ધારાવીમાં બોમ્બની પોકળ ધમકીનો કોલ કરનારની ધરપકડ
- ધમકી મળતાં પોલીસ ધંધે લાગી ગઈ
- આરોપી સામે અગાઉ પણ બોમ્બની ધમકી આપવાનો કેસ દાખલ થઈ ચૂક્યો છે
મુંબઇ : મુંબઇ પોલીસના કન્ટ્રોલ રૂમને કથિત રીતે ફોન કરી ધારાવીમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાની ખોટી ધમકી આપવા બદલ પોલીસે નરેન્દ્ર ગણપત કબલની ધરપકડ કરી હતી તેણે દાવો કર્યો હતો કે ધારાવીના રાજીવગાંધી નગરમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. આ બોમ્બની ધમકીને લીધે દોડધામ મચી ગઇ હતી. અંતે આ અફવા હોવાનું સ્પષ્ટ થયું હતું.
આ સંદર્ભે વધુ વિગતાનુસાર શુક્રવારે મુંબઇ પોલીસના કન્ટ્રોલરૂમને એક ફોન આવ્યો હતો જેમા ફોન કરનાર અજાણી વ્યક્તિએ ધારાવીના રાજીવગાંધી નગરમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાનો દાવો કર્યો હતો. ત્યારબાદ પોલીસે આ બાબતે કેસ નોંધી તપાસ શરૂ કરી હતી. જો કે પોલીસની તપાસમાં કાંઇ વાંધાજનક મળી આવ્યું નહોતું તેથી કોઇકે અફવા ફેલાવવાના આશયથી ખોટી ધમકી આપી હોવાનું સ્પષ્ટ થયું હતું.
આ સંદર્ભે વધુ વિગત આપતા એક અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું કે આ ઘટના બાદ પોલીસે ટેક્નિકલ ઇન્ટેલિજન્સની મદદથી શુક્રવારે રાત્રે જ ધારાવીથી નરેન્દ્ર ગણપત કવલની ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં સ્પષ્ટ થયું હતું કે નરેન્દ્ર સામે પર આ પહેલા પણ આ પ્રકારની ધમકી આપવા બદલ આઝાદમેદાન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે તેની સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કોલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.