Get The App

રમખાણોના કેસોમાં મહારાષ્ટ્ર ટોચ પર, ગુનાખોરીમાં યુપી પછી 2જા ક્રમે

Updated: Dec 6th, 2023


Google NewsGoogle News
રમખાણોના કેસોમાં મહારાષ્ટ્ર ટોચ પર, ગુનાખોરીમાં યુપી પછી 2જા ક્રમે 1 - image


એનસીઆરબીના ડેટામાં રાજ્યમાં ગંભીર ગુનાના કેસમાં વધારો

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના ચોંકાવનારા આંકડાઃ હત્યામાં રાજ્યનો ક્રમ 3જો અને બળાત્કારમાં 4થો

મુંબઇ :  નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી)એ તાજેતરમાં ૨૦૨૨માં સમગ્ર દેશમાં નોંધાયેલ ગુનાઓના ડેટા 'ક્રાઇમ ઇન ઇન્ડિયા ૨૦૨૨' જાહેર કર્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવતા આ ડેટા મુજબ ૨૦૨૨માં રમખાણોના કેસોમાં મહારાષ્ટ્ર દેશમાં ૮૨૮૮ કેસ સાથે ટોચ પર રહ્યું હતું જ્યારે ગુનાખોરીમાં સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ (યુ.પી.) પછી બીજા ક્રમે આવ્યું હતું. આ અહેવાલ મુજબ ફોજદારી (આઇપીસી) કેસોમાં નોંધણીમાં યુ.પી. પછી મહારાષ્ટ્રનો નંબર આવે છે. 

ડેટા દર્શાવે છે કે ૨૦૨૨માં યુ.પી. અને બિહાર પછી રાજ્યમાં હત્યાના (૨,૨૯૫) સૌથી વધુ કેસ નોંધાયા છે. આ સિવાય વધુ  ચોકાવનારી વાત એ છે કે બળાત્કારના કેસોમાં પણ મહારાષ્ટ્ર પાછળ નથી. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને યુ.પી. બાદ ચોથા ક્રમે સૌથી વધુ બળાત્કારના કેસ (૨૯૦૪) મહારાષ્ટ્રમાં નોંધાયા છે.

રિપોર્ટ મુજબ, મહારાષ્ટ્રમાં ૨૦૨૨માં કુલ ૩,૭૪,૦૩૮ ફોજદારી કેસો (આઇપીસી કલમો હેઠળ) નોંધાયા હતા. જ્યારે ૨૦૨૧માં આ આંકડો ૩,૬૭,૨૧૮ અને ૨૦૨૦માં ૩,૯૪,૦૧૭ હતો. દેશમાં ૨૦૨૨માં સૌથી વધુ ૪,૦૧,૭૮૭ ફોજદારી કેસોની નોંધ યુ.પી.માં થઇ હતી. ગયા વર્ષે મહારાષ્ટ્રમાં રમખાણોના કેસોમાં નોંધપાત્ર વધારો થયો હતો. પરિણામે આ શ્રેણીમાં રાજ્યએ ટોચનું સ્થાન લીધું હતું. આ કેસો આઇપીસીની કલમ ૧૪૭ થી ૧૫૧ (હુલ્લડો અને ગેરકાયદે એકઠા થવા સંબંધિત) હેઠળ નોંધવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રમાં રમખાણના કુલ ૮,૨૧૮ કેસ નોંધાયા હતા જેમાં ૯,૫૫૮ લોકો ભોગ બન્યા હતા.

આ રમખાણોમાંથી ૨૮ કેસો સાંપ્રદાયિક અને ધાર્મિક મુદ્દાઓ, ૭૫ કેસ રાજકીય મુદ્દાઓ, ૨૫ અન્ય જ્ઞાાતિ-સંબંધિત સંઘર્ષો સાથે જોડાયેલા હતા. હુલ્લડના ૪,૪૭૮ કેસો સામે બિહાર બીજા ક્રમે છે જ્યારે યુપી ૪,૪૭૮ કેસો સાથે ત્રીજા ક્રમે રહ્યું હતું.

રિપોર્ટમાં જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાં ૨૦૨૨માં હત્યાના ૨,૨૯૫ કેસ નોંધાયા હતા. આ યાદીમાં ઉત્તર પ્રદેશ (હત્યાના ૩૪૯૧ કેસ) અને બિહાર (હત્યાના ૨૯૨૦ કેસ) પછી ત્રીજા નંબરે રહ્યું હતું. બળાત્કારના કેસોમાં પણ રાજ્ય બહુ પાછળ નથી.  બળાત્કારના મામલામાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ પછી મહારાષ્ટ્ર ચોથા ક્રમે છે, રાજ્યમાં ૨૦૨૨માં બળાત્કારની ૨૯૭૪ ઘટનાઓ નોંધવામાં આવી હતી,  જ્યારે ૫૩૯૯ કેસ સાથે બળાત્કારના  રાજસ્થાન નંબર વન પર રહ્યું હતું. આ યાદીમાં યુ.પી. ૩,૬૯૦ કેસ સાથે બીજા ક્રમે જ્યારે મધ્ય પ્રદેશ ૩૦૨૯ કેસ સાથે ત્રીજા ક્રમે રહ્યું હતું.

વર્ષ ૨૦૨૨માં આઇપીસીની કલમ ૩૫૪ હેઠળ વિનયભંગના અને તે સંબંધિત ૫,૨૦૯ કેસો નોંધાયા હતા. જ્યારે કલમ ૩૫૪ (એ) હેઠળ જાતીય સતામણીના ૨૯૪૬ કેસ નોંધાયા હતા. આમાંથી ૪૬ જેટલા કેસો ઓફિસમાં જાતીય સતામણીના હતા.


Google NewsGoogle News