મહારાષ્ટ્રની રાજનીતિના મોટા સમાચારઃ ઉદ્ધવ જૂથને રાહત, શિંદે જૂથની અરજી ફગાવી દેવાઈ
Shivsena MLA Disqualification Verdict : અંદાજિત 18 મહિના અગાઉ મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે સહિત 39 ધારાસભ્યોએ તત્કાલીન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરૂદ્ધ બળવો કર્યો હતો. ત્યારબાદ 57 વર્ષ જૂના પક્ષ શિવસેનાનું વિભાજન થઈ ગયું હતું અને મહા વિકાસ અઘાડી સરકાર પડી ભાંગી પડી. ત્યારબાદ એકનાથ શિંદે જૂથે ભાજપ સાથે ગઠબંધન કરીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવાઈ, જેમાં મુખ્યમંત્રી પદ એકનાથ શિંદેને સોંપાયું. આ ઘટના પછી બંને જૂથે (શિંદે-ઉદ્ધવ) એકબીજાના ધારાસભ્યોને અયોગ્ય ગણાવવાની માંગ કરતી અરજી દાખલ કરી હતી. આ અરજીઓ મુદ્દે આજે (બુધવાર) મહારાષ્ટ્ર વિધાનસભા સ્પીકર રાહુલ નાર્વેકરે ચુકાદો સંભળાવ્યો હતો.
સૌપ્રથમ મહારાષ્ટ્ર વિધાનસભા સ્પીકર રાહુલ નાર્વેકરે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના જૂથના ધારાસભ્યો વિરૂદ્ધ અયોગ્યતા મામલે ચુકાદો સંભળાવ્યો. તેમાં ઉદ્ધવ જૂથની અરજીને ફગાવી દેવાઈ અને શિંદે જૂથના ધારાસભ્યોને યોગ્ય ગણાવાયા. સ્પીકર રાહુલ નાર્વેકરે આ દરમિયાન કહ્યું કે, 'શિંદે જૂથ જ અસલી શિવસેના છે અને ઉદ્ધવ ઠાકરે પણ પક્ષના નિયમો પ્રમાણે જ પક્ષના નેતા બન્યા હતા.' ત્યારબાદ સ્પીકરે ઉદ્ધવ જૂથના ધારાસભ્યોને અયોગ્ય ગણાવવાની શિંદે જૂથની અરજીનો ચુકાદો પણ સંભળાવ્યો.
ઉદ્ધવ ઠાકરે જૂથને મળી મોટી રાહત
આ દિશામાં ઉદ્ધવ ઠાકરે જૂથ માટે રાહતના સમાચાર છે. શિંદે જૂથે ઉદ્ધવ જૂથના 14 ધારાસભ્યોને અયોગ્ય કરવાની માંગ કરી હતી, પરંતુ ઉદ્ધવ જૂથને રાહત આપતા સ્પીકર રાહુલ નાર્વેકરે શિંદે જૂથની માંગને પણ ફગાવી દીધી. એટલે શિંદે જૂથના 16 ધારાસભ્યની સાથે ઉદ્ધવ જૂથના 14 ધારાસભ્યને પણ યોગ્ય જ ગણાવાયા.
ચુકાદો સંભળાવતા સ્પીકર નાર્વેકરે શું કહ્યું?
સ્પીકર નાર્વેકરે કહ્યું હતું કે, 'એકનાથ શિંદેને હટાવવાની સત્તા ઉદ્ધવ ઠાકરે પાસે ન હતી. શિવસેનાના વડા પાસે પક્ષના કોઈ પણ નેતાને હટાવવાનો અધિકાર નથી. શિંદેને ધારાસભ્ય દળના નેતા પદેથી હટાવવાનો સ્વીકાર ન કરી શકાય. એ નિર્ણય બહુમતીથી લેવો જોઈતો હતો. શિંદે જૂથના ધારાસભ્યોને અયોગ્ય ના ગણાવી શકાય. બીજી તરફ, ચૂંટણી પંચના રેકોર્ડમાં શિંદે જૂથ જ અસલી પક્ષ છે. હું ચૂંટણી પંચના નિર્ણયની બહાર ન જઈ શકું. મેં ચૂંટણી પંચના નિર્ણયને પોતાના ધ્યાનમાં રાખ્યો છે.'
મહત્ત્વનું છે કે, ઉદ્ધવ જૂથે ચૂંટણી પંચના નિર્ણયને પડકાર્યો હતો. આ અંગે વધુ સ્પષ્ટતા કરતા નાર્વેકરે કહ્યું હતું કે 'ચુકાદા પહેલા ત્રણ બાબત સમજવી જરૂરી છે. પહેલું એ કે પક્ષનું બંધારણ શું કહે છે. બીજું નેતૃત્વ કોની પાસે હતું અને ત્રીજું વિધાનસભામાં બહુમતી કોની પાસે હતી. રાષ્ટ્રીય કાર્યકારિણીનો નિર્ણય જ સર્વમાન્ય હોય છે. રાષ્ટ્રીય કાર્યકારિણી સૌથી મોટી સંસ્થા છે. ઉદ્ધવ જૂથની દલીલમાં તર્ક નથી. એકનાથ શિંદેને હોદ્દા પરથી હટાવી ન શકાય. શિવસેના અધ્યક્ષ પાસે એવી સત્તા નથી.'
નોંધીનીય છે કે, હજુ બંને જૂથ અસલી શિવસેના હોવાનો દાવો કરી રહ્યા છે.'