ઉદ્ધવ જૂથને મોટો ઝટકો, એકનાથ શિંદેના પક્ષમાં આવ્યો ચુકાદો, સ્પીકરે જાણો શું-શું કહ્યું
Shivsena MLA Disqualification Verdict : મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે જૂથના ધારાસભ્યો વિરૂદ્ધ અયોગ્યતા મામલે ચુકાદો આવી ચૂક્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર ચુકાદો સંભળાવ્યો હતો, જેમાં ઉદ્ધવ જૂથને ઝટકો લાગ્યો છે અને એકનાથ શિંદે જૂથને રાહત મળી છે. આ મામલે ચુકાદો સંભળાવતા મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે કહ્યું હતું કે, 'એકનાથ શિંદેને હટાવવાની સત્તા ઉદ્ધવ ઠાકરે પાસે ન હતી. શિવસેનાના વડા પાસે પક્ષના કોઈ પણ નેતાને હટાવવાનો અધિકાર નથી. શિંદેને ધારાસભ્ય દળના નેતા પદેથી હટાવવાનો સ્વીકાર ન કરી શકાય. એ નિર્ણય બહુમતીથી લેવો જોઈતો હતો. શિંદે જૂથના ધારાસભ્યોને અયોગ્ય ના ગણાવી શકાય.' આમ કહી તેમણે ઉદ્ધવ ઠાકરે જૂથની અરજી ફગાવી દીધી હતી.
આ દરમિયાન સ્પીકર નાર્વેકરે પક્ષના બંધારણનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, 'આપણે 1999ના બંધારણને ધ્યાનમાં રાખવું પડશે કારણ કે 2018નું બંધારણ ચૂંટણી પંચ પહેલા ન હતું. સ્પીકરે સુપ્રીમ કોર્ટ દ્વારા બતાવાયેલા સોગંદનામા પર વિચાર કર્યો અને પક્ષોએ આપેલા તર્ક પર ભરોસો કર્યો. ચૂંટણી પંચે પહેલા બંધારણ પર વિચાર કરવો પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું અને એટલા માટે તેની માંગ કરાઈ હતી. ચૂંટણી પંચના રેકોર્ડમાં શિંદે જૂથ જ અસલી પક્ષ છે. મેં ચૂંટણી પંચના નિર્ણયને પોતાના ધ્યાનમાં રાખ્યો છે. 2018નું બંધારણમાં સંશોધન રેકોર્ડમાં નથી. ઉદ્ધવ જૂથે ચૂંટણી પંચના નિર્ણયને પડકાર્યો હતો. હું ચૂંટણી પંચના નિર્ણયની બહાર ન જઈ શકું. 2018 બાદ શિવસેનામાં ચૂંટણી નથી થઈ.’
આ અંગે વધુ સ્પષ્ટતા કરતા નાર્વેકરે કહ્યું હતું કે ‘ચુકાદા પહેલા ત્રણ બાબત સમજવી જરૂરી છે. પહેલું એ કે પક્ષનું બંધારણ શું કહે છે. બીજું નેતૃત્વ કોની પાસે હતું અને ત્રીજું વિધાનસભામાં બહુમતી કોની પાસે હતી. રાષ્ટ્રીય કાર્યકારિણીનો નિર્ણય જ સર્વમાન્ય હોય છે. રાષ્ટ્રીય કાર્યકારિણી સૌથી મોટી સંસ્થા છે. ઉદ્ધવ જૂથની દલીલમાં તર્ક નથી. એકનાથ શિંદેને હોદ્દા પરથી હટાવી ન શકાય. શિવસેના અધ્યક્ષ પાસે એવી સત્તા નથી.’ જો કે બંને જૂથ અસલી શિવસેના હોવાનો દાવો કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આશરે 18 મહિના પહેલા એકનાથ શિંદે સહિત 39 ધારાસભ્યે તત્કાલીન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરૂદ્ધ બળવો કર્યો હતો. બાદમાં 57 વર્ષ જૂના પક્ષ શિવસેનાનું વિભાજન થઈ ગયું હતું અને મહા વિકાસ અઘાડી સરકાર પડી ભાંગી હતી. આ ઘટના બાદ બંને જૂથોએ એકબીજાના ધારાસભ્યોને અયોગ્ય ગણાવવાની માંગ કરતી અરજી દાખલ કરી હતી.