મહારાષ્ટ્રની લિફટ સેફ્ટી ગાઈડલાઈન્સ 7 વર્ષથી તુમારશાહીમાં અટવાઈ
અત્યારે 1958ના કાયદા પ્રમાણે જ લિફ્ટ સેફ્ટીનું ગાડું ગબડાવાય છે
મુંબઈ જેવાં હાઈરાઈઝનાં શહેરમાં લાખો લોકોની જિંદગીની સલામતીને લગતા મહત્વના કાયદા બાબતે સરકાર ઘોર તંદ્રામાં : અમલદારો ખો ખો રમે છે
મુંબઈ : મહારાષ્ટ્ર લિફ્ટ, એસ્કેલેટર્સ એન્ડ મુવિંગ વોક વેઝ એક્ટ, ૨૦૧૭માં ઘડાઈ ચૂક્યો છે પરંતુ તેને લગતા નિયમો અને પેટા નિયમોની રચના હજુ બાકી છે. રાજ્ય સરકારના કાયદો તથા ન્યાય વિભાગે આ કામગીરી કરવાની હોય છે. પરંતુ, મુંબઈ જેવાં હાઈરાઈઝ ઈમારતોનાં શહેરમાં જ્યાં લિફ્ટ વિના એક પણ ક્ષણ ચાલી શકે તેમ નથી ત્યાં લાખો લોકોની જિંદગીને લગતા આટલા મહત્વના કાયદા બાબતે એક પછી એક સરકાર સાવ બેદરકાર અને ઉદાસીન જ રહી છે.
મુંબઈમાં અવારનવાર નાની મોટી લિફ્ટ દુર્ઘટના થયા કરે છે. મોટાભાગે એકાદ દિવસ તેની ચર્ચા બાદ ભૂલાઈ જાય છે. લાખો મુંબઈગરાઓ જૂની ઈમારતોમાં વર્ષો પહેલાં ઈન્સ્ટોલ થયેલી લિફ્ટસ વાપરે છે. લિફ્ટ સેફ્ટી અને ઈન્સ્પેક્શનને લગતા કાયદા છે પરંતુ તેની નિભાવણી માટે તંત્ર જ નથી. કોઈ દુર્ઘટના સર્જાય ત્યારે સત્તાવાળા સંબંધિત સોસાયટી પર દોષનો ટોપલો ઢોળીને છૂટી જાય છે.
કોઈપણ એક્ટ ઘડાય ત્યારે તે એક બૃહદ સંકલ્પના જ હોય છે. તે પછી તેના નીતિનિયમો ઘડવાના હોય છે. તેમાં અનેક નાની મોટી બાબતો, નિયમો, અપવાદો, જુદી જુદી જોગવાઈઓ, વ્યાખ્યાઓ વગેરેનો વિસ્તૃત ઉલ્લેખ હોય છે. આવા નીતિ નિયમ ન ઘડાય ત્યાં સુધી સંબંધિત એક્ટ માત્ર હાડપિંજર જેવો જ બની રહે છે જેનો અમલ કરી શકાતો નથી.
મહારાષ્ટ્રમાં લિફ્ટ સલામતી બાબતે નવો કાયદો ૨૦૧૭માં રચાઈ ગયો તે પછી જુદાં જુદાં સરકારી ખાતાં નીતિ નિયમો બાબતે ખો ખો જ રમ્યા કરે છે. આ નિયમો ઘડવાનું કાયમ કાયદો અને ન્યાય મંત્રાલયનું છે. કાયદો અને ન્યાય મંત્રાલય ચીફ ઈલેક્ટ્રિકલ ઈન્સપેક્ટર ફોર લિફ્ટસને કોઈ પ્રશ્ન પૂછાવે છે પરંતું પછી તેનો લાંબા સમય સુધી જવાબ આવતો જ નથી. અધિકારીઓ એકબીજાને ફાઈલો પાસ કરતા રહે છે અને એકબીજા પર વિલંબના દોષનો ટોપલો ઓઢાડતા રહે છે.
વાસ્તવમાં રાજકીય નેતાગીરીએ અધિકારીઓની તુમારશાહી પર બ્રેક લગાવી ઝડપી કામ કઢાવવાનું હોય છે. પરંતુ, રાજ્યમાં પહેલાં કોવિડને કારણે વહીવટીતંત્ર ખોરવાઈ ગયુ ંહતું અને તે પછી છેલ્લા કેટલાક સમયથી રાજકીય પરિસ્થિતિ પ્રવાહી બની ગઈ હોવાથી નેતાઓનો અમલદારો પર કોઈ કાબૂ જ રહ્યો નથી. નેતાઓને પણ સત્તા મેળવવા તથા જાળવવા સિવાયના કોઈ કામ માટે એક પણ ક્ષણની ફુરસદ નથી. તેમાં આટલો મહત્વનો કાયદો અટવાઈ પડયો છે.
લિફ્ટ નિષ્ણાતો કબૂલે છે કે હાલના લિફ્ટ સેફ્ટીના કાયદા ૧૯૫૮માં ઘડાયા છે. ત્યારની લિફ્ટસ અને આજની લિફ્ટસમાં જમીન આસમાનનો ફરક છે. ત્યારે બહુ ઓછી ઈમારતોમાં લિફ્ટ હતી. આજે એક એક ઈમારતમાં એકથી વધુ લિફ્ટ છે. ઠેર ઠેર એસ્કેલેટર્સ છે. અત્યારના લિફ્ટસ અને એસ્કેલેટર્સ માં અદ્યતન ટેકનોલોજી હોય છે આથી તેના મેઈનટેનન્સ તથા સેફ્ટી બાબતોની સમીક્ષા પણ વધારે જટિલ બની છે.
મોટાભાગે હાઉસિંગ સોસાયટીઓ લિફ્ટનાં મેઈનટેનન્સ તથા સર્વિસિંગનું કામ વાર્ષિક કોન્ટ્રાક્ટના આધારે આપતી હોય છે. પરંતુ, આવો કોન્ટ્રાક્ટ લેનારી એજન્સી પોતે યોગ્ય લાયકાત ધરાવતા ટેકનિશિયન્સ ધરાવે છે કે નહીં, તેમને પૂરતી તાલીમ મળી છે કે નહીં વગેરે બાબતો ચકાસવાની ફૂરસદ સોસાયટી પાસે હોતી નથી. કેટલીક વાર સોસાયટીઓ પૈસા બચાવવા માટે વારંવાર સર્વિસિંગના પૈસા ખર્ચવાને બદલે પોતાના હાઉસકિપિંગ સ્ટાફ પાસે ફક્ત ઓઈલીંગ કે ગ્રીસીંગ કરાવી તેને સર્વિસિંગમાં ખપાવી દે છે.
નવા કાયદામાં સોસાયટીમાં લિફ્ટની જાળવણીની સંપૂર્ણ જવાબદારી સેક્રેટરી તથા ચેરમેનના માથે નાખવામાં આવી છે. પરંતુ, એ કોઈ દુર્ઘટના થયા પછીની વાત છે. તેને બદલે દુર્ઘટના જ ન થાય તે માટે કેવાં પૂર્વનિવારક પગલાં લેવાં જોઈએ તેની નવા કાયદામાં વિસ્તૃત જોગવાઈ થઈ શકે તેમ છે.