મમતા કુલકર્ણીનું રાજીનામું ના મંજૂર, ફરી મહામંડલેશ્વર બનાવવામાં આવી
અભિનેત્રી મમતા કુલકર્ણી ફરી કિન્નર અખાડાની મહામંડલેશ્વર બની
હું ત્રિપાઠીજીની આભારી છું કે તેમણે મને ફરી પાછી મહામંડલેશ્વર પદ પર બેસાડી છેઃ મમતા કુલકર્ણી
મુંબઈ - મમતા કુલકર્ણીએ તાજેતરમાં પ્રયાગરાજમાં મહાકુંભમાં સંગમ તટે પિંડદાન કરી કિન્નર અખાડાની મહામંડલેશ્વર બની નવું નામ યમાઇ મમતાનંદ ગીરી ધારણ કર્યું હતું. પણ તેના મહામંડલેશ્વર બનવા સામે વિરોધ થતાં મમતાએ એક વિડિયો જારી કરી પોતે મહામંડલેશ્વર પદેથી રાજીનામું આપ્યું હોવાની જાહેરાત કરી હતી. પરંતુ મમતાનું મહામંડલેશ્વર પદેથી રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી અને તેને ફરી મહામંડલેશ્વર બનાવવામાં આવી છે.
સાધ્વી તરીકે મહાકુંભમાં સામેલ થયેલી મમતા કુલકર્ણીએ તાજેતરમાં ભગવા કપડાં પહેરી મહામંડલેશ્લર પદવી ધારણ કરી હતી. જો કે વિવાદ થયા બાદ એક વિડિયો જારી કરી મમતાએ મહામંડલેશ્વર પદેથી રાજીનામું આપ્યું હોવાની જાહેરાત કરી હતી. પણ હવે મમતા કુલકર્ણીએ એક નવો વિડિયો જારી કરી જણાવ્યું છે કે બે દિવસ અગાઉ મારા પટ્ટાગુરૃ ડો. શ્રી આચાર્ય લક્ષ્મીનારાયણ ત્રિપાઠી પર કેટલાક લોકોએ ખોટાં આરોપો મુકતાં મેં ભાવનાઓમાં વહી જઇને મહામંડલેશ્વરપદેથી રાજીનામું આપી દીધું હતું. પણ તેમણે મારા એ રાજીનામાંને નામંજૂર કર્યું છે. હું તેમની આભારી છું કે તેમણે મને ફરી પાછી આ પદ પર બેસાડી છે. હું હવે મારું જીવન કિન્નર અખાડા અને સનાતન ધર્મને સમર્પિત કરીશ. મમતા કુલકર્ણી ગયા શુક્રવારે સવારે મહાકુંભમાં કિન્નર અખાડામાં પહોંચી કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીને મળી તેમના આશિર્વાદ મેળવ્યા હતા. બંને વચ્ચે મહામંડલેશ્વર બનાવવા બાબતે એક કલાક સુધી ચર્ચા થઇ એ પછી કિન્નર અખાડાએ મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરની પદવી આપવાની જાહેરાત કરી હતી. પણ એ પછી મોટો વિવાદ થવાને પગલે મમતાએ મહામંડલેશ્વરપદેથી રાજીનામું આપી દીધું હતું.
બાબા રામદેવથી માંડી અખાડાના ઘણાં સંતોએ મમતાને મહામંડલેશ્વર બનાવવા સામે વિરોધ વ્યકત કર્યો હતો. મમતા માટે એમ કહેવામાં આવ્યું હતું કે જે લોકો ગઇકાલ સુધી સાંસારિક સુખોમાં લિપ્ત હતા તે અચાનક એક જ દિવસમાં સંત બની ગયા છે અને તેમને મહામંડલેશ્વર જેવી ઉપાધિ પણ મળી ગઇ છે.
મમતાએ જણાવ્યું હતું કે તેણે કિન્નર અખાડાની પસંદગી એટલા માટે કરી છે કે અહીં કોઇ બંદગી નથી. તે સ્વતંત્ર અખાડો છે. જીવનમાં તમને બધું જોઇએ. મનોરંજન પણ જોઇએ. દરેક ચીજની જરૃર પડે. પણ ધ્યાન એવી ચીજ છે જે નસીબથી જ મળે. સિદ્ધાર્થેે ઘણું બધું જોયું એ પછી તેમનામાં પરિવર્તન આવ્યું હતું અને તે ગૌતમ બુદ્ધ બન્યા હતા. મમતાનો દાવો છે કે તેણે ૧૯૯૬થી જ અધ્યાત્મ અપનાવી લીધું છે અને બાર વર્ષથી તે સાધ્વી જીવન જીવી રહી છે.