Get The App

મુંબઈમાં MIDCની ફેક્ટરીમાં વિસ્ફોટથી લાગી ભીષણ આગ, સાત લોકોના મોત, 57ને ઈજા

Updated: May 23rd, 2024


Google NewsGoogle News
મુંબઈમાં MIDCની ફેક્ટરીમાં વિસ્ફોટથી લાગી ભીષણ આગ, સાત લોકોના મોત, 57ને ઈજા 1 - image


Maharashtra Fire Breaks Out : મહારાષ્ટ્રમાં ડોંબિવલીના MIDC વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં બૉયલર ફાટવાથી આગ લાગી ગઈ. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં સાત લોકોના મોત થયા છે, જ્યારે 55થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાસ્થળ પર રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.

જણાવાયું છે કે, બપોરે 1.40 વાગ્યે અમુદાન કેમિકલ ફેક્ટરીમાં બૉયલર ફાટવાથી આગ લાગી હતી. મહારાષ્ટ્રના ઉદ્યોગ મંત્રી ઉદય સામંતે જણાવ્યું કે, અત્યાર સુધીમાં ઘટનાસ્થળેથી ચાર મૃતદેહોને કબજે કરાયા છે. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. બીજી તરફ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ એલાન કર્યું છે કે ઈજાગ્રસ્તોની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર આપશે.

એક કિલોમીટર સુધી સંભળાયો વિસ્ફોટનો અવાજ

એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, વિસ્ફોટનો અવાજ એક કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. વિસ્ફોટના કારણે આસપાસની બિલ્ડિંગ્સની કાચની બારીઓ તૂટી ગઈ અને કેટલાક ઘરને નુકસાન થયું. ઈજાગ્રસ્તોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના અધિકારી યાસીન તાડવીનું કહેવું છે કે, બપોરે 1.40 વાગ્યે બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો. વિસ્ફોટ બાદ આસપાસની ત્રણ ફેક્ટરીઓમાં પણ આગ ફેલાઈ હતી. ખુબ દૂર સુધી ધુમાડા અને આગની જ્વાળા જોઈ શકાતી હતી.

આઠ લોકો સસ્પેન્ડ : દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે X પર લખ્યું કે- આ મામલે આઠ લોકોને સસ્પેન્ડ કરી દેવાયા છે. NDRF, TDRF અને ફાયર બ્રિગેડની ટીમોને ઘટનાસ્થળે બોલાવવામાં આવી. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.



Google NewsGoogle News