મહાયુતિ કે આઘાડી : મહારાષ્ટ્રના 9 કરોડથી વઘુ મતદારોનું આજે નિર્ણાયક મતદાન, 288 બેઠકો માટે 4140 ઉમેદવારો મેદાનમાં
Maharashtra Election 2024: મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે આજે એક જ તબક્કામાં મતદાન કરશે. કુલ 9.70 કરોડ મતદારો એક લાખથી વઘુ મતદાન મથકો પર તેમના મતાધિકારનો પ્રયોગ કરશે. રાજ્યમાં ભાજપ, અજિત પવારની એનસીપી તથા એકનાથ શિંદેની શિવસેનાની મહાયુતિ તથા બીજી તરફ કોંગ્રેસ, ઉદ્ધવઠાકરેની શિવસેના અને શરદ પવારની એનસીપીની મહાવિકાસ આઘાડી એમ બે મુખ્ય જોડાણો વચ્ચે જંગ છે. જોકે, ગયા પાંચ વર્ષમાં જે રીતે જોડાણો તૂટ્યાં અને નવાં ને નવાં જોડાણો રચાયાં તેથી હતપ્રભ થઈ ચૂકેલા મહારાષ્ટ્રના મતદાર માટે પોતાના જનપ્રતિનિધિ નક્કી કરવાની આકરી કસોટી છે.
વિધાનસભાની આગામી ચૂંટણીમાં કુલ 288 બેઠકો માટે કુલ 4140 ઉમેદવારો મેદાનમાં છે. તેમાં ભાજપના ઉમેદવારો 149 બેઠકો, શિવસેના (શિંદે જૂથોના 81 અને એનસીપી (અજિત પવાર)ના ઉમેદવારો 59 બેઠકો પર ઉભા છે. કોંગ્રેસના ઉમેદવારો 101 બેઠકો, શિવસેના (ઉદ્ધવ જૂથ)ના 95 અને એનસીપી (શરદ પવાર)ના ઉમેદવારો 86 બેઠકો પર લડી રહ્યા છે. બહુજન સમાજ પાર્ટી (બીએસપી)ના 237 ઉમેદવારો અને એઆઇએમઆઇએમના 17 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે.
2019 વિધાનસભાની ચૂંટણીની સરખામણીમાં ઉમેદવારોની સંખ્યામાં 28 ટકાનો વધારો થયો છે. 2019માં 3239 ઉમેદવારો હતા જે 2024માં વધીને 3239 થયા છે. 2086 અપક્ષ ઉમેદવારોએ પણ ચૂંટણી સ્પર્ધામાં ભાગ લીધો છે. મહાયુતિ અને એમવીએના બળવાખોરો 150થી વઘુ બેઠકો પર ઉભા રહ્યા છે. 2019માં નોંધાયેલા મતદારો 8,94,46,211 હતા જેમાં 69,23, 199 જેટલા નવા મતદારો ઉમેરાતા કુલ 9,63,69,410 મતદારો નોંધાયા છે.
પ્રથમ વાર મતદાન કરવા 20,93,206 યુવાનો છે જેમની વય 18-19ની વચ્ચેની છે. વિવિધ અક્ષમતા ધરાવતા 6,36,278 મતદારો અને સૈન્યદળોના 1,16,355 મતદારોનો પણ રાજ્યના મતદારોમાં સમાવેશ થયો છે. 2019ની વિધાનસભા ચૂંટણીમાં મતદાન મથકોની સંખ્યા 96,654 હતી જે 2024માં વધીને 1,00,186 થઇ છે. ચૂંટણી વ્યવસ્થામાં રાજ્ય સરકારના કુલ છ લાખ કર્મચારીઓ જોડાયા છે.