મહારાષ્ટ્ર દેશની સૌપ્રથમ એઆઈ યુનિ. સ્થાપવા સજ્જ
રાજ્યના આઈટી મંત્રી શેલારની ઘોષણા
'વિકસિત ભારત 2047' અને પાંચ ટ્રિલિયન ઈકોનોમી માટે આ યુનિ.પાયાનો પથ્થર બનશે
મુંબઈ- તકનીકી અને શૈક્ષણિક પ્રગતિમાં નોંધપાત્ર છલાંગ લગાવતાં અગ્રણી પગલાં રુપે મહારાષ્ટ્ર દેશની પ્રથમ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ (એઆઈ) યુનિવર્સિટીની સ્થાપના કરવા તૈયાર છે. વર્લ્ડ એજ્યુકેશન ડેના અવસરે મહારાષ્ટ્રના ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી આશિષ શેલારે આ ઘોષણા કરી હતી.
સૂચિત એઆઈ યુનિવર્સિટી ભારતના 'વિકસિત ભારત ૨૦૪૭' મિશન અને પાંચ ટ્રિલિયન અર્થતંત્રને વિકસાવવાની મહત્વકાંક્ષાને પ્રાપ્ત કરવા પાયાના પથ્થરની ભૂમિકા ભજવશે. મંત્રી આશિષ શેલારે આ પહેલને ઐતિહાસિક ગણાવી હતી. જે દેશના શૈક્ષણિક અને ટેક્નોલોજીકલ લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવવાની સંભાવના વ્યક્ત કરે છે.
આ યુનિવર્સિટી એ માત્ર એક શૈક્ષણિક સંસ્થા નહીં પરંતુ અદ્યતન સંશોધન અને કૌશલ્ય વિકાસ માટેનું કેન્દ્ર બનશે. તે ભારતીય યુવાનોને ઝડપથી વિકસતી એઆઈ સંચાલિત વૈશ્વિક અર્થવ્યવસ્થામાં નેતૃત્વ કરવા સશક્ત બનાવશે. મંત્રી ચંદ્રકાંત પાટીલના નેતૃત્વ હેઠળ ઉચ્ચ અને તંત્રશિક્ષણ મંત્રાલયના સહયોગથી આ પ્રોજેક્ટને અમલમાં મુકાશે. આ પહેલનો સરકારના ચૂંટણી ઢંઢેરામાં પણ ઉલ્લેખ હતો અને એઆઈ, બ્લોકચેઈન, ક્વૉન્ટમ કમ્પ્યુટિંગ, સાયબર સુરક્ષા અને ડિજીટલ ઈનોવેશન દ્વારા પ્રભુત્વ ધરાવતા ઉદ્યોગો માટે કાર્યબળ તૈયાર કરવાનું આ એક સાહસિક પગલું છે, જે ટેક્નિકલ ક્રાંતિનો વિકાસ કરશે, એવું પણ શેલારે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું.