મહારાષ્ટ્રમાં ઉદ્ધવના સહારે I.N.D.I.A.ને સત્તાની આશા, CMનો ચહેરો બનાવવાના આ છે કારણો
Maharashtra Politics: I.N.D.I.A. ગઠબંધને મહારાષ્ટ્રના રાજકારણમાં પોતાનો પહેલો દાવ ખેલ્યો છે. વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ, શિવસેના (UBT) અને NCP (શરદ) એ મુખ્યમંત્રીના ચહેરા અને સીટ વહેંચણીની ફોર્મ્યુલા નક્કી કરી લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે I.N.D.I.A. ગઠબંધન તરફથી મુખ્યમંત્રીનો ચહેરો હશે. જો કે હજુ સુધી ત્રણેય પક્ષો દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. તાજેતરની લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો પર લડવા છતાં, ઉદ્ધવ ઠાકરેની શિવસેના I.N.D.I.A. ગઠબંધનમાં બીજા નંબર પર રહી હતી. એક સમયે શિવસેનાના ગઢ તરીકે ઓળખાતા કોંકણ અને થાણેમાં પાર્ટીનો સફાયો થઈ ગયો છે.
શિવસેના(UBT)ના આ પ્રદર્શન બાદ ઉદ્ધવના ચહેરાને લઈને સસ્પેન્સ હતું. એવું પણ કહેવામાં તો આવી રહ્યું હતું કે I.N.D.I.A. ગઠબંધન ચૂંટણી બેઠકોના આધારે મુખ્યમંત્રીનો ચહેરો નક્કી કરશે પરંતુ હવે ચૂંટણી પહેલા ત્રણેય પક્ષો દ્વારા જે પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા છે તેનાથી મહારાષ્ટ્રના રાજકારણમાં અનેક ચર્ચાઓ શરુ થઈ ગઈ છે.
કયા ફોર્મ્યુલા પર વધી રહ્યું I.N.D.I.A. ગઠબંધન?
બુધવારે નવી દિલ્હીમાં I.N.D.I.A. ગઠબંધનના સાથી પક્ષો કોંગ્રેસ, શિવસેના (ઉદ્ધવ) અને NCP(શરદ)ની મેરેથોન બેઠક થઈ હતી. પહેલા ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેએ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી.
ત્રણેય પાર્ટીની બેઠકથી જે વાત સામે આવી છે તે પ્રમાણે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે મહાવિકાસ અઘાડી તરફથી મુખ્યમંત્રીનો ચહેરો બની શકે છે. ઉદ્ધવ ઠાકરેના નામ પર શરદ પવાર અને રાહુલ ગાંધી સહમત છે.
સીટ વહેંચણીની તસવીર પણ લગભગ સ્પષ્ટ થઈ ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મહારાષ્ટ્રમાં સાંકેતિક રીતે કોંગ્રસ વધુ બેઠકો પર ચૂંટણી લડશે. શરદ પવારની પાર્ટી અને શિવસેના (UBT) સમાન બેઠકો પર લડી શકે છે. સીટ વહેંચણી હાઇકમાન્ડ સ્તર પર જ થશે.
ચૂંટણીમાં સંકલન માટે ત્રણેય પક્ષો પાસે સમાન વોર રૂમ હશે. કોંગ્રેસે સાંસદ શશિકાંત સેંથિલને મહારાષ્ટ્રમાં વોર રૂમના પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સરકાર બનાવવાની યોજના પર પણ ચર્ચા કરવામાં આવી છે. જો સરકાર બનશે તો કોંગ્રેસ અને શરદ પવારની NCPમાંથી એક-એકને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે.
બુધવારે મેરેથોન મીટિંગ બાદ ઉદ્ધવ ઠાકરેએ પત્રકારોના સવાલના જવાબમાં કહ્યું કે, જો મારા સાથીઓને લાગે છે કે મેં સારું કામ કર્યું છે તો તેમને પૂછો કે શું તેઓ મને મુખ્યમંત્રી તરીકે જોવા ઇચ્છે છે?
ઉદ્ધવ ઠાકરે જ CM ચહેરો કેમ?
1. સિમ્પથી વોટ મળશે
મહારાષ્ટ્રમાં 2019માં કોંગ્રેસ, શિવસેના (સંયુક્ત) અને NCP (સંયુક્ત) એ મળીને સરકારનું ગઠન કર્યું હતું. શિવસેનાના ઉદ્ધવ ઠાકરેને કોંગ્રેસ અને શરદ પવારે મળીને મુખ્યમંત્રીની ખુરશી સોંપી હતી. ઠાકરે પરિવારમાંથી ઉદ્ધવ પહેલા વ્યક્તિ હતા જેમણે કોઈ બંધારણીય પદ સંભાળ્યુ હતું.
ઉદ્ધવ લગભગ 3 વર્ષ સુધી રાજ્યના મુખ્યમંત્રી રહ્યા છે. 2022માં એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનામાં બળવો કરવામાં આવ્યો હતો અને ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દેવું પડ્યું હતું. ત્યારબાદ ઉદ્ધવ આ મામલાને ભાવનાત્કરૂપે મહારાષ્ટ્રમાં ઉઠાવી રહ્યા છે.
તાજેતરની લોકસભા ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીને તેનો ફાયદો પણ મળ્યો. લોકસભાની 48માંથી 29 બેઠકો પર મહાવિકાસ અઘાડીને જીત મળી હતી. આવી સ્થિતિમાં ગઠબંધનની પાર્ટી ઉદ્ધવના સહારે વિધાનસભા ચૂંટણીમાં પણ સિમ્પથી વોટ લેવા માંગે છે. ભારતની વ્યૂહનીતિ 2022 પહેલા રાજકીય સ્થિતિને પુનઃસ્થાપિત કરવાના નામે વોટ માંગવાની પણ છે. આ જ કારણ છે કે, ઉદ્ધવને સી. એમ. ચહેરા તરીકે આગળ કરવામાં આવી રહ્યા છે.
2. સર્વમાન્ય નેતા નથી
કોંગ્રેસ અને શરદ પવારની પાર્ટી પાસે સમગ્ર રાજ્ય સ્તરે ઉદ્ધવની ટક્કરનો સર્વમાન્ય નેતા નથી. કોંગ્રેસમાં જનાધાર ધરાવતાં ઘણા નેતાઓએ પાર્ટી છોડી દીધી છે. આમાં પૂર્વ સી. એમ. અશોક ચવ્હાણનું નામ પણ સામેલ છે. હાલમાં પાર્ટીની અંદર જે નેતાઓ છે તેઓ પોતપોતાના વિસ્તારમાં સીમિત છે.
શરદ પવારની પાર્ટીમાં પહેલા અજિત પવાર ચહેરો હતા પરંતુ બળવા પછી અજિત પણ અલગ રાહે છે. શરદ પવાર ઉંમરને કારણે રેસમાંથી બહાર છે. તેમની દીકરી સુપ્રિયા હાલમાં કેન્દ્રીય રાજકારણ કરી રહી છે. પાર્ટીમાં જયંત પાટીલ અને જિતેન્દ્ર આહ્વાડ જ મોટા ચહેરાના રૂપમાં હાજર છે, પરંતુ બન્નેનો કોઈ મોટો જનાધાર નથી.
કોંગ્રેસ અને NCP (શરદ) પાસે આખા મહારાષ્ટ્રમાં સર્વમાન્ય નેતા ન હોવાના કારણે પણ ઉદ્ધવને લીડ આપવામાં આવી છે.
3. ઉદ્ધવનું નેતૃત્વ સ્વીકાર
કોંગ્રેસ અને શરદ પવાર જૂથે મહારાષ્ટ્રમાં ઉદ્ધવના નેતૃત્વમાં કામ કર્યું છે. બન્ને પક્ષના દિગ્ગજ નેતાઓ ઉદ્ધવ સરકારમાં મંત્રી હતા. આવી સ્થિતિમાં ઉદ્ધવને ચહેરા તરીકે જાહેર કરવાથી નેતાઓમાં કોઈ અસહજતા નહીં આવશે. બીજી તરફ એકનાથ શિંદે મુખ્યમંત્રી છે અને I.N.D.I.A. ગઠબંધન સમગ્ર ચૂંટણીને એકનાથ vs ઉદ્ધવ બનાવવાની વ્યૂહનીતિ પર કામ કરી રહ્યું છે.
એકનાથનો પ્રભાવ માત્ર ઠાણે અને કોકણ વિસ્તારમાં જ છે. I.N.D.I.A. ગઠબંધન સમગ્ર ચૂંટણીને બન્ને નેતાઓનો મુકાબલો બતાવીને આખા મહારાષ્ટ્રમાં જીતવાની વ્યૂહનીતિ પર કામ કરી રહ્યું છે.
શું આ નિર્ણય મજબૂરીમાં લેવાયો?
ઉદ્ધવનું નેતૃત્વ સ્વીકારવા પાછળ મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં એક મજબૂરીની પણ ચર્ચા ચાલી રહી છે. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, ઉદ્ધવ ઠાકરેની પાર્ટી સી. એમ. ચહેરો જાહેર ન કરવા પર એકલા હાથે અથવા NDA સાથે પણ જઈને લડી શકી હોત.
તાજેતરમાં દેવેન્દ્ર ફડણવીસ સાથે ઉદ્ધવ અને તેમના પુત્ર આદિત્યની મુલાકાતની ચર્ચામાં હતી. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી 2019 પહેલા NDAમાં જ સામેલ હતી. મહારાષ્ટ્રમાં કુલ 288 વિધાનસભા બેઠકો છે અને સરકાર બનાવવા માટે કોઈપણ પક્ષ અથવા ગઠબંધનને ઓછામાં ઓછી 145 બેઠકો જીતવી જરૂરી છે.