Get The App

મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણીનો આજે ફેંસલો

Updated: Nov 23rd, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણીનો આજે ફેંસલો 1 - image


- મહારાષ્ટ્રમાં મહાનાટક પર પૂર્ણ વિરામ કે ફરી નવું નાટક રચાશે : ઝારખંડમાં કોનું જોર ચાલશે

- મહારાષ્ટ્રમાં સતત પાંચ વર્ષથી ચાલતી રાજકીય ઉથલપાથલ બાદ આજે સ્પષ્ટ જનાદેશ આવશે કે નહિ તેના પર સમગ્ર દેશની નજર

- હરિયાણા અને જમ્મુ-કાશ્મીર પછી એનડીએ અને ઈન્ડિયા ગઠબંધન વચ્ચેના જંગમાં વધુ એક નિર્ણાયક ઘડી

- પરિણામોની અસર શેરબજારથી માંડીને સંસદના શિયાળુ સત્ર સુધી વર્તાશે

મુંબઈ : મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી આવતીકાલે સવારના આઠ વાગ્યાથી હાથ ધરાશે. લોકસભા બાદ હરિયાણા અને જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાની ચૂંટણી પછી હવે આ બે રાજ્યો પર તમામની મીટ મંડાઈ છે . ખાસ કરીને મહારાષ્ટ્રમાં છેલ્લાં પાંચ વર્ષથી તડજોડ અને તોડફોડના રાજકારણ બાદ હવે સ્થિરતા આવશે કે રાજકીય ઉઠાપટકનો દોર હજુ પણ ચાલુ રહેશે તેના પર સૌની નજર છે. જ્યારે ઝારખંડમાં ભાજપને સત્તા આંચકવાના 

પ્રયાસમાં સફળતા મળે છે કે કેમ તે વિશે અટકળો છે. આ ચૂંટણી પરિણામો સાથે ઈન્ડિયા  ગઠબંધનની એકતા પણ દાવ પર લાગી છે. સાથે સાથે રાહુલ ગાંધીના વિપક્ષી નેતા તરીકેના નેતૃત્વની પણ કસોટી છે. આ  પરિણામોની અસર શેરબજારથી માંડીને સંસદના આગામી શિયાળુ સત્ર સુધી લંબાય તેવી શક્યતા છે. 

મહારાષ્ટ્રમાં મતદાન ત્રણ દાયકામાં સૌથી વધુ ૬૬.૦૫ ટકા મતદાન રહ્યું છે. ભાજપની આગેવાની હેઠળની શાસક મહાયુતિ અને વિપક્ષી મહાવિકાસ આઘાડી બંને મતદાનની આ વધેલી ટકાવારીને પોતાના માટે સકારાત્મક નિશાની ગણાવે છે. બંને વચ્ચે તીવ્ર સંઘર્ષ હોવા છતાં મોટાભાગના એક્ઝિટ પોલમાં મહાયુતિને નજીવી સરસાઈ મળતી હોવાની આગાહી થઈ છે. આ એક્ઝિટ પોલ સાચા પડે છે કે નહીં તેના પર સૌની નજર છે. 

આ ચૂંટણીમાં ભાજપ, એકનાથ શિંદેની શિવસેના તથા અજિત પવારની એનસીપીએ લાડકી બહિન યોજના જેવી લ્હાણી પર મહત્તમ મદાર બાંધ્યો છે. જોકે, તેમને મરાઠા અનામત આંદોલનના પડકારનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ભાજપે સમગ્ર ચૂંટણી ચર્ચાને એક દિશામા વાળવા માટે બટેંગે તો કટેંગે અને એક હૈ તો સેફ હૈના ચૂંટણી નારા આપ્યા હતા. જોકે, મહાયુતિના જ એક સાથી પક્ષ અજિત પવારની એનસીપીએ આ નારાનો વિરોધ કર્યો હતો. 

મહારાષ્ટ્રમાં એક તરફ ભાજપ, એકનાથ  શિંદેની શિવસેના તથા અજિત પવારની એનસીપીની મહાયુતિ તો બીજી તરફ કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના તથા શરદ પવારની એનસીપી ની મહાવિકાસ આઘાડી એમ સામસામી છાવણીઓ મંડાઈ છે. આ બંને છાવણીઓ પરિણામ પછી અકબંધ રહે છે કે પછી તેમાં પણ ફરી તોડફોડ અને રાજકીય પુનઃ જોડાણો રચાય છે તે વિશે અટકળો થઈ રહ છે. 

મહારાષ્ટ્રમાં ગઈ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને શિવસેના એક યુતિ બનાવીને લડયાં હતા જ્યારે તેમનો મુકાબલો કોંગ્રેસ તથા એનસીપીની યુતિ સામે થયો હતો. પરંતુ, હવે રાજ્યમાં બે શિવસેના અને બે એનસીપી છે અને બંનની એક એક પાંખ સામસામી છાવણીમાંવહેંચાઈ ચૂકી હોવાથી મુકાબલો રસપ્રદ બન્યો છે. 

ઝારખંડમા ૬૮.૪૫ ટકા મતદાન  બાદ પરિણામો અંગે અટકળો ચલાવાઈ રહી છે.  મુખ્ય મંત્રી હેમંત સોરેનના વડપણ હેઠળ જેએમએમની આગેવાની હેઠળનું ગઠબંધન એનડીએ સામે ગુમાવેલી બાજી જાળવી રાખવાનો પ્રયાસ કરશે. જો કે એક્ઝિટ પોલમાં પરિવર્તનની સંભાવના વ્યક્ત કરાઈ છે જેમાં ભાજપની આગેવાની હેઠળનું ગઠબંધન શાસક પક્ષને હટાવી શકે છે.


Google NewsGoogle News