મહારાષ્ટ્રનું જેઉર આગની ભઠ્ઠી બન્યું! 42.5 ડિગ્રી ગરમી સાથે લોકો ત્રાહીમામ પોકારી ગયા

Updated: Mar 31st, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રનું જેઉર આગની ભઠ્ઠી બન્યું! 42.5 ડિગ્રી ગરમી સાથે લોકો ત્રાહીમામ પોકારી ગયા 1 - image


મુંબઇ: મહારાષ્ટ્ર છેલ્લા ચાર દિવસથી ગરમીની ઉકળતી ભઠ્ઠીમાં રીતસર શેકાઇ રહ્યું છે. આજે મધ્ય મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાનું જેઉર ૪૨.૫ ડિગ્રી સેલ્સિયસ સાથે આખા  ભારતનું સૌથી હોટ સ્થળ નોંધાયું  હતું. 

હવામાન વિભાગે  એવી માહિતી આપી હતી કે આજે  મહારાષ્ટ્રનાં ૧૦ શહેરમાં મહત્તમ તાપમાન ૪૦.૦ થી ૪૨.૦ ડિગ્રી  જેટલું ઉનું ઉનું રહ્યું હતું. સાથોસાથ રાજ્યનાં આઠ શહેરમાં  વાર્મ નાઇટ(રાતનું વાતાવરણ ગરમ રહેવું) ની પણ શક્યતા છે.

બીજીબાજુ મુંબઇના વાતાવરણમાં ગરમી અને ઉકળાટ ઓછાં હોવાથી મુંબઇગરાંને ઘણી રાહત છે. 

હવામાન વિભાગે એવી માહિતી  આપી હતી કે  આજે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૧.૦ અને લઘુત્તમ તાપમાન ૨૩.૮ ડિગ્રી, જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૨.૭ અને લઘુત્તમ તાપમાન ૨૪.૧ ડિગ્રી નોંધાયું હતું.આજે કોલાબામાં ભેજનું પ્રમાણ ૮૫ -૬૮ ટકા, જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ ૮૧ -૬૨ ટકા નોંધાયું હતું. 

આવતા ૪૮ કલાક દરમિયાન મુંબઇનું ગગન આછેરું વાદળિયું રહેશે.મહત્તમ તાપમાન ૩૩.૦થી ૩૪.૦ ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન ૨૪.૦થી ૨૩.૦ ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગ(મુંબઇ કેન્દ્ર) ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સુનીલ કાંબળેએ  ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે હાલ મુંબઇ પર ઉત્તર -વાયવ્ય દિશાના ઠંડા પવનો ફૂંકાઇ રહ્યા છે. પરિણામે  વાતાવરણમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ ઓછું રહે છે. જોકે હાલ તામિલનાડુથી કર્ણાટક -- વિદર્ભ થઇને છત્તીસગઢ સુધીના આકાશમાં ૦.૯ કિલોમીટરના અંતરે હવાના હળવા દબાણનો પટ્ટો સર્જાયો છે. સાથોસાથ આ જ અંતરે બે વિરુદ્ધ દિશાના પવનોની જબરી ટક્કર પણ થઇ રહી છે. 

આવાં કુદરતી પરિબળોની તીવ્ર અસરથી આવતા બે દિવસ(૩૧,માર્ચ-૧,એપ્રિલ) દરમિયાન મહારાષ્ટ્રનાં સોલાપુર,બીડ,નાંદેડ,લાતુર, ધારાશિવ,ચંદ્રપુર, નાગપુર, વર્ધામાં વાર્મ નાઇટની ચિંતાજનક પરિસ્થિતિ સર્જાવાની શક્યતા છે.સાથોસાથ આવતા બે દિવસ દરમિયાન રાજ્યનાં અકોલા, અમરાવતી, યવતમાળમાં હીટ વેવ(ગરમીનું મોજું)ની પણ ચેતવણી આપવામાં આવી છે.

આજે મહારાષ્ટ્રનાં સોલાપુરમાં ગરમીના પારો ૪૧.૬ ડિગ્રી, બ્રહ્મપુરી -૪૧.૦,પરભણી-૪૦.૮,અકોલા -૪૦.૭, યવતમાળ -૪૦.૫, નાંદેડ -૪૦.૪, બીડ -૪૦.૩, ધારાશિવ-૪૦.૩ ડિગ્રી સેલ્સિયસ જેટલો ઉંચો નોંધાયો હતો.



Google NewsGoogle News