દિવા સ્ટેશને ફટકાબાજનો પ્રહાર યુવકે અડધો હાથ ગુમાવવો પડયો
મુંબઇની લોકલ ટ્રેનોમાં ફટકાબાજોનો ફરી આતંક
કોચમાંથી ઉતરતી વખતે ફટકાબાજનો હુમલો ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે હાથ આવી ગયો
મુંબઇ : દિવા રેલવે સ્ટેશને મોબાઇલ ચોરીની બનેલી ધટનામાં ફટકાબાજના હુમલાથી ૨૨ વર્ષના યુવકે ડાબો હાથ આંશિક રીતે ગુમાવી દીધો છે. લોકલમાં યુવક સાથે આરોપી પણ પ્રવાસ કરી રહ્યો હતો. ટ્રેન પ્લેટફોર્મ ઉભી રહે તે પહેલા ઉતરીને આરોપીએ ઘટનાને અંજામ આપ્યો હતો.
સોમવારે રાત્રે ૧૨ વાગ્યાની આસપાસ દિવા સ્ટેશને પ્લેટફોર્મ નંબર બે ઉપર ઘટના બની હતી. પીડિત યુવક એસ. કુમાર બદલાપુરથી પરત તેના ઘરે જવા સીએસટી જનારી લોકલમાં આવ્યો હતો. યુવક ટ્રેનના દરવાજે ઉભો રહ્યો હતો. અને આરોપી પણ તે જ કોચમાં હતો. તેણે પોતાનો શિકાર શોધી લીધો હતો. ટ્રેન દિવા સ્ટેશને હોલ્ટ લે તે પહેલાં જ ઝડપથી આરોપી નીચે ઉતરી ગયો અને યુવકના હાથ પર જોરદાર હુમલો કર્યો હતો. પોતાનો મોબાઇલ પાછો મેળવવાના પ્રયાસમાં યુવકે હાથ લાંબો કરી આરોપીને પકડવા જતાં યુવકે નિયંત્રણ ગુમાવી દીધું હતું. ચાલુ ટ્રેનમાંથી પડેલા યુવકનો ડાબો હાથ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની ખાલી જગ્યામાં અટવાઇ ગયો હતો. જેને લીધે કોણીથી પંજા સુધીનો હાથને ગંભીર ઇજા થઇ હતી. તેવું થાણે જીઆરપી અધિકારીએ જણાવ્યું હતું.
પ્લેટફોર્મ પર ઉભેલા કેટલાક પ્રવાસીઓએ ભાગતા આરોપીને ઝડપી લીધો અને પોલીસને સોંપી દીધો હતો. દરમિયાન પ્લેટફોર્મ પર તહેનાત પોલીસો લોહીલૂહાણ અવસ્થામાં રહેલા યુવકને હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં આઇસીયુમાં દાખલ યુવક તેના શરીરમાંથી ભારે માત્રામાં લોહી વહી જવાને કારણે બેભાન થઇ ગયો હતો. બીજા દિવસે પોલીસે પીડિતનું નિવેદન નોંધ્યું હતું. હાલમાં આરોપી પોલીસના તાબામાં છે અને તે અન્ય અપરાધની ઘટનાઓમાં સંકળાયેલો છે કે નહીં તેની તપાસ ચાલું છે.