Get The App

દેશમાં વિદ્યાર્થીઓના આપઘાતના સૌથી વધુ કિસ્સા મહારાષ્ટ્રમાં

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
દેશમાં વિદ્યાર્થીઓના આપઘાતના સૌથી વધુ કિસ્સા મહારાષ્ટ્રમાં 1 - image


કોણ કહે છે કે કોટામાં જ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે છે!

દેશભરની વિદ્યાર્થીઓની આત્મહત્યાની ઘટનાઓમાં એક-તૃતીયાંશ કિસ્સા મહારાષ્ટ્ર, તામિલનાડુ અને મધ્યપ્રદેશના; કોટા ફેમ રાજસ્થાન દસમા ક્રમે 

મુંબઇ :  નોન-પ્રોફિટ આઈસી૩ના નવા અહેવાલ મુજબ, ૨૦૨૧-૨૨ દરમ્યાન ૪.૨ ટકાના વધારા સાથે ભારતમાં વિદ્યાર્થીઓની આત્મહત્યામાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. વિદ્યાર્થીઓની આત્મહત્યાની વાત આવે એટલે સૌપ્રથમ કોટાનું નામ યાદ આવે પરંતુ રાજ્યવાર જોવા જઈએ તો મહારાષ્ટ્રમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના કિસ્સા સૌથી વધારે છે. 

અહેવાલ દર્શાવે છે કે, ૨૦૨૨માં ભારતમાં ૧૩,૦૪૪ વિદ્યાર્થીઓની આત્મહત્યા નોંધાઈ હતી. જેની સંખ્યા ૨૦૨૧માં ૧૩,૦૮૯ હતી. જોકે વિદ્યાર્થીઓ અને સામાન્ય વ્યક્તિની આત્મહત્યાના દરમાં કુલ ૪.૨ ટકાનો વધારો થયો છે. ૨૦૨૨માં મહારાષ્ટ્રમાં કુલ ૧,૭૬૪ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. જે વિદ્યાર્થી આત્મહત્યાના ૧૪ ટકા જેટલી સંખ્યા દર્શાવે છે. ત્યારબાદ તામિલનાડુમાં ૧૪૧૬, મધ્યપ્રદેશમાં ૧૩૪૦, ઉત્તરપ્રદેશમાં ૧૦૬૦ અને ઝારખંડમાં ૮૨૪ વિદ્યાર્થીઓની આત્મહત્યાની ઘટના નોંધાઈ છે.

જ્યારે ૨૦૨૧માં  રાજ્યમાં ૧૮૭૪, મધ્યપ્રદેશમાં ૧૩૦૮, તામિલનાડુમાં ૧૨૪૬, કર્ણાટકમાં ૮૫૫ અને ઓડિસામાં ૮૩૪ વિદ્યાર્થીઓની આત્મહત્યા નોંધાઈ હતી. મહારાષ્ટ્ર, તામિલનાડુ અને મધ્યપ્રદેશ એ આત્મહત્યાના ટોપ રાજ્યોમાં આવે છે. દેશભરની આત્મહત્યાની કુલ એક તૃતીયાંશ સંખ્યા આ રાજ્યોમાંથી જ મળે છે. જ્યારે રાજસ્થાન કે જે કોટા કોચિંગ સિટી માટે ખ્યાત છે, તે ૫૭૧ વિદ્યાર્થીઓની આત્મહત્યા સાથે ઉક્ત ક્રમમાં દસમા સ્થાને આવે છે.

આ દરમ્યાન આત્મહત્યાના પ્રમાણમાં લૈંગિક અસમાનતા પણ ચોંકાવનારી છે. છેલ્લાં એક દાયકામાં પુરુષ વિદ્યાર્થીઓની આત્મહત્યા ૫૦ ટકા વધી છે તો વિદ્યાર્થિનીઓની આત્મહત્યામાં ૬૧ ટકાનો વધારો થયો છે. ૨૦૨૨માં કુલ વિદ્યાર્થીઓની આત્મહત્યામાં ૫૩ ટકા પુરુષ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. ૨૦૨૧-૨૨ દરમ્યાન પુરુષ વિદ્યાર્થીઓની આત્મહત્યામાં ૬ ટકાનો ઘટાડો તો વિદ્યાર્થિનીઓની આત્મહત્યામાં ૭ ટકાનો વધારો થયો છે.



Google NewsGoogle News