શરદ પવારના એક નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ, સંજય રાઉતે કહ્યું- સ્પષ્ટ કરો કયા પક્ષની વાત કરો છો

Updated: May 9th, 2024


Google NewsGoogle News
શરદ પવારના એક નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ, સંજય રાઉતે કહ્યું- સ્પષ્ટ કરો કયા પક્ષની વાત કરો છો 1 - image


Image Source: Twitter

NCP Merger with Congress: મહારાષ્ટ્રમાં શરદ પવારના એક નિવેદનની ખૂબ ચર્ચા થઈ રહી છે. રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂકેલા દિગ્ગજ નેતા પવારે કોંગ્રેસ અને ક્ષેત્રીય પાર્ટીઓના ભવિષ્ય અંગે મોટી વાત કહી દીધી છે. પવારે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, વૈચારિક રીતે અમે ગાંધી અને નેહરુના અનુયાયી છીએ. કોંગ્રેસ અને અમારી વચ્ચે કોઈ અંતર નથી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ ચંદ્ર પવારે દાવો કર્યો કે, આગામી સમયમાં ઘણા ક્ષેત્રીય પક્ષોનો કોંગ્રેસમાં વિલય થઈ શકે છે. ત્યારબાદ ચર્ચા શરૂ થઈ છે કે, પવારની પાર્ટીનો કોંગ્રેસમાં વિલય થશે. એટલું જ નહીં પવારના આ સંકેત પર રાજ્યમાં રાજકીય નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસમાં ઘણાં વર્ષો વીતાવ્યા બાદ તેમણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરી હતી પરંતુ હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં બે જૂથ બની ગયા છે. શરદ પવારે દાવો કર્યો કે લોકસભા ચૂંટણી પછી ક્ષેત્રીય પક્ષોનો કોંગ્રેસમાં વિલય થઈ શકે છે. હવે દિગ્ગજ નેતાના આ નિવેદનથી રાજકારણમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે, અચાનક લોકસભા ચૂંટણી વચ્ચે પવારને વિલયનો વિચાર કેમ આવ્યો. 

ઉદ્ધવ ઠાકરેની સ્પષ્ટતા

શિવસેના (UBT)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ તાત્કાલિક આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. ઠાકરેએ કહ્યું કે, પોતાની પાર્ટી નાની નથી. તેમના સહયોગી સંજય રાઉતે કહ્યું કે, ‘કોઈ બીજી પાર્ટીમાં વિલય કરવાનો સવાલ જ નથી. ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર બંનેની પાર્ટી તૂટીને બે ભાગમાં વહેંચાઈ ગઈ છે અને હવે તેઓ એક જૂથનું જ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. પવારે સ્પષ્ટતા કરવી જોઈએ કે, શું તેઓ પોતાના પક્ષની વાત કરી રહ્યા છે?’ 

ફડણવીસનો કટાક્ષ, પાર્ટી સંભાળવું મુશ્કેલ

તક મળતા જ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કટાક્ષ કર્યો છે. ફડણવીસે કહ્યું કે, ક્ષેત્રીય પાર્ટીઓનું કોંગ્રેસમાં સંભવિત વિલય પર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સ્થાપક શરદ પવારની ટિપ્પણી દર્શાવે છે કે તેમના માટે પોતાની પાર્ટીને સંભાળવી મુશ્કેલ બની ગયું છે. મહારાષ્ટ્રમાં સત્તારુઢ મહાયુતિના અન્ય એક નેતાએ કહ્યું કે તેનાથી સ્પષ્ટ થાય છે કે પવારનું ગૃહ ક્ષેત્ર બારામતીમાં તેમના પગ નીચેથી જમીન સરકી રહી છે અને તેમની સામે એકમાત્ર વિકલ્પ તેમની પાર્ટીનો કોંગ્રેસમાં વિલય કરવાનો છે. 

બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું છે. શિંદેએ કહ્યું કે, તેઓ (ઉદ્ધવ) પહેલાથી જ કોંગ્રેસ જેવા વિચારો ધરાવતા થઈ ગયા છે. પુણેની ચૂંટણી રેલીમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે શિંદે અને ફડણવીસ એવી રીતે બોલી રહ્યા છે જાણે ભાંગ પી ગયા હોય. તેમણે કહ્યું, 'પવારે એક સવાલના જવાબમાં કહ્યું કે, કેટલાક નાના ક્ષેત્રીય પક્ષોનો કોંગ્રેસમાં વિલય થઈ શકે છે. કૃપા કરીને મને જણાવો કે, શું શિવસેના નાની પાર્ટી છે?

કોંગ્રેસ તરફથી વેલકમ ટાઈપ મેસેજ આવ્યો છે. પક્ષના નેતા પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું કે તેઓ ભવિષ્યમાં સૌથી મોટી જૂની પાર્ટી સાથે ક્ષેત્રીય પક્ષોના સંભવિત વિલય અથવા નજીકના જોડાણ અંગે શરદ પવારની ટિપ્પણી સાથે સંમત છે.

નિરુપમે આપ્યો નવો એંગલ

કોંગ્રેસના પૂર્વ નેતા સંજય નિરુપમે પવાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે પવારે અગાઉ પણ આવો પ્રયાસ કર્યો હતો પરંતુ કોંગ્રેસે તેમની દીકરીને લઈને તેમની શરત નહોતી સ્વીકારી. હવે તેને લાગે છે કે બારામતી બેઠક જઈ રહી છે, તેથી તેઓ પોતાની દીકરી માટે નવો દાવ રમી રહ્યા છે. 


Google NewsGoogle News