માથાડી કામદારોના 36 કરોડની ઉચાપતમાં 5 વર્ષ બાદ મલાડના વેપારીની ધરપકડ
અમુક પૈસા પોતાના ખાતામાં રાખ્યા, મેનેજરને સોનું ખરીદી આપ્યું
ભાવેશ શાહે માથાડી કામગાર યુનિયનની બે ફિક્સ ડિપોઝીટમાંથી 36 કરોડની ઉચાપતમાં બેંક મેનેજરને કથિત મદદ કરી હતી
મુંબઈ : મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યુ)એ માથાડી કામગાર યુનિયનની બે ફિક્સ ડિપોઝીટ ખાતામાંથી ૩૬ કરોડ રૃપિયાની રકમ ઉપાડવામાં એક રાષ્ટ્રીયકૃત બેંકના મેનેજરને કથિત રીતે મદદ કરવા બદલ મલાડના એક વેપારી ભાવેશ શાહની ધરપકડ કરી છે. આ કેસ ૨૦૧૯માં નોંધવામાં આવ્યો હતો. જો કે શાહની ધરપકડ પાંચ વર્ષની તપાસ બાદ કરવામાં આવી હતી.
આ સંદર્ભે વધુ વિગતાનુસાર આયર્ન એન્ડ સ્ટીલ કામગાર કલ્યાણ મંડળના ચેરમેન બલરાજ દેશમુખે આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. દેશમુખ માથાડી કામદારોના યુનિયનના નેતા છે. દેશમુખે પોલીસ ફરિયાદમાં આરોપ કર્યો હતો કે તેમના યુનિયનનો ભાયખલાની એક રાષ્ટ્રીયકૃત બેંકના મેનેજર નિખિલ રોય દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. રોયે તેમને ફિકસ્ડ ડિપોઝીટ પર ઉંચા વ્યાજ દરનું વચન આપ્યું હતું.
આ બાબતે વધુ વિગત આપતા આર્થિક ગુના શાખાના એક અધિકારીએ જણાવ્યું હતું કે રોયે સંપર્ક કર્યા બાદ માથાડી કામગારોના યુનિયને વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯માં કુલ ૪૫ કરોડની બે અલગ-અલગ એફડી કરી હતી. યુનિયનના પદાધિકારીઓ ત્યારબાદ બેન્કની અવારનવાર મુલાકાત લેતા અને એફડી બાબત જાણકારી મેળવતા ત્યારે તેમને બેંક તરફથી જાણકારી મેળવતા ત્યારે તેમને બેંક તરફથી સતત ખાતરી આપવામાં આવતી કે બધુ રાબેતા મુજબ ચાલે છે.
જો કે ત્યાર બાદ બ્રાન્ચ મેનેજર ૧૪ નવા ખોલાયેલા બેન્ક ખાતાઓની મદદથી કથિત રીતે યુનિયનના એફડીના ૩૬ કરોડ રૃપિયા વિવિધ ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા અને બાદમાં ઉપાડી લીધા હતા. આ કેસમાં રોય સહિત કુલ ૧૧ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને હવે મલાડના રહેવાસી શાહની ધરપકડ કરવામાં આવી હોવાનું અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું. શાહ એન્ટ્રી આપવાનો વ્યવસાય કરે છે અને તેણે માત્ર રોયને વિવિધ બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરવામાં મદદ જ કરી નહોતી પણ બુલિયન માર્કેટમાંથી પાંચ કરોડ રૃપિયાની કિંમતનું નવ કિલો સોનુ ખરીદીને રોયને આપ્યું હતું. આ ઉપરાંત અધિકારીએ જણાવ્યું હતું કે અમને જાણવા મળ્યું હતું કે શાહે ૨.૫ કરોડ રૃપિયા પણ તેના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.