15 અધિકારીઓની બદનક્ષી કરનારો ફૂડ ડિલિવરીના આધારે ઝડપાયો
ર્વસઈ વિરાર, મીરા ભાયંદરના અધિકારીઓને બદનામ કર્યા હતા
પોલીસ પહોંચી તો ચાર કલાક સુધી દરવાજો ન ખોલ્યો, અગાઉ હત્યાના એક કેસ તથા ખંડણીના સાત ગુનાઓમાં પણ સંડોવણી
વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના એડિશનલ કમિશનર રમેશ મનાલેને કોઈ અજાણ્યા વ્યક્તિએ સોશિયલ મીડિયા પર અશ્લીલ કન્ટેન્ટ ફેલાવીને બદનામી કરવામાં આવી હતી. આ મામલે તેમણે બોલિંજ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. ડેપ્યુટી કમિશનર દીપક સાવંત સાથે પણ આવી જ ઘટના બની હોવાથી તેમણે પણ ફરિયાદ કરી હતી. તેમની અંગત માહિતી મેળવીને અધિકારીઓને બદનામ કરવામાં આવતા અને ધમકીઓ આપીને બ્લેકમેલ કરવામાં આવતા હોવાથી હોબાળો થયો હતો. મીરા-ભાયંદરના મ્યુનિસિપલ અધિકારીઓનો પણ આવો જ કિસ્સો હતો. તેથી, ક્રાઈમ બ્રાન્ચ ૩ ની ટીમે સાયબર ક્રાઈમ બ્રાન્ચની મદદથી કેસની તપાસ શરૂ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચ ૩ ના ચીફ સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર શાહુરાજ રાણાવરેની ટીમે ટેકનિકલ તપાસ હાથ ધરીનેવિરાર-વેસ્ટમાં આવેલાં ગ્લોબલ સિટીમાં રહેતાં આરોપી ચંદન ઠાકુરની ધરપકડ કરી હતી.
બદનક્ષીના આઠ કેસ, અગાઉ 7 ગુનામાં સંડોવણી
આ વિશે માહિતી આપતા આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (ક્રાઈમ) મિલિંદ બલ્લાલે જણાવ્યું કે, આરોપી ચંદન ઠાકુર રીઢો ગુનેગાર છે. અગાઉ તેની સામે ખંડણી સહિતના ૭ ગંભીર ગુના નોંધાયેલા છે. અધિકારીઓને બદનામ કરવાના આરોપમાં તેની વિરુદ્ધ બોલિંજ, ભાયંદર, મીરા રોડ, તુલિંજ અને નવઘર પોલીસ મથકમાં ૮ કેસ નોંધાયેલા છે. મીરા-ભાયંદરના ભુતપૂર્વ ડેપ્યુટી કમિશનર રવિ પવાર, ડેપ્યુટી કમિશનર મારુતિ ગાયકવાડની પણ બદનામી થઈ હતી. કમિશનર સંજય કાટકરને પણ અશ્લીલ કનટેન્ટ ધરાવતો ઈ-મેલ મોકલવામાં આવ્યો હતો. પોલીસે આ કેસમાં અન્ય સાથીદાર હોવાની શક્યતા પણ વ્યક્ત કરી છે.
પોલીસ પહોંચી તો પ્રતિકાર કર્યો
આરોપી સોશિયલ મીડિયા પર બદનક્ષી કરતો હોવા છતાં પકડાઈ ન જાય તેની તકેદારી રાખતો હતો. સાયબર અને ક્રાઈમ બ્રાન્ચ ૩ની ટીમે ટેકનિકલ તપાસ કરીને તેનો સિમકાર્ડ નંબર મેળવ્યો હતો. તેના પરથી જાણવા મળ્યું કે તેણે ફૂડ ડિલિવરી એપ પરથી ફૂડ ઓર્ડર કર્યો હતો. ત્યારબાદ પોલીસે ફૂડ ડિલિવરી ે કંપનીનો સંપર્ક કરીને તેનું સરનામું મેળવ્યું હતું. પરંતુ, જ્યારે પોલીસ તેને પકડવા ગઈ ત્યારે તેણે ૪ કલાક સુધી દરવાજો ન ખોલ્યો અને પોલીસનો પ્રતિકાર કર્યો હતો.એમ ક્રાઈમ બ્રાન્ચ ૩ના આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર સુહાસ કાંબલેએ જણાવ્યું હતું.
એક હત્યામાં પણ સંડોવણી
વર્ષ ૨૦૧૧માં ચંદન સિંહ ઠાકુરે ભાયંદર-ઈસ્ટના કસ્તુરી પાર્ક વિસ્તારમાં મામૂલી વિવાદને કારણે એક વ્યક્તિની હત્યા કરી હતી. આ કેસમાં ચંદનસિંહ ઠાકુર જેલમાંથી બહાર આવ્યા બાદ બોગસ પત્રકાર તરીકે સક્રિય બન્યો હતો. તેની સામે ૧૫થી વધુ ગુના નોંધાયેલા છે.