની રોકડ લીધી હતી અને ત્યારબાદ તેનું લેપટોપ પણ પડાવ્યું હતું.
લગ્ન બાદ રોકડ તથા દાગીના લઈ ફરાર થઈ જતો હતો
મહિલાની ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે ગુનો નોંધી વઘુ તપાસ આદરતા પોલીસને ચોંકાવનારી માહિતી મળી હતી. આ કેસની તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે શેખે મેટ્રિમોનિઅલ સાઈટ પરથી છૂટાછેડાવાળી અને વિધવા મહિલાઓને લક્ષ્ય બનાવતો અને આ રીતે તેણે ઘણા લગ્નો કરી તેમને નિશાન બનાવી હતી અને તેમના પાસેથી રોકડ રકમ તેમની કિંમતી સામાન પડાવ્યો હતો.
આ પણ વાંચો: 'આડેધડ ધરપકડમાં જામીન ન મળવા ચિંતાજનક..', CJIની ટિપ્પણીથી રાજકીય દબાણનો મામલો ફરી ઉછળ્યો
20 મહિલાઓને છેતરી તેમની સાથે લગ્ન કર્યા હતા
પોલીસે આરોપી શેખ પાસેથી એક લેપટોપ, મોબાઈલ ફોન, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ, ચેકબુક અને અમુક દાગીનાઓ જપ્ત કર્યા હતા. આ સંદર્ભે વઘુ વિગત આપતા ભાગલએ જણાવ્યું હતું કે શેખે વર્ષ 2015થી અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર, મઘ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને ગુજરાત સહિત દેશના વિવિધ શહેરોમાંથી 20 મહિલાઓને છેતરી તેમની સાથે લગ્ન કર્યા હતા.