મહાદેવ બેટિંગ એપ કેસના મુખ્ય આરોપીની મુંબઇ એરપોર્ટ પર ધરપકડ

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
મહાદેવ બેટિંગ એપ કેસના મુખ્ય આરોપીની મુંબઇ એરપોર્ટ પર ધરપકડ 1 - image


શંકાસ્પદ 90 ખાતામાં રૃા. 2 હજાર કરોડના વ્યવહાર કરાયા

મૃગાંક મિશ્રા  સામે લુક આઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો હતોઃ દુબઈથી આવ્યો અને ઝડપાઈ ગયો

મુંબઇ :  મહાદેવ સટ્ટાબાજી એપ કેસના મુખ્ય આરોપી મૃગાંક મિશ્રાની મુંબઇ છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઝડપી લેવામાં આવ્યો હતો. દુબઇથી આવેલા મિશ્રાને પકડીને વધુ તપાસ માટે રાજસ્થાન પોલીસે તાબામાં સોંપવામાં આવ્યો હતો.

અગાઉ તેની સામે લુક આઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો હતો. આરોપીએ શંકાસ્પદ ૯૦ બેંક એકાઉન્ટમાં બે હજાર કરોડની લેવડ દેવડ કરી હોવાનું કહેવાય છે.

બીજી તરફ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ને પણ મિશ્રાની ધરપકડની જાણ કરવામાં આવી હતી. મહાદેવ બેટિંગ એપના મુખ્ય આરોપી એક મિશ્રા મૂળ મધ્યપ્રદેશના રતલામનો રહેવાસી છે. તે ઘણા મહિનાઓથી ગલ્ફ સિટીમાં છુપાયેલો હતો. મિશ્રાએ કથિત રીતે મહાદેવ એપના પ્રમોટર્સને સટ્ટાબાજીમાંથી મળેલી રકમને ડાયવર્ટ કરવા માટે શંકાસ્પદ બેંક ખાતા ખોલવામાં મદદ કરી હતી.

આ બેંક ખાતાએ સામાન્ય લોકોના નામે ખોલાવ્યા હતા. લોકોને વચન આપ્યું હતું કે તેમને સરકારી યોજનાઓમાંથી પૈસા મળશે. રાજસ્થાનના પ્રતાપગઢ પોલીસ સ્ટેશનમાં તેની સામે કરોડો રૃપિયાની છેતરપિંડી કરવા બદલ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. રાજસ્થાન પોલીસે આ મામલે તેની વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર (એલઓસી) જારી કરવામાં આવ્યો હતો. જેના આધારે દુબઇથી મુંબઇ એરપોર્ટ પર આવેલા મિશ્રાને અટકાવવામાં આવ્યો હતો. એરપોર્ટ પરના સિક્યુરિટી એજન્સીએ તેને સહાર પોલીસને સોંપી દીધો હતો. રાજસ્થાનથી પ્રતાપગઢ પોલીસની એક ટીમ રવિવારે મુંબઇ આવી હતી. તેમણે મિશ્રાની કસ્ટડી લીધી હતી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અગાઉ કહ્યું હતું કે મહાદેવ ઓનલાઇન બુક એપનો ઉપયોગ નવા યુઝર્સની નોંધણી કરવા આઇડી બનાવવા અને બેનામી બેંક ખાતા દ્વારા નાણાની ગેરરિતી કરવા માટે કરાતો હતો. સટ્ટાબાજીની આવકને ખાતામાંથી બહાર કાઢવા માટે મોટા પાયે હવાલા કામગીરી કરવામાં આવી હતી. એપલિકેશનની માલિકી ધરાવતી કંપની દુબઇથી રેકેટ ચલાવતી હતી. 

ઇડીપણ મિશ્રાનની શોધ કરી રહી હતી. તેની ધરપકડની માહિતી રાજસ્થાન પોલીસે ઇડીને આપી છે. આ કેસમાં આરોપી ૨૧ ઓક્ટોબર સુધી રાજસ્થાન પોલીસની કસ્ટડીમાં છે. જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા બાદ ઇડી મિશ્રાને કસ્ટડીમાં લેશે એવી શક્યતા છે.  આ એપના સંબંધમાં ઇડીએ કોલકાતા, ભોપાલ, મુંબઇમાં ૩૯ સ્થળોએ દરોડા પાડયા હતા. આ પ્રકરણમાં અંદાજે ૪૧૭ કરોડની માલમત્તા જપ્ત કરવામાં આવી હતી. અગાઉ બોલીવૂડના જાણિતા અભિનેતા અને અભિનેત્રીની સંડોવણી જણાતા તેમને ઇડીએ પૂછપરછ માટે સમન્સ આપ્યા હતા.



Google NewsGoogle News