Get The App

ભાજપ નેતા સના ખાનની લાશ શોધવા મહારાષ્ટ્ર પોલીસ એમપીમાં

Updated: Aug 29th, 2023


Google News
Google News
ભાજપ નેતા સના ખાનની લાશ શોધવા મહારાષ્ટ્ર પોલીસ એમપીમાં 1 - image


હિરણ અને નર્મદા નદીની આસપાસ શોધખોળ

નાગપુર પોલીસે એમપી સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની મદદ લીધીઃ મૃતદેહ ફેકવા ઉપયોગમાં લેવાયેલી બેગ જ મળી છે

મુંબઈ :  નાગપુર પોલીસની બે ટીમોએ મધ્ય પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની મહિલા કાર્યકર સના ખાનની લાશ શોધી કાઢવાના પ્રયાસો હાથ ધર્યા છે. સના ખાન આ મહિનાના શરૃઆતમાં ગુમ થઈ ગઈ હતી. એમ માનવામાં આવે છે કે તેનાથી અલગ રહેતા પતિ અને તેના સાગરિતો દ્વારા સનાની હત્યા કરી નાંખવામાં આવી છે.

૩૪ વર્ષની સના ખાન  ભાજપની લઘુમતી સેલની સભ્ય હતી. ગઈ બીજી  ઓગસ્ટનો તેનો તેના વિમુખ પતિ અમિત સાડુ ઉર્ફે પપ્પુ સાથે ફોન પર ઝઘડો થયા બાદ તે એમ.પી.ના જબલપુરમાં તેનાથી વિખૂટા રહેતા પતિ અમિત શાહુન ઘરે ગઈ હતી. અહીં આવ્યા બાદ તે ગુમ થઈ ગઈ હતી. આ સંદર્ભે તેની ગુમ થયાની ફરિયાદ નોંધાયા બાદ શરૃ થયેલી તપાસમાં પોલીસને સાહુ અને તેના સાગરિતો પર શંકા ગઈ હતી કે તેમણે જ કથિત રીતે ખાનની હત્યા કર્યા બાદ મૃતદેહનો નિકાલ કરી દીધો છે.

અંતે આ લોકોની વધુ પૂછપરછમાં તેમણે જ ખાનની હત્યા કરી તેનો મૃતદેહ જળાશયમાં ફેંકી દીધો હોવાનું કબૂલ્યું હતું. ત્યારબાદ નાગપુર પોલીસની બે ટીમોએ હિરણ અને નર્મદા નદીની આસપાસ ૧૫૦ કિ.મી. વિસ્તારમાં મૃતદેહ શોધવા તપાસ આદરી છે. આ કાર્યમાં નાગપુર પોલીસે એમ.પી. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની પણ મદદ લીધી છે.

પોલીસે ખાનનો મૃતદેહ જે બેગમાં છૂપાવવામાં આવ્યો હતો તે બેગ પણ જપ્ત કરી છે. શુક્રવારે પોલીસે શોધ અભિયાન પડતું મૂક્યા બાદ આજે સોમવારથી ફરીથી આ અભિયાન શરૃ કર્યું હતું.

દરમિયાન જબલપુરથી ૩૦૦ કિ.મી. દૂર એક કૂવામાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે આ મૃતદેહ સના ખાનનો ન હોવાનું તેના સંબંધીઓએ સ્પષ્ટ કર્યું હતું. આ સંદર્ભે નાગોર પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં આ કેસના સંબંધમાં કુલ પાંચ જણની ધરપકડ કરવામાં આવી છે.


Tags :