ઈ વ્હિકલ્સમાં મહારાષ્ટ્ર 3 લાખની નોંધણી સાથે દેશમાં પ્રથમ
રાજ્યમાં કુલ 3 લાખ ટુ વ્હીલર્સ અને 26328 કાર નોંધાયાં
ગત વર્ષની સરખામણીએ 50 ટકાનો વધારોઃ કર્ણાટક 2જાં અને ગુજરાત 3જા ક્રમેઃ 50 દિવસમાં જ 40 હજાર ઈ બાઈકની નોંધણી
મુંબઇ : મહારાષ્ટ્ર રાજ્યમાં ટુ વ્હીલર્સનું રજિસ્ટ્રેશન વિક્રમસર્જક ત્રણ લાખનો આંક વટાવી ગયું છે. શહેરમાં વીજ વાહનોની નોંધણીની સંખ્યા કુલ સાડા ત્રણ લાખ થઇ છે જે ગયા વર્ષની સરખામણીમાં ૫૦ ટકાનો વધારો સૂચવે છે. છેલ્લા ૫૦ દિવસમાં જ ૪૦,૦૦૦ ઇ ટુ વ્હીલર્સની નોંધણી થઇ છે જે દેશમાં સર્વાધિક છે. મુંબઇની ચાર આરટીઓ કચેરીઓમાં નોંધાયેલા વીજ વાહનોની નોંધણીના આંકડા મુંબઇગરાંની બદલાતી પસંદગી દર્શાવે છે.
દેશમાં લોકો હવે વીજવાહનોની ખરીદી કરવા ભણી વળ્યા છે. મહારાષ્ટ્ર દ્વિ ચક્રી વીજવાહનોની ખરીદીના મામલે ત્રણ લાખ વાહનોની નોંધણી સાથે દેશમાં પ્રથમ ક્રમે છે. બીજા ક્રમે કર્ણાટકમાં ૨.૪ લાખ, તમિલનાડુમાં ૧.૬૮ લાખ, ગુજરાતમાં ૧.૪૬ લાખ અને રાજસ્થાનમાં ૧.૨૩ લાખ દ્વિચક્રી વાહનોના વેચાણની નોંધણી થઇ છે.
પરિવહન કમિશનરની કચેરીના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર વીજ વાહનો અપનાવવાના મામલે અન્ય રાજ્યોની સરખામણીમાં અગ્રેસર છે. વીજ સંચાલિત બાઇક, કાર અને બસની નોંધણીમાં ગયા વર્ષની સરખામણીમાં ૨૦૨૩માં ૫૦ ટકાનો વધારો નોંધાયો છે. ભૂતકાળના અનુભવોમાંથી બોધપાઠ લઇને તમામ વીજવાહક ઉત્પાદકોએ સુરક્ષાના મામલે કડક પગલાં ભર્યા છે. બીજી તરફ મુંબઇમાં ચીફ ફાયર ઓફિસર દ્વારા દ્વિચક્રી વાહનોના ચાર્જિંગ પોઇન્ટસ માટે એનઓસી ગાઇડલાઇન્સનો મુસદ્દો બહાર પાડવામાં આવ્યો છે. જેના કારણે અનિચ્છનીય અકસ્માતો ટાળી શકાશે.
૨૦૨૨ના ઉનાળામાં સ્કૂટરની બેટરીઓમાં આગ લાગવાની ઘટનાઓ બનવાને પગલે ચિંતા સર્જાઇ હતી પણ હવે કેન્દ્ર સરકારે ઉત્પાદકો માટે ક્વોલિટી કન્ટ્રોલ નિશ્ચિત કર્યા હોઇ આવી અચાનક આગ લાગવાની ઘટનાઓ બનતી બંધ થઇ ગઇ છે. ૨૦૧૯માં શહેરની ચાર આરટીઓ કચેરીઓમાં ૩૧૧ વીજ વાહનોની નોંધણી થઇ હતી તેની સરખામણીમાં ચાર વર્ષ બાદ ૩૦,૧૨૭ વીજવાહનોની નોંધણી થઇ છે જે ૯૭ ગણો વધારો દર્શાવે છે.
શહેરમાં વિવિધ વીજવાહનોની નોંધણીની વિગતો
આરટીઓનું નામ ઇ કાર ઇ ટુ વ્હીલર્સ કુલ
તારદેવ ૩૦૪૫ ૪૩૯૩ ૮૮૪૧
વડાલા ૧૫૨૭ ૪૦૭૯ ૬૧૬૩
અંધેરી ૨૬૦૭ ૪૪૫૪ ૭૭૪૮
બોરીવલી ૧૭૫૩ ૫૩૩૨ ૭૩૭૫
શહેરમાં કુલ સંખ્યા ૮૯૩૨ ૧૮૨૫૮ ૩૦૧૨૭