Get The App

મલાડના એકમે શોપિંગ સેન્ટરમાં ભીષણ આગઃ17થી વધુને બચાવાયા

Updated: Dec 28th, 2023


Google NewsGoogle News
મલાડના  એકમે શોપિંગ સેન્ટરમાં ભીષણ આગઃ17થી વધુને બચાવાયા 1 - image


પહેલા માળે એસીમાં આગ બાદ વધુ દુકાનો જવાળાઓમાં ભરખાઈ

રાતે મોડે સુધી બચાવ કામગીરી ચાલી, સીડીઓ ગોઠવી લોકોને નીચે ઉતારાયાઃ  માર્ગ બંધ કરાતાં બેસ્ટની બસો સહિત વાહનો ડાયવર્ટ

મુંબઇ: મુંબઇના મલાડ (વે)માં આવેલ ત્રણ માળના એકમે શોપિંગ  સેન્ટરમાં આજે સાંજે ૬.૫૦ વાગ્યે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડના ચારથી પાંચ એન્જિન ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગમાં ફસાયેલા ૧૭ વ્યક્તિને બચાવી લીધા હતા. જો કે લેવલ-વનની આ આગમાં કોઇ જાનહાનિ થઇ નહોતી.

આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર મલાડ (વે.)ના જૈન મંદિર રોડ પર આવેલ એકમે શોપિંગ સેન્ટરમાં સાત વાગ્યાની આસપાસ આગફાટી  નીકળી હોવાની જાણ ફાયર બ્રિગેડને થતા જ ફાયરબ્રિગેડના ચારથી પાંચ એન્જિન ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો સાથે જ અહીં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન  હાથ ધર્યું હતું. શોપિંગ સેન્ટરના પહેલા માળે એસીમાં આગ લાગ્યા બાદ તે વધુ ફેલાઇ અને આસપાસની બેથી ત્રણ દુકાનના ઇલેક્ટ્રિક ઇન્સ્ટોલેશન, વાયરિંગ, ફર્નિચર અને અન્ય સામગ્રી  આગમાં ખાખ થઇ ગઈ હતી. 

આગને લીધે સમગ્ર શોપિંગ સેન્ટરમાં કાળો ધુમાડો ફેલાઇ ગયો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ માસ્ક અને શ્વસન ઉપકરણ પહેરી અહીં ફસાયેલા ૧૭ લોકોને દાદરા પરથી સુખરૂપ બહાર કાઢયા હતા. આ ઘટનાને નજરે જોનાર લોકોના જણાવ્યા મુજબ ઉપરના માળે વધુ ૧૦થી ૧૨ જેટલા લોકો ફસાયા હોવાની આશંકાથી રેસ્ક્યુ ઓપરેશન મોડે સુધી ચાલુ રહ્યું હતું.

આ ઘટનાને લીધે ચાલી રહેલ ફાયર ફાઇટીંગની કાર્યવાહીને લીધે બેસ્ટે એસ.વી. રોડ પરથી પસાર થતી અમૂક બેસ્ટ બસના  રૂટમાં બદલાવ કર્યો હતો. ફાયરબ્રિગેડ સાથે જ પોલીસ અદાણી ઇલેક્ટ્રિસિટીના કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જરૂરી મદદ પુરી પાડી હતી. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નહોતી. 


Google NewsGoogle News