મહારાષ્ટ્રમાં 5 વર્ષમાં દીપડાના હુમલામાં મોતની સંખ્યા બમણી થઈ
વાઘ પછી દીપડો જીવલેણ એટેકમાં બીજાં સ્થાને
મહારાષ્ટ્રના વાઘ અભ્યારણોમાં દીપડા વધ્યા, નવા વિસ્તારોમાં પણ પગપેસારો
મુંબઈ : વનવિભાગના આંકડાથી જાણવા મળ્યું છે કે, મહારાષ્ટ્રમાં માનવ વન્યજીવ સંઘર્ષમાં ક્રમશઃ વાઘ અને દીપડાંના હુમલામાં માણસોના સૌથી વધુ મોત થયાં છે. છેલ્લાં પાંચ વર્ષમાં માર્ચ ર૦ર૪ સુધીમાં દીપડાંના હુમલાથી થયેલાં માનવ મોતમાં બમણો વધારો થયો છે. જેની સંખ્યા ૯૯ નોંધાઈ છે. રાજ્યમાં માનવ વસાહતોની નજીકના જંગલમાં દીપડાંઓની સંખ્યા વધારે હતી. ૯૦ના દાયકાના અંતથી પશ્ચિમ મહારાષ્ટ્રમાં માનવ- દીપડાવચ્ચેનો સંઘર્ષ વધી ગયો છે.
નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા ર૦ર૧માં પ્રકાશિત કરાયેલ અહેવાલ ભારતમાં ચિત્તા, સહ-શિકારી અને મેગાહર્બીવોરસની સ્થિતિ-ર૦૧૮માં ભારતના ટાઈગર રેન્જ લેન્ડસ્કેપમા દીપડાની વસ્તી ૧ર,૮૫ર હોવાનો અંદાજ હતો. ૫,૯૦૬ ચિત્તા મધ્ય ભારતના ૯૧,૪ર૭ કિમી લાંબા વનવિસ્તારમાં ફેલાયેલાં છે. જેમાં રાજસ્થાનનો અર્ધ-શુષ્ક વિસ્તાર અને ડેક્કન પ્લેટ (મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિસા) ના વિસ્તાર સમાવિષ્ટ છે.
મહારાષ્ટ્ર રાજ્યને બે લેન્ડસ્કેપમાં વિભાજીત ન કરવા પડે તે માટે ઉત્તર પશ્ચિમ ઘાટની સહ્યાદ્રી ટેકરીઓને મધ્ય ભારતમાં સમાવિષ્ટ કરાઈ છે. મહારાષ્ટ્રની અંદાજિત દીપડાંની વસ્તી પ્રમાણભૂત ભૂત સાથે ૧૬૯૦ તરીકે દર્શાવાઈ છે.
મહારાષ્ટ્રમાં દીપડાંઓની આબાદીને ત્રણ વિસ્તારમાં વિભાજીત કરી શકાય છે . વિદર્ભ જેમાં મોટા ભાગના વાઘ અભયારણ્ય એટલે કે બોર, તાડોબા-અંધારી, નવેગાંવ-નાગજીરા, પેંચ અને મેળઘાટની સાથે સાથે પેણગંગા, ટિપેશ્વર, ઉમરેડ, કરહલના, ચંદ્રપુર, સેન્ટ્રલ ચાંદા, વર્ધા, યવતમાળ અને ગઢચિરોલી જેવા અભયારણ્ય અને પ્રાદેશિક વિસ્તારના મોટા વન-વિસ્તાર સમાવિષ્ટ છે. નવેગાંવ-નાગઝીરા, મેળઘાટ અને તાડોબા-અંધારી ટાઈગર રિઝર્વમાં દીપડાંઓની ઉચ્ચ ગીચતા નોંધાઈ હતી. દીપડાંઓ જુન્નર, અહમદનગર, માલેગાંવ અને નાસિકના વનવિભાગોમાં જોવા મળ્યાં હતાં.
વનવિભાગે નોંધ્યું હતું કે રાજ્યમાં દીપડાંઓની સંખ્યા માત્ર વધી જ નથી રહી તો તેઓ નવા વિસ્તારોમાં પોતાનો વસવાટ પણ જમાવી રહ્યાં છે. ડેટા મુજબ, ર૦ર૪માં માર્ચ સુધીમાં રાજ્યમાં દીપડાંના હુમલામાં ૧૫ જણના મોત થયાં છે. આંકડાનુસાર, માર્ચ ૨૦૧૯થી માર્ચ ૨૦૨૪ દરમ્યાન વન્યપ્રાણીઓને કારણે ૩૯૧ માનવમૃત્યુ થયાં છે. જ્યારે વાઘના હુમલાથી ૨૩૯ મોત થયાં છે તો, અન્ય પ્રાણીઓમાં રીંછ (૧૨), હાથી (૯), ગૌર (૮), બિસન (૨), નીલગાય (૨), મગર (૧), વરુ (૨), જંગલી ડુક્કર (૮) અને એક અનિશ્ચિત મૃત્યુનો સમાવેશ છે.
રાજ્યના પ્રધાન મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ)ના જણાવ્યાનુસાર, વન વિભાગ એ માનવ-પશુ વચ્ચેનો સંઘર્ષ ઘટાડવા પ્રયાસ કરી રહ્યું છે. પણ પશુઓની વધતી સંખ્યા એ માનવ-પશુ વચ્ચેનો સંઘર્ષ ટાળવા પડકારરૃપ બને છે. ર૦૧૮માં વાઘની સંખ્યા ૩૧૨ હતી જે વધીને ર૦રરમાં ૪૪૪ સુધી વધી ગઈ છે. જ્યારે આ જ સમયગાળામાં રાજ્યમા દીપડાની સંખ્યા ૧૬૭૦થી વધીને ૧૯૯૫ થઈ ગઈ છે.