મલાઇકાના પિતાનું માથામાં ગંભીર ઈજાથી મોતઃ ઓટોપ્સી અહેવાલ
મલાઈકા સહિતના પરિવારજનોના નિવેદન લેવાયાં
માથા ઉપરાંત હાથ , પગ સહિતના ભાગમાં પણ ગંભીર ઈજાઓના નિશાન મળ્યાં
મુંબઇ : બોલીવુડ અભિનેત્રી મોડલ મલાઇકા અરોરાના પિતા અનિલ મહેતાને માથાના ભાગે ગંભીર ઇજા હોવાથી મોત થયાનું પોસ્ટ મોર્ટમમાં જણાયું છે એમ પોલીસે આજે કહ્યું હતુંમહેતાએ ગઈકાલે બાન્દ્રા વિસ્તારના તેમના રહેણાંક બિલ્ડીંગના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દીધો હતો. પાલિકા સંચાલિત હોસ્પિટલમાં ગઇકાલે સાંજે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમના પ્રાથમિક અહેવાલ મુજબ મહેતાનું માથા, પગ, હાથમાં ઘણી ઇજાઓથી મૃત્યુ થયું હતું.
પોલીસ મહેતાની પત્ની, પુત્રી મલાઇકા, અમૃતા, અન્ય પરિવારજનો, સંબંધી, સાક્ષીઓના નિવેદન નોંધી આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવાનો પ્રયત્ન કરી રહી છે.
આજે અનિલ મહેતાની અંતિમ વિધિ યોજાઈ હતી. તેમાં મલાઈકા અને અમૃતા , તેમની માતા, મલાઈકનો એક્સ હસબન્ડ અરબાઝ, અરબાઝની હાલની પત્ની શૂરા, મલાઈકા અને અરબાઝનો પુત્ર અરહાન ઉપરાંત કરિશ્મા કપૂર, કરીના કપૂર, અર્શદ વારસી, સૈફ અલી ખાન સહિતના બોલીવૂડ સેલિબ્રિટીઓ હાજર રહ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ મહેતાએ જીવન ટુંકાવતા પહેલા બંને પુત્રીને ફોન કર્યો હતો. પોતે બહુ થાકી ગયા છે અને બીમારીથી કંટાળયા હોવાનું ફોન પર કહ્યું હતું. આ ફોન બાદ ઘરના લોકોએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મહેતાએ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. પોલીસ હવે મહેતાના ડોક્ટરનું પણ નિવેદન નોંધવાની છે. મૃતક પાસેથી સ્યુસાઇડ નોટ મળી નહોતી.
તેઓ બીમારીના લીધે હતાશામાં હોવાની ચર્ચા થઇ રહી છે. બાંદરા (પશ્ચિમ)માં પોશ અલમેડિયા પાર્ક ખાતે આયેશા મનોર બિલ્ડીંગના છઠ્ઠા માળે મહેતા તેની પત્ની જૉયસ પોલીકાર્ય સાથે રહેતા હતા. બંનેના છુટાછેડા થઇ ગયા હતા. પરંતુ થોડા સમયથી બંને સાથે જ રહે છે.
ગઇકાલે સવારે નવ વાગ્યાની આસપાસ તેમણે બાલ્કનીમાંથી નીચે કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.