મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડીએ 85-85ની કરી બેઠક વહેંચણી, ઉદ્ધવ જૂથે 65 ઉમેદવારો કર્યા જાહેર
Maharashtra Elaction : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે થયેલી બેઠક વહેંચણી અંગે મહા વિકાસ અઘાડીએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી. જે અનુસાર, મહારાષ્ટ્રમાં ઉદ્ધવ જૂથ, પવાર જૂથ અને કોંગ્રેસ વચ્ચે 85-85 બેઠકની વહેંચણી કરાઈ છે. જ્યારે બાકીની બેઠકો અન્ય સાથી પક્ષો માટે રહેશે. જણાવી દઈએ કે, મહા વિકાસ અઘાડીમાં બેઠક વહેંચણીને લઈને લાંબા સમયથી ડખો ચાલી રહ્યો હતો. પરંતુ હવે તેના પર સહમતિ સધાઈ છે.
'અમે મહા વિકાસ અઘાડી તરીકે ચૂંટણી લડીશું'
મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું હતું કે, "અમે નક્કી કર્યું છે કે કોંગ્રેસ, એનસીપી (શરદ પવાર જૂથ) અને શિવસેના (UTB) દરેક 85 બેઠકો પર ચૂંટણી લડશે. જ્યારે બાકીની 18 બેઠકો પર અમે સમાજવાદી પાર્ટી સહિતના અમારા સાથી પક્ષો સાથે વાતચીત કરીશું અને આવતીકાલ સુધીમાં તેને મંજૂરી મળી જશે. અમે મહા વિકાસ આઘાડી તરીકે ચૂંટણી લડી રહ્યા છીએ અને અમે સરકાર બનાવીશું."
શિવસેના (UTB)એ 65 ઉમેદવારોના નામ કર્યા જાહેર
બીજી તરફ, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે શિવસેના (UBT)એ પહેલી યાદી જાહેર કરી છે. જેમાં 65 ઉમેદવારોના નામનું એલાન કરાયું છે. જેમાં પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરે વર્લી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. જ્યારે મુખ્યમંત્રી એકનાથ શિંદે સામે કોપરી પાચપાખાડીથી કેદાર દિઘેને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ સિવાય પાર્ટીએ ભિવંડી ગ્રામ્ય બેઠકથી મહાદેવ ઘાટલને ટિકિટ આપી છે. અંબરનાથથી રાજેશ વાનખેડેને ઉમેદવાર બનાવ્યા છે.