મન્નત બંગલા માટે મહારાષ્ટ્ર સરાકર શાહરુખ ખાનને 9 કરોડ પરત કરશે
સરકાર પાસે શાહરુખની ત્રણ વર્ષ જૂની ઉઘરાણી
લીઝની જગ્યાનું માલિકીના ધોરણે રુપાંતર કરતી વખતે ફીની ગણતરી કરવામાં સરકારે ભૂલ કરી હતી
મુંબઇ - મહારાષ્ટ્ર સરકાર બોલીવૂડના સુપરસ્ટાર શાહરુખ ખાનને બાંદરા બસ સ્ટેન્ડ પર આવેલા તેના આલીશાન મન્નત બંગલા પેટે વધારાના વસૂલાયેલા નવ કરોડ રુપિયા પરત કરે તેવી સંભાવના છે. આ જગ્યાની લીઝમાંથી માલિકી હક્કમાં ટ્રાન્સફર કરતી વખતે સરકારી તંત્રએ ગણતરીમાં ભૂલ કરી હતી અને તેના કારણે શાહરુખે નવ કરોડ રુપિયા વધારે ચૂકવવા પડયા હતા. ત્રણ વર્ષ પહેલાં શાહરુખે આ વધારાની રકમનું વળતર માગ્યું હતું અને હવે રાજ્ય સરકાર તે માટે સંમત થઈ હોવાનું જામવા મળે છે.
બાંદરા બેન્ડ-સ્ટેન્ડ પર ૨,૪૪૬ ચોરસ મીટર જગ્યા પર 'મન્નત' બંગલો બંધાવેલો છે. શાહરૃખ ખાન અને તેની પત્ની ગૌરીખાનની સંયુક્ત માલિકીના આ બંગલાને કિંંગખાને ખરીદ્યો ત્યારે મુંબઇ સબર્બન ડિસ્ટ્રીક્ટ કલેકટર (એમએસડી) ને તે માટે વધારાની રકમ ચૂકવી હતી (એક્સેસ પેમેન્ટ) તે પાછી મેળવવા અભિનેતાએ અરજી કરી હતી. આ અરજી સ્વીકારીને રાજ્ય સરકાર નવ કરોડ શાહરૃખ ખાનને પરત કરે તેવી સંભાવના છે.
રાજ્ય સરકાર તરફથી લીઝમાં અપાયેલી જમીન ઉપર મૂળ માલિકે ભવ્ય બંગલો બાંધ્યો હતો. ઘણા વર્ષો બંગલામાં રહ્યાં પછી તેણે બંગલો શાહરૃખ ખાનને વેંચી દીધો હતો. શાહરૃખે તેને 'મન્નત' નામ આપ્યું હતું. બાંદરાના દરિયા કિનારે બાંદરા ફોર્ટની નજીકમાં આ બંગલો હવે એક જોવાલાયક સ્થળ બની ગયો છે. શાહરૃખ ખાનના સેંકડો ફેન રોજેરોજ સુપરસ્ટારની એક ઝલક મેળવવા માટે બંગલાની બાહર ભેગા થાય છે.
સૌથી પહેલાં આ જગ્યાની માલિકી (ટાઇટલ હોલ્ડર) રાજ્ય સરકાર પાસે હતી. સરકારે બંગલો બાંધવા માટે જગ્યા લીઝ પર આપી હતી. ત્યાર પછી આ બંગલો શાહરૃખ ખાનને વેંચવામાં આવ્યો હતો શાહરૃખ-ગૌરીખાનના નામે રજિસ્ટર્ડ એગ્રીમેન્ટ થયેલું છે. ત્યાર પછી લીઝની પ્રોપર્ટી (કલાસ-૨) સંપૂર્ણ રીતે માલિકીના ધોરણે મેળવવાને લગતી રાજ્ય સરકારની યોજનાનો લાભ લેવાનું ખાન યુગલે નક્કી કર્યું હતું. ૨૦૧૯માં રેડી રેકનરના દર પ્રમાણે શાહરૃખે ૨૭.૫૦ કરોડ રૃપિયા ચૂકવ્યા હતા. ત્યાર પછી શાહરૃખ ખાનને ખ્યાલ આવ્યો હતો કે લીઝ પ્રોપર્ટીમાંથી માલિકીના ધોરણે જમીનની ફેરવણી કરતી વખતે રાજ્ય સરકાર તરફથી હેતુપૂર્વક નહીં પણ અજાણતા ફીના દરની ગણતરીમાં ભૂલ થઇ ગઇ હતી.
જમીનના પ્લોટની કિંમતની ગણતરી કરવાને બદલે બંગલાની કિંમત ગણવામાં આવી હતી. આ વાત ધ્યાનમાં આવતા શાહરૃખ ખાન અને તેની પત્ની ગૌરીખાને સપ્ટેમ્બર ૨૦૨૨માં સબર્બન કલેકટર સમક્ષ વળતર મેળવવા માટે અરજી કરી હતી. કલેકટરે આ અરજી રાજ્ય સરકારને પાડવી હતી. હવે રાજ્ય સરકાર અરજી પર વિચાર કરીને શાહરૃખ ખાનને વળતર આપશે એવું સરકારી અધિકારીએ જણાવ્યુ ંહતું.