દાદર સ્ટેશને યુવતીના વાળ કાપી બેગમાં નાખીને 1 શખ્સ ફરાર
દાદરમાં હજારોની ભીડ વચ્ચે વિકૃત શખ્સનું પરાક્રમ
ભતૂકળામાં દિલ્હી, હરિયાણામાં ચોટી કટવા ગેંગના આતંક જેવા બનાવની યાદ તાજી થઈઃ મહિલા પ્રવાસીઓમાં ભય
મુંબઈ - દાદર સ્ટેશને સોમવારે એક કોલેજીયન યુવતી સાથે વિચિત્ર ઘટના બની હતી. એક શખ્સ તેના વાળ કાપી, ગુચ્છો લઈને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાએ યુવતી સહિત તમામ મહિલા પ્રવાસીઓને ભયગ્રસ્ત કરી દીધા છે, ભૂતકાળમાં ૨૦૧૭માં હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં આવી અનેક ઘટનાઓ બની હતી. જેમાં રહસ્યમયરીતે મહિલાોના વાળ કાપીને શખસ ગાયબ થઈ જતો હતો.
માટુંગાની જાણીતી કોલેજમાં અભ્યાસ કરતી ૧૯ વર્ષની યુવતી કલ્યાણથી મહિલા સ્પેશિયલ ટ્રેનમાં બેસીને માટુંગા જવા નીકળી હતી. સવારે ૯.૨૯ વાગ્યાની આસપાસ દાદર સ્ટેશને ઉતરીને પશ્ચિમ રેલવેના રાહબદારી બ્રિજ ઉપર જઈ રહી હતી. તે વખતે તેની સાથે આ બનાવ બન્યો હતો. યુવતીએ જીઆરપીને આપેલા નિવેદન મુજબ બ્રિજ ઉપર તેણે બુકિંગ કાઉન્ટર પસાર કર્યા બાદ તેને માથામાં કંઈક ખેંચાયા હોવાનું લાગતા તરત પાછળ ફરીને જોયું તો બેગ પહેરેલો એક શખસ બેગમાં કંઈક નાખીને ભાગી રહ્યો હતો. ત્યાર બાદ યુવતીએ જોયું કે નીચે થોડાં વાળ કરાયેલા પડયાં હતા. પોતાના વાળ તરફ ધ્યાન જતાં તેને ખબર પડી કે તેના લાંબાવાળના છેેડેથી વાળનો ગુચ્છો કપાઈ ગયો છે.
યુવતી તરત જ પશ્ચિમ રેલવેના દાદર સ્ટેશનના આરપીએફ પાસે દોડી ગઈ અને તેની સાથે બનેલી ઘટના વિશે જણાવ્યું હતું. આરપીએફઅ ે તેને ઘટના સ્થળની સીસીટીવી ફૂટેજ બતાવી, તેમાં દેખાયું કે ભાગી રહેલા શખસે જ તેના વાળ કાપ્યા હતા. આરપીએફએ યુવતીને એફઆઇઆર નોંધાવાની સલાહ આપી હતી. યુવતીએ સેન્ટ્રલ જીઆરપી સ્ટેશનમાં ફરિયાદ કર્યા બાદ જીઆરપીએ એક શકમંદની અટકાયત કરી છે. જેની પૂછપરછમાં તેણે કરેલા કૃત્યોનો ખુલાસો થશે. બીજીબાજુ આ ઘટનાની યુવતી ભયભીત થઈ ગઈ હતી અને સ્ટેશનો પર મહિલા સુરક્ષાનો પ્રશ્ન ફરીવાર ઉઠાવાયો છે.
પીડિતાએ જણાવ્યું હતું કે રેલવે સ્ટેશને આવી ઘટના બનશે તેવી કલ્પના કરી નહોતી. મને મોટો ધક્કો લાગ્યો છે. આજે મારી સાથે બન્યું તેવું આવતી કાલે બીજી કોઈ મહિલા સાથે બની શકે છે. તેથી આવા માથા ફરેલ શખસને કઠોર સજા મળવી જોઈએ. તેમ જ રેલવે પ્રશાસનને મહિલાઓ નિર્ભયતાથી પ્રવાસ કરી શકે તેના માટે ઠોસ સુરક્ષા વ્યવસ્થા લાવવાની જરૃર છે.
આઠ વર્ષ અગાઉ ઉત્તર ભારતમાં ચોરી કરવા નામે બનેલા આવા કિસ્સાઓથી મહિલાઓમાં ભય વ્યાપી ગયો હતો. ઘરેથી નીકળતી મહિલાઓ માથે ઓઢીને જતી હતી. હજી સુધી એ ઘટનાઓનું રહસ્ય ઉજાગર થયું નથી. દાદર સ્ટેશને બનેલી ઘટના ભૂતકાળના બનાવોની યાદ અપાવે છે.